ગંધમંજૂષા/મૃગયા

મૃગયા



આપણે જઈ ચડીએ
દૂરસુદૂર
સાંધ્ય પ્રકાશમાં, પ્રભાતના ઉજાસમાં
અરણ્યમાં કે વનપ્રાંતરમાં
- મૃગયા કરવા.

યોજનગંધાની વ્યાકુળ ગંધથી વ્યથિત
વિહ્વળ તેની ગતિથી.
અલપઝલપ દેખાતા નાજુક પગો,
કુમળી ખરીઓ તળે દબાયેલું નરમ ઘાસ,
તેની હાંફમાં ભળી જતી આપણી હાંફ.

સીતાના તર્જની-સંકેતથી
સવાર પડે
ને પડે સાંજ
ફરી પડે સવાર
એક દિવસ થાકીને લોથપોથ
નરમ કણક જેવાં અંગો
ને
મારણના શબ જેવી
જડ આંખ લઈને લથડ પથડ પડીએ
 પછી જોઈએ
કે
આ કાયા જ એક દિવસ હતી મૃગ.