કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૩૭. વાવણી
૩૭. વાવણી
પ્રહ્લાદ પારેખ
હાલો મારા શામળા, ને હાલો મારા ધોળિયા !
આકાશે આવ્યો પેલો મેહુલો જી. – હાલો૦
તારા તે રંગ કેરો મેહુલો છે, શામળા !
ને તારા તે રંગ કેરી વીજ, અલ્યા ધોળિયા ! – હાલો૦
બાંકી છટાએ આવ્યો ડુંગરની ધારે એ તો,
ઘેરી ઘટાએ આવ્યો ખેતરને આરે મારે;
ગઢને તે કાંગરેથી બોલાવે મોરલા, ને
માટીની સોડમ દેતી સાદ, અલ્યા શામળા ! – હાલો૦
સૂકી આ ધરતી માથે,
જઈને ત્રણે સંગાથે,
કરવી છે લીલમવરણી ભાત;
મારા આ આયખાની સૂકી ને લીલીમાં છે
ધરતી ને ધોરીનો સંગાથ, અલ્યા ધોળિયા ! – હાલો૦
(સરવાણી, પૃ. ૧૭)