કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૫૦. પિતાને


૫૦. પિતાને

‘... હવે, તું થોડી વાર બહાર જા.’
એ હતા તમારા છેલ્લા શબ્દો
મને આપેલાં થોડાંક સૂચનોમાં.
અને હું બહાર જઈ ઊભો છજામાં
જ્યાંથી જૂન-મધ્યનું પૂર્વાકાશ
સ્લેટિયું પથરાયું હતું જેમાં
બે પછીના બપોરની સમળીઓ
ઘૂમતાં ઘૂમતાં આલેખતી રહેતી હતી
તે લિપિ ઉકેલવામાં મન પરોવવા
મથતો રહ્યો, ક્યાંય સુધી.
તે સમયે અંદરના ઓરડામાંથી
‘સ્વામી અને નારાયણ, અક્ષર અને પુરુષોત્તમ,
હરિ હરિ બોલ, બોલ હરિ બોલ,’
એવા અવાજો સાથે વૃદ્ધોએ મૂકેલી
મરણ-પોક સાંભળી, તમારી ના હતી છતાં
હું તમારી પાસે આવ્યો.
તમે માથું ઢાળી દીધું હતું,
ચાદર ઓઢી હતી, મોં ઢાંકેલું હતું.
મેં ઓરડામાં ઊભેલાં સ્વજનો સામે જોયું,
સૌ રડતાં હતાં, ચીખતાં હતાં, અમળાતાં હતાં.
તમે હતા નિઃશબ્દ; એવી જ હતી બા,
જેનાં સજળ-નેણ તમારી ભણી જ હતાં;
તે પોતાને જાણે ના ના કહેતી હોય તેમ
માથું હલાવતી, મોં ઉપર સાડલાનો છેડો
દબાવતી, અવાજ ન નીકળે એમ મથતી મથતી
એકમાત્ર તમને જ જોતી હતી,
એને ઘરની વૃદ્ધ સ્ત્રીઓ પકડીને લઈ ગઈ
અંદરના બીજા ઓરડામાં, હું પણ નિઃશબ્દ રહ્યો.
તમારા અંતિમ શબ્દો સાંભળનારો પુત્ર
હું હતો. તમે કહ્યું હતું કે ચારેય જણાં
ભણી રહો એટલી વ્યવસ્થા છે, નાનું એવું
ઘર છે, અને છે સૌ સાથે ઠાકોરજી.
એટલું કહ્યા પછી તમે મોકલ્યો હતો મને બહાર.
અંતિમ યાત્રામાં ધુમાડો ફેલાવતી સળગતી
દોણી સાથે, મને જ સ્વજનોએ આગળ કર્યો
અને સૂર્યાસ્ત સમયે હજી ઠંડી નહિ પડેલી
ડામરની સડક ઉપર, દાઝતા અડવાણા પગે
નાચતો દોડતો હતો, સ્વજનોના ખભે રાખેલા
તમારા દેહથી આગળ.
ચેહ ઠાર્યા પછી રાત્રે જ્યારે સૌ સાથે
પાછો ઘરે આવીને સીધો બા પાસે એકલો
અંદરના ઓરડામાં ગયો, ત્યારે ચૂડી ભાંગી,
વાળ ઊતરાવી બેઠેલી બાએ સજળ-નેણે હસી
એટલું જ પૂછ્યું, ‘કેવા લાગતા હતા?’
મેં માંડ માંડ કહ્યું, ‘એ તો હસતા હતા,
વેદનાની એકેય રેખા ન હતી —’ ત્યારે
બાથી રડી પડાયું, બોલી, ‘એ જીતી ગયા
એ જ જીતી ગયા, હું હારી, હું જ હારી!’
મેં બાને ત્યારે જે કહી તે પરોઢના મારા
સપનાની વાત, તે દિવસે તમને કહી
શક્યો ન હતો, ભૂલી ગયો હતો, તે આજે
કહું છું કે પરોઢમાં તે દિવસે મારા સપનામાં
ઘરમાં આવેલા સાધુઓના ટોળા સાથે
મારા જન્મ પહેલાં દેહાન્ત પામેલા દાદા જોયા
હતા, મારા ધબકતા હૈયાની પાસે મલકતા મુખે
કહેતા હતા, હરુને લેવા આવ્યો છું!
સવારે જાગ્યો અને તમારી પાસે આવ્યો
ત્યારે તમને સારું હતું, તમે આનંદિત હતા,
એટલે કદાચ તમને આ સપનું કહેવાનું
ભૂલી ગયો હોઈશ.
બાનો દેહ પડ્યો, ત્યારે અડિસ-અબાબાના
મારા એકલ-નિવાસમાં બા સાથે તમે
આવ્યા હતા, ત્રણ દિવસ ત્રણ રાત્રિ
મારા અનશન લીધેલ દેહને, તમારા
વાત્સલ્યામૃતથી શાંત કર્યો હતો.
વાણીમાં જે જીવંત અક્ષરાય તેથી અદકું
સ્મૃતિમાં સંઘરાય અને સ્મૃતિમાં જે જીવંત
તે તો જીવતા-જીવતથી પણ મોંઘેરું,
એની સાથેનો સંબંધ અમૃત જેવો સ્વાદ આપે;
ઈશ્વરની શાશ્વત કરુણા સાથે આ છે
મનુષ્યની અણુ સરખી અમરતા.
તમારા દેહાન્ત પછી તમે મારી અંદર જ રહ્યા છો,
એ વાત જ્યારે જ્યારે બહાર રહ્યો રહ્યો ભૂલ્યો છું
ત્યારે ત્યારે ભૂલ કરી બેઠો છું. મારી ભૂલો
તમે જાણો છો તેમ છતાં તમે હસતામલકતા
નિઃશબ્દ રહ્યા છો.
તમે આપેલા, બાએ આપેલા, શબ્દે
ચાલવા મથ્યો છું, તેથી સંસારના કાદવે
ખરડાયા છતાં, તમારી પાસે આવવા ચાહું છું,
તમે જ મને ચોખ્ખો કરો એમ છો, એટલું કહેવા.
શનિ બે રાશિ-ચક્ર પૂરાં કરી ત્રીજાની અધવચ્ચ
પહોંચવા આવ્યો છે ત્યારે તમારી સમક્ષ
આટલું કહી નિઃશબ્દ થવા ચાહું છુંઃ
મને અંદર લો, પિતા, મને અંદર લો!
છોરુ હસમુખ તમારી પાસે હરિ-સંગે હસે.

૮-૯ ઑક્ટોબર ૨૦૦૨
(એકાન્તિકી, પૃ. ૪૬-૪૯)