કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૨૪. સંધ્યાવંદન


૨૪. સંધ્યાવંદન

આસન
શાંતપણે બેસ અહીં શાંતપણે
એવું જાણે કેટલીય વાર સાંભળ્યા
પછી
વચ્ચે વચ્ચે
એવા કેટલાય
શબ્દ, એવા કેટલાય અવાજ, એવા
કેટલાય આકારના કેટકેટલા જન્મ
હતા ન હતા થતા ફરી ફરીને લેવા
ધસે કે
સ્થિર બેસાય નહીં
છતાં
ઊઠી ન શકાય, ન જવાય ક્યાંય
દુઃસ્વપ્નભંગ કરી શકાય ના આ જાગ્રત
ઘટમાળ
સંધુય
કરો આચમન
બુંદેબુંદ
હથેળીનું અંજળ હોઠે
પ્રવેશી જીભે અડકતું ન અડકતું
ગળે ઊતરતું ન ઊતરતું, પ્રસરે
ક્યાં એની ખબર ખોવાઈ ફરે
સ્વાદહીન શીતલ અમૃતરસભરી હૂંફ
છેછેનથીનથી એમ સ્પર્શે મન

એક પળ શાંત બેઠો છું તેમ બેસ
છંટકાવ
મનન
સામે, ડાબે, જમણે, પાછળ,
ક્યાંય ન જડે — અહીં કે આટલામાં
પણે આંખ પહોંચે ત્યાં પણ
ન મળે
છતાં જવું, શોધવું, ફંફોળવું, માપવું
પ્રમાણવું, ભણવું, ગણવું, ફરી ગણવું,
ગણતાં ગણતાં ગણનાનો આંક
દીઠો એક ઘોડો
ઘોડાને લગામ, લગામ કોને હાથ
ન દેખાય
દોડાવો ખૂબ ખૂબ
વેગાવો એને, શ્વાસ ભરાય, ફીણ
ફીણ થઈ જાય, આંખ પહોળી થાય
ચામડી થરથર થાય, હણહણી જાય
સૂર્ય, ચંદ્ર, ગ્રહ, તારા, નિહારિકા
સમેત પૃથ્વી ઘૂમે
ભાતભાતના મેસોન
પ્રોટોન, ન્યુટ્રોન, ફરતા ઈલેક્ટ્રોન, અણુ
પરમાણુ, તત્ત્વ, ધાતુ, રસ સંધાય
ક્યાંક ક્યાંક રેડિયમ સ્ફુલ્લિંગ તણખાય
તેજ, હવા, પાણી, પૃથ્વી-શ્વાસ લેવાય
ફૂટે કૂંપળ, તરે મીન, ઊડે પંખી,
વધે જીવ, જંતુ, પશુ અને —
એકનું રૂપ તે બીજાનો આધાર, જેનો
જે આધાર તે તેનું ક્ષેત્ર, આગવાં
આગવાં સ્થળ, આગવો આગવો કાળ
રૂપ-કર્મ-ક્ષેત્ર-સ્થળ-કાળ, એકાકાર
જેમાં બંધાય સંસાર અને જીવન, તે
સૌમાંથી છટકે ક્ષણે ક્ષણે, તે કોણ?
ઓળખ છ એને? એને કોણ ઓળખે?
કોણ કોને ઓળખે?
કરો આચમન
ક્ષણ ક્ષણ
ચૈતન્યમય રૂપ
હૃદયમનપ્રાણનાકકાનજીભત્વચાઆંખ
ભરે રક્ત મજ્જા માંસ અરથિ દેહ
અનેક સ્વાદ, અનેક રંગ, અનેક કામ,
અનેક ઇચ્છા, અનેક અર્થ, અનેક માર્ગ,
વ્યાપી વળે પૃથ્વી પર બાંધી સ્થળ-કાળ
પૂર્વ, ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ,
ત્યાગે, વૈરાગ્યે, વિવેકે, તપે,
તો જાણ
આ પણ એક ઘોડો
ઘોડાને લગામ, લગામ કોને હાથ
ન દેખાય
વેગાવ


ધ્યાન
અશ્વમેધે આદર જે સ્થળ-કાળ જય
ધર્મે, ભાષાએ, કલા-ઇતિહાસ-વિજ્ઞાનસંયોગે
તે જય કોનો?
કેમ કરી કહું મારો?
કેમ કરી કહું તારો?
તારું તે આ રૂપ
તે તો ભીંસે; જોઉં જોઉં છળી મરું
પામું ભય
જેટલો હું પાછો જાઉં
તેટલો તું પાછો વળે
સર્જનના ક્ષયે
વિસર્જન લયે
કરો આચમન
શાંત શાંત
આપું તને રૂપ મારું?
આપું તને નામ મારું?
આપું તને કર્મ મારું?
કોણ કોને રૂપ આપે, નામ આપે, કર્મ આપે?
પાસે જઈ પ્રેમદોરે બાંધે આખો તો બંધાય
થાકી જા, હાંફી જા, હારી જા, સાધનો ખુટાડતાં
છૂટી જા તું અને બંધાય તે—
સ્થળ-કાળ લય પર્યંત
શાંત પણે બેસ અહીં શાંતપણે

૧૧-૧૪ માર્ચ ’૬૮
અડિસ અબાબા

(સાયુજ્ય, પૃ. ૪૭-૫૧)