કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૩૮. સ્વપ્ન-જાગૃતિ
અડધી રાતે આંખ ઊઘડે,
કપાયલી ફિલ્મ જેમ સ્વપ્ન અદૃશ્ય
પથરાયલા સફેદ પડદાને બદલે
ગોળ ઝળૂંબતું ભૂરું ભૂરું આકાશ.
પશ્ચિમ પડખે ઝૂકેલા શનિ-મંગળ,
ઉત્તરે પગ ભણી ક્ષિતિજમાં ખૂંપેલા સપ્તર્ષિ,
ઉપર તારા ચહેરા જેવો ચંદ્ર.
માનો સ્તન પકડી રાખતા ઊંઘણટા બાળ જેમ
નજર નભને વળગી રહે.
ફરી પાછી આંખ ઘેરાય
નવું રીલ શરૂ થાય.
આમ જ તું મને સાચવે,
આમ જ તું મને પોષે,
આમ જ તું મને અંકમાં રાખે.
૧૨-૬-૮૪
(જાગરણ — પાછલી ખટઘડી, પૃ. ૪૦)