ગાતાં ઝરણાં/અનાદર લાગે છે


અનાદર લાગે છે


બહુરૂપી! તમારાં નયનોનાં બે રૂ૫ બરાબર લાગે છે,
મીંચાય તો બીડાયેલ કમળ, ઊઘડે તો પ્રભાકર લાગે છે.

છે પુણ્ય પ્રતા૫ મહોબ્બતના, પથ્થરમાં જવાહર લાગે છે,
હું લોકને નિર્ધન લાગું છું, દિલ મુજને તવંગર લાગે છે.

લો ટૂંકમાં દોરી દેખાડું, મારી આછી જીવનરેખા,
તે વાત ખરી માની લઉં છું, જે જૂઠ સરાસર લાગે છે.

પડતીમાં પડે છે જે મુજ પર ઉત્કર્ષ ગણી લઉં છું તેને,
તે મારા જીવનનું ઘડતર છે, જે ચોટ હૃદય પર લાગે છે.

તોફાનમાં મુજને જોનારા ! એ દોષ છે તારી દૃષ્ટિનો,
નૌકા તો હીંડોળે હીંચે છે, તોફાનમાં સાગર લાગે છે.

માનું છું જીવનના ઉંબર પર વેરાય કંઈ પ્રીતિ–પુષ્પો,
સત્કાર યુવાનીનો એ વિણ મુજને તો અનાદર લાગે છે.

દુનિયામાં ‘ગની’, વ્યાકુળ દિલને ઠરવા ન મળ્યો કોઈ આરો,
આ ફરતી પૃથ્વી પણ મારા તકદીરનું ચક્કર લાગે છે.

૧૭-૮-૧૯૫૨