ગાતાં ઝરણાં/લણશે નહીં


લણશે નહીં


દુખને દુખ મારું હૃદય ગણશે નહીં,
આ૫ની એ ભેટ અવગણશે નહીં.

છે તમારી લાગણીની અંગુલિ,
‘શું જિગરના તાર ઝણઝણશે નહીં?’

પ્રેમ જ્યારે શીખવી દેશે સહન,
દર્દના નખ જખ્મને ખણશે નહીં.

વિરહમાં તારા તું ગણતો થઈ જશે,
પ્રેમમાં તારાં તને ગણશે નહીં.

અશ્રુનો વરસાદ, ધરતી પ્રેમની;
વાવનારા કોઈ દી લણશે નહીં.

પ્રેમમાં, ઉપદેશકો! તમને સલામ!
મારું જીવન પાઠ એ ભણશે નહીં.

તૂટી પડશે નભ નિરાશાનું ‘ગની’,
ભીંત જો તું આશની ચણશે નહીં.

અમદાવાદ લેખક મિલન
૨-૧૨-૧૯૪૫