કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૪૯. દવ રે લાગ્યો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૯. દવ રે લાગ્યો

પ્રહ્લાદ પારેખ

દવ રે લાગ્યો ને ખંડો સળગિયા,
સળગ્યાં સાગર ને આભ;
બળ્યાં રે શે’રો ને બળિયાં ગામડાં:
સારે સંસારે લાય. – દવ રે૦

ઊંચી રે ઇમારત બાંધી બુદ્ધિએ,
એના મોભે ય જાળ;
મથીને હૈયે રચિયા બાગ જે,
લાગી તેમાં ય આગ.          – દવ રે૦
લોહી રે પડે, ને લપકી ઊઠતી
ઝાઝે જોરે એ ઝાળ !
ફરે રે જળમાં, જાતી આભમાં,
તેને શાની રે પાળ ?          – દવ રે૦

બળે રે મહેલો ને બળતાં ઝૂંપડાં,
સળગે મોટાં ને બાળ;
ઊભા રે સળગાવી દૂરે જે બધા,
થાતી સહુનો એ કાળ.          – દવ રે૦

બુઝાવી શકે ન એને રાજવી,
કોઈ નહીં વા કુબેર;
એક રે સૌ થયે અદના અદમી
ત્યારે અટકે એ કેર. – દવ રે૦
(સરવાણી, પૃ. ૫૪)