કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૧૮. એકલું
૧૮. એકલું
પ્રહ્લાદ પારેખ
નભમાં ઊગે છે નવલખ તારલા, અગણિત સિંધુ તરંગ;
ડાળે ડાળે વનમાં ફૂલડાં, માળે ગાયે વિહંગ;
શાને રે લાગે તોયે એકલું !
સ્મૃતિ રે અંતર મારે લાખ છે, આશા કેરો ન પાર,
પડે રે હૈયું જ્યારે એકલું ત્યારે સંગ દેનાર;
તોયે રે લાગે આજે એકલું !
ઊભી રે ધરણી મારી પાસમાં, ઉપર આભ અપાર;
વાયુ રે નિત્યે વીંટી રે’ મને, આખું વિશ્વ વિરાટ;
નાના રે હૈયાને લાગે એકલું !
કોઈ રે આવી કોઈ વહી ગયું, મારે અંતરને દ્વાર;
કોઈ રે ગાઈ મૂંગું રહી ગયું, છાયો ઉરમાં સૂનકાર :
એવું રે લાગે આજે એકલું !
(બારી બહાર, પૃ. ૯૫)