ખારાં ઝરણ/વહાણને ડૂબાડનારી ક્યાં જડે

વહાણને ડૂબાડનારી ક્યાં જડે

વહાણને ડૂબાડનારી ક્યાં જડે?
પાણી પર પગલાં હવાનાં ક્યાં પડે?

સાચવીને રાખ એને આંખમાં,
સ્વપ્ન છે; આંસુની માફક નહીં દડે.

કૈંક વરસોથી ચલણમાં ના રહ્યું,
સત્યનો ચળકાટ ક્યાંથી કમ પડે?

ભીંત પર એકાદ પડછાયો હજી,
દેહ શોધી કાઢવા હાંફે ચડે.

તું કસોટી કર નહીં ‘ઇર્શાદ’ની,
મૂર્ખ છે, એને કશું નહીં આવડે.

૬-૧૧-૨૦૦૮