કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૫૦. જાગો
૫૦. જાગો
પ્રહ્લાદ પારેખ
જાગો, જાગો જન ! જુઓ ગઈ રાત વહી;
રાત ગઈ ને ભોર થઈ. – જાગો૦
હિમડુંગરોનાં શિખરો ઝળક્યાં,
મરક મરક વનરાઈ થઈ;
સાગર જાગ્યો ભૈરવ રાગે,
ઝરણ-જલે નવઝલક ધરી. – જાગો૦
દૂરે દૂરે ઝાલર વાગે,
ક્યાંક બજી શરણાઈ રહી;
વન-ઉપવનમાં ફૂલડાં જાગે,
પવન ફરે પમરાટ લઈ. – જાગો૦
શ્યામલ-વરણી પલટી ધરણી
તેજ તણા શણગાર કરી;
જાગે છે નવ જોમ ગગનમાં
લાલ રંગ સહુ અંગ ધરી. – જાગો૦
(સરવાણી, પૃ. ૫૫)