ખારાં ઝરણ/સૌ સમસ્યા જેવી છે એવી જ છે
સૌ સમસ્યા જેવી છે એવી જ છે,
એ કદી ક્યાં કોઈના જેવી જ છે?
વ્યર્થ ખેતી જાય એ ચાલે નહીં,
આંખની બધી નીપજ લેવી જ છે.
વેદના એમ જ નથી મોટી થઈ,
મેં જનેતા જેમ એ સેવી જ છે.
શ્વાસ જેવા દીકરે ભેગી કરી,
માલમિલકત વારસે દેવી જ છે.
શું મરણની બાદ દુનિયા હોય છે?
હોય છે, તો બોલને, કેવી જ છે?
૨૯-૫-૨૦૦૯