કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૪૫. ગીત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૫. ગીત

તેં વાદળ હટાવી લીધાં;
મને સૂર્ય મળ્યો,
સન્મિત્ર મળ્યો,
અતિશીતલ મળ્યો,
જ્યાં વાદળ હટાવી લીધાં.
મેં હરખથી હુલુ હુલુ ધ્વનિ કર્યો;
મન સાફ થયું,
ચિત ઓગળિયું,
તારું નામ
બુદ્ધિએ પરમ લહ્યું,
મુજ હંકારે હુલુ ધ્વનિ સર્યો.
તેં મસ્તક સૂંઘી ચૂમી લીધો;
મને ગોદ મળી,
મને હૂંફ વળી,
શીળી છાંય સમા
તારા હૈયે ઢળી,
જ્યાં મસ્તક સૂંઘી ચૂમી લીધો.
મારી કાલી-ઘેલી બોલીમાં અક્ષર લહી,
નભ-નીલ સમા,
રવિ-ચંદ્ર સમા,
ગ્રહ-તારક-નિહારિકાના
શ્વાસ સમા,
મારી કાલી-ઘેલી બોલીમાં અક્ષર વહી —
કિંકર હસમુખ હવે રમી રહ્યો,
પ્રાણ-મન અંગે
ક્‌હાન, તુજ સંગે,
ગાઈ હીંચકતાં
હસી-રોઈ આનંદતરંગે
કિંકર હસમુખ નમી રહ્યો —
તેં વાદળ હટાવી લીધાં.

૯ જૂન ૨૦૦૦
(એકાન્તિકી, ૨૦૦૪, પૃ. ૪-૫)