ખારાં ઝરણ/જોઈએ, વહેલી પરોઢે એક તારો જોઈશે
જોઈએ, વહેલી પરોઢે એક તારો જોઈશે,
દૂરનો તો દૂરનો તારો સહારો જોઈશે.
સાંકડું ને સાંકડું ઘર થાય છે વરસોવરસ,
વૃદ્ધ બનતા શ્વાસને લાંબો પટારો જોઈશે.
સાવ કોરી આંખની એક જ હતી બસ માગણી,
છો થવાનું થાય; પણ અશ્રુ વધારો જોઈશે.
ચાલવા ને ચાલવામાં માર્ગ લંબાતો ગયો,
આર્તસ્વરમાં હુંય કહેતો કે ઉતારો જોઈશે.
સાંજ ટાણે હાટડી જો ખોલશો ‘ઇર્શાદ’ તો,
આપ પાસે સ્વપ્નના વિધવિધ પ્રકારો જોઈશે.
૧૪-૮-૨૦૦૭