ખારાં ઝરણ/હાથે ચડી ગયું છે રિમોટનું રમકડું

From Ekatra Foundation
Jump to navigation Jump to search
હાથે ચડી ગયું છે રિમોટનું રમકડું

હાથે ચડી ગયું છે રિમોટનું રમકડું,
એ જણ મનુષ્યમાંથી ઈશ્વર બની ગયું છે.

જેને કહો છો મિથ્યા એ તો જગત છે મિત્રો,
કેવી રીતે કહું કે નશ્વર બની ગયું છે?

આંસુનો મારો વાગ્યો અમને રહીરહીને,
પાણી હતું તે આજે પથ્થર બની ગયું છે.

વરસો જૂની હવેલી ક્યારેક તો પડત, પણ,
તારે લીધે બધુંયે સત્વર બની ગયું છે.

‘ઇર્શાદ’ કેમ લાંબું જીવી જશે ખબર છે?
તારું સ્મરણ પધારી બખ્તર બની ગયું છે

૨૩-૫-૨૦૦૯