ગાતાં ઝરણાં/આવાહન
ઝંઝાનિલ આવને!
આવી ઉગારી લે નાવને,
ઝંઝાનિલ આવને!
ધીરજને ખાઈ ગઈ નૌકાની સ્થિરતા,
કેદે પૂરાઈ ગઈ નાવિકની વીરતા
આકાશથી ઝંપલાવને,
ઝંઝાનિલ આવને!
ઊડતા અશ્વોને ખૂબ વેગે દોડાવજે,
શૂરા સિપાહી જેમ સામેથી આવજે,
નોબત ગગનની બજાવને,
ઝંઝાનિલ આવને!
તાણી લે વાદળોને, તેડી લે વીજને,
શ્યામલ ચંદરવે દે ઢાંકી ક્ષિતિજને,
મોજાંઓ આભે ઊઠાવને,
ઝંઝાનિલ આવને!
ઉપવન આ નો’ય કે તું મંદમંદ વાય છે,
ભરદરિયે આજ તારું પાણી મપાય છે,
સંતાડી રાખ મા સ્વભાવને,
ઝંઝાનિલ આવને!
૨-૫-૧૯૫૩