ખારાં ઝરણ/શેષમાં ક્યાં કશું ક્યાંય બાકી હતું?
શેષમાં ક્યાં કશું ક્યાંય બાકી હતું?
તેજ ઓળંગતું એક પંખી હતું.
છેક ઊંડે હતો ક્યાંક કુક્કુટ ધ્વનિ,
તેજ ખંખેરતું એક પંખી હતું.
ક્યાં ગયું ? ક્યાં ગયું ? ક્યાં ગયું એ પછી ?
તેજ ફંફોસતું એક પંખી હતું.
સૌ દિશ મૂઢ છે, વાયુ નભ જળ, ધરા,
તેજ ફંગોળતું એક પંખી હતું.
સાચવ્યું કેમ સચવાય એ પિંજરે?
તેજ તગતગ થતું એક પંખી હતું.
૫-૩-૨૦૦૭