ખારાં ઝરણ/નેજવામાં નભ લઇ બેસી રહીશ

નેજવામાં નભ લઇ બેસી રહીશ

નેજવામાં નભ લઈ બેસી રહીશ?
તું ધધખતું રણ લઈ બેસી રહીશ?

આ ક્ષણો ભડભડ સળગતી ક્યારની,
ક્યાં સુધી તું હઠ લઈ બેસી રહીશ?

આ પવન, ક્યારેક, પથ્થર થાય છે,
એટલે ગોફણ લઈ બેસી રહીશ?

આ બરફનો પહાડ ક્યારે પીગળે?
ક્યાં સુધી ધીરજ લઈ બેસી રહીશ?

કોણ સમજાવી શકે ‘ઇર્શાદ’ને?
શિર નથી ને ધડ લઈ બેસી રહીશ?


૨-૩-૨૦૦૯