ખારાં ઝરણ/અંધ ક્યાં ક્યાં આથડે? તું પૂછને
છેવટે ગાયબ થયો અંધારમાં,
શું લખ્યું છે સૂર્યના અવતારમાં?
આંસુઓને જોઈ તું ગદગદ્ ન થા,
આવું તો ચાલ્યા કરે વહેવારમાં.
આ પવન-વાણી હતાં કોની કૃપા?
કેમ ના સમજે કદી અણસારમાં?
મામલો મનનો ઘણો છે જોખમી,
કાચનાં વાસણ ભર્યાં ભંડારમાં.
આમ છે કે ખાસ તું નક્કી ન કર,
જા પ્રથમ ‘ઇર્શાદ’ના દરબારમાં.
૧૭-૧-૨૦૦૯