ગાતાં ઝરણાં/કોઈ પનિહારી


કોઈ પનિહારી!


ગાય છે ને ઘૂમે છે એમ જિંદગી મારી,
રાત્રિએ દળે દળણાં, જેમ કોઈ દુખિયારી.

એમ તુજ વિચારોને ભૂલવા ચહે છે મન,
ત્યાગની કરે વાતો જેમ કોઈ સંસારી.

રંગ એ રીતે પૂર્યા કુદરતે પતંગામાં,
જે રીતે ચિતા આગળ હો સતીને શણગારી.

પૂર્વમાં સરિત-કાંઠે એમ સૂર્ય ઊગ્યો છે,
બેડલું ગઈ ભૂલી જાણે કોઈ પનિહારી!

એ રીતે પડી આંટી મારી હસ્તરેખામાં,
ગૂંચવાઈ ગઈ જાણે જોઈને દયા તારી.

બુધ્ધિ આજ એ રીતે લાગણીને વશ થઈ ગઈ,
જઈ ઢળે ઉષા–ચરણે જેમ રાત અંધારી.

તા૫ કંઈ ‘ગની’ એેવો જિંદગી ખમી રહી છે,
થઈ ગઈ છે વર્ષાની જાણે પૂર્ણ તૈયારી !

૨૨-૬-૧૯૫૩