ગાતાં ઝરણાં/જરૂર હતી


જરૂર હતી



વસંત આવી’તી રંગોની પણ જરૂર હતી,
હતો જવાન, ઉમંગોની પણ જરૂર હતી.

ફક્ત શમાથી હતો અંધકાર મહેફિલમાં,
સ્વયં પ્રકાશ પતંગોની ૫ણ જરૂર હતી.

થયું, સુણીને ઉરે ઊર્મિનો મધુર કલરવ,
હૃદય-ચમનમાં વિહંગોની પણ જરૂર હતી.

મટી મટીને બને જેમ સાગરે બુદ્બુદ્,
દિમાગમાં એ તરંગોની ૫ણ જરૂર હતી.

‘ગની’, અમોએ જે રંગીન સ્વપ્ન જોયાં છે,
જીવનમાં એવા પ્રસંગોની પણ જરૂર હતી.

૧૫-૭-૧૯૫૩