કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૪૮. અનંત ચાહના


૪૮. અનંત ચાહના

આકાશ ક્યારેય પૃથ્વી પર તૂટી પડતું નથી.
વાયુ આકાશમાંથી ઊતરી, વચ્ચે આવતાં
વાદળોને હટાવી, તેજના ચમકાર સાથે
જલ વરસાવી, પૃથ્વી પર તૂટી પડે,
જો વચ્ચે જલભર્યાં વાદળ ન હોય તો
વાયુ, પૃથ્વી પરનાં જલ અને ધૂળ સાથે
રમત કરે, ક્યારેક ધીરે ધીરે હળવાશથી,
ક્યારેક જોશભેર જલ ઉછાળતાં, ધૂળ ઉડાડતાં,
ઋતુ ઋતુનો વાયુ વાય. હેમંત અને શિશિરના
વાયુથી વસંત વાયુ અલગ, તેવી જ રીતે
ગ્રીષ્મ અને વર્ષાના વાયુથી શરદ વાયુ
સાવ જુદો. દરેકેદરેક ઋતુમાં
વાયુ, જલ અને પૃથ્વીને સ્પર્શવાનું ભૂલે નહિ.
વાયુ ક્યારેક વંટોળ થાય, ધૂળની ડમરી થાય,
વાવાઝોડું થાય, અરે ક્યારેક ટૉર્નાડો થાય,
ટૅમ્પેસ્ટ થાય, સાઇક્લોન થાય.
આકાશ આ ખેલ જોઈ રહે, પરંતુ
તે ક્યારેય નીચે ઉતરે નહિ.
તેજ તો પ્રગટ થતાં જ આંખ મીંચીને ઉઘાડો
ત્યાં સપાટાબંધ ઝબકાર જેમ
નીચે ઊતરી આવે, વીજ થઈ
જલ ઉત્પન્ન કરે, વનસ્પતિમાં પ્રાણ પૂરે,
કીટ-જળચર-સ્થળચર-પંખી અને પશુ
સૌને જાણે ચાવી દઈ ચલાવે, પરંતુ
જ્યાંથી તે આવ્યું તે આકાશમાં
પાછું ન જાય, પૃથ્વીમાં સમાઈ જાય,
આકાશ આ જાણે, કશું બોલે નહિ.
જલ, આકાશમાં વાયુજોરે વિહરતા
વાદળમાંથી તેજસ્પર્શે પૃથ્વી પર વરસી
પછી ત્યાં જ રહ્યું રહ્યું એકઠું થતાં
ઝરણાં-નદી-નદ-સાગર-મહાસાગર
રચાય, જેમાં પૃથ્વી ડૂબી જતી જતી
અકળાય, એટલે સૂર્ય પૃથ્વીનો ભાર
હળવો કરવા પોતાના ઉગ્ર તાપથી જલને
શોષે; જલ ફરી વાદળ થાય, વાયુ સાથે
વિહરે, પરંતુ આકાશમાં અધ્ધર ઝાઝું
ટકે નહિ. આકાશ આ સમજતું હોય,
પરંતુ તે ચળે નહિ, જલ સાથે વરસે નહિ.
માત્ર ક્યારેક પૃથ્વી પર પડેલા
શાંત સ્થિર જલમાં
પછી તે ખાબોચિયું હોય કે સરોવર
તેમાં પોતાના પ્રતિબિંબને
જોયા કરે, બસ જોયા કરે.
પૃથ્વી પર તો સઘળું પડે;
વાયુ, તેજ, જલ ઉપરાંત પ્રકાશ અને અંધકાર —
તેમાંય પ્રકાશ તો દસેય દિશામાંથી આવે,
સૂર્યનો, ચંદ્રનો, તારા-નક્ષત્રોનો, નિહારિકાઓનો.
એટલે પૃથ્વીનો સ્વભાવ થાય સઘળું ઝીલવાનો,
જીરવવાનો, ખમવાનો.
પૃથ્વી સૂર્યનો તાપ ખમે, જીરવે, ચેતનામય
જીવનમાં પલટે; પૃથ્વી પોતાના જ સંતાન
ચંદ્ર દ્વારા આતપને પરાવર્તિત
શીતલ કરીને ઝીલે અને પોતાની કૂખમાં
રહેલા મહાસાગરના જલને ચંદ્રકિરણના
સ્પર્શથી રમાડે, ઉછાળે.
પૃથ્વી આકાશને માત્ર ચાહી રહે, કારણ
પોતે જાણે છે કે આ અખિલ બ્રહ્માંડમાં
પોતે જેના બાહુમાં પ્રેમપૂર્વક જકડાઈ છે,
જેના ખોળામાં વહાલ સ્વીકારતી સૂતી છે,
તે એકમાત્ર આકાશ જ છે.
એના આનંદમાં ધ્રુવતારા સામે માંડેલી
પોતાની ચુંબકીય ધરી ઉપર તે
સતત ઘૂમરાય અને પોતાની સાથે
સંતાન ચંદ્રને પણ ઘુમાવે, ઉપરાંત
પોતાના બાંધવ ગ્રહમંડળગણ સહિત
સૂર્યની પ્રદક્ષિણા કરે, કારણ સૂર્ય
પોતાના તાપથી પૃથ્વીને સજીવ ઉછેરે છે,
તે જીવ-ચૈતન્ય આકાશ દ્વારા
વાયુ-તેજ-જલ સાથે પૃથ્વીમાં એકરસ
થાય છે, વનસ્પતિમાં રહી લીલું ક્લૉરોફિલ
થાય છે, પંખી-પશુ-મનુષ્યલોકમાં બ્લડ-રેડ
(લાલ લોહી) થાય છે,
તે કઈ રીતે પ્રવેશે છે, રસાયણ થાય છે,
તેની કોઈને જાણ નથી, પૃથ્વી કે એનાં
સંતાનોને (જેમાં મનુષ્ય સૌથી મોટો,
સમજણો અને વહાલો છે). જાણ નથી
કે આ સૂર્યમંડલ નિહારિકાના હાથમાં
રહ્યું રહ્યું શા માટે ઘૂમી રહ્યું છે,
અને નિહારિકાઓ રાસ લેતી લેતી
શા માટે બ્રહ્માંડનું વર્તુળ વધારતી જ
જાય છે અને આ ગતિ
ક્યારે ને કઈ રીતે શું થઈને રહેશે.
પૃથ્વીને માત્ર એટલી જ ખબર છે કે
આકાશમાંથી આવતાં પ્રકાશ, અંધકાર,
વાયુ, તેજ, જલ ઉપરાંત ચૈતન્યમય જીવન
એનો પ્રિયતમ જ એને આપે છે.
જેટલી જાણ પૃથ્વીને છે એટલી જ જાણે
આકાશને છે.
આકાશ અને પૃથ્વી વચ્ચે ચાલતા
અનંત ચાહનાના પ્રવાહમાં
કિંકર હસમુખ પોતાની પરમ પ્રત્યેની
માનુષી ચાહના વહાવે છે, કારણ
જેમ પૃથ્વી તેના હૃદયને નિજ આનંદના
ધબકારથી ઘડે છે, તેમ આકાશ તેના
હૃદયને પોતાનું ઘર સમજી રહે છે.

૨૭-૩૧ ઑગસ્ટ, ૨૦૦૨
(એકાન્તિકી, પૃ. ૨૮-૩૧)