કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૪૬. આરાધ્ય
ગોકુળમાં ગોવિંદ વસે જે
ગોવર્ધન ગિરિધારી ।
કૃષ્ણ, કનૈયો, કાનુડો તે
વ્રજનંદન મોરારિ ।।
શિશુઘાતી પૂતનાને જેણે
ધાવતાં અર્પી મુક્તિ ।
કંઈક દુષ્ટ દાનવને તાર્યા
સહજમાં સાધી જુક્તિ ।।
વૃંદાવનમાં ધેનુ ચરાવે
મોર-મુકુટ-ધર પ્યારો ।
ઘર ઘરનું માખણ ચોરીને
વહેંચી ખાતો ન્યારો ।।
કુમારીઓનું કાત્યાયની-વ્રત ।
કૃતાર્થ કરવા માટે ।
ચીર-હરણથી લાજ સાચવી
પ્રેમ-નદીના કાંઠે ।।
પૂર્ણ-પ્રેમનો સૂર છેડતાં
શરદ-પૂર્ણિમા રાતે ।
એક ગોપીને વિહ્વળ જેણે
કરી સ્નેહભર બાથે ।।
ગોપી સંગે રાસ રમે નિત —
વૃંદાવનમાં આમ ।
કિંકર હસમુખ આરાધે તે
મુરલીધર-ઘનશ્યામ ।।
૨૧ જુલાઈ ૨૦૦૦
સુધાર્યુંઃ ૨૪ જુલાઈ, ૨૦૦૦
(એકાન્તિકી, પૃ. ૬)