કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૩૯. બતાવ, મને


૩૯. બતાવ, મને

નભથી અવકાશને હું કેમ જૂદું પાડું?
બતાવ મને, વહાલા!
કિરણોથી તેજને હું કેમ છૂટું પાડું?
બતાવ મને, વહાલા!
મોજાંથી સાગરને કેમ દૂર કાઢું?
બતાવ મને, વહાલા!
ચાંદનીથી ચંદરને કેમ હાંકી કાઢું?
બતાવ મને, વહાલા!
કંકણથી સોનાને કેમ જુદું ટાંકું?
બતાવ મને, વહાલા!
મારાં વસ્ત્રો લઈ લીધાં તેં, કેમ લાજ ઢાંકું?
બતાવ મને, વહાલા!
તારી હાજરીમાં કૃષ્ણ-ગંધ કેમ રે ઉડાડું?
બતાવ મને, વહાલા!
ઉરે અનુભવથી સ્પર્શ તારો કેમ કરી છાંડું?
બતાવ મને, વહાલા!

૬/૮-૮-૮૪
(જાગરણ — પાછલી ખટઘડી, પૃ. ૪૪)