ખારાં ઝરણ/એવી કેવી વાત છે
Jump to navigation
Jump to search
એવી કેવી વાત છે
એવી કેવી વાત છે,
કે મિશ્ર પ્રત્યાઘાત છે?
છે પ્રબળ જિજીવિષા,
મોત પણ ઉદ્દાત્ત છે.
જીવ માટે દેહ એ,
પારકી પંચાત છે.
હાથ ઊંચા કર નહીં,
આભ બહુ કમજાત છે.
હંસનાં વાહન મળ્યાં,
(ને) કાગડાની નાત છે.
જે નજરની બહાર છે,
એય ક્યાં બાકાત છે.
જે નથી ‘ઇર્શાદ’ તે,
ચોતરફ સાક્ષાત છે.
૨૭-૫-૨૦૦૯