ગાતાં ઝરણાં/લાગણીવશ હૃદય


લાગણીવશ હૃદય


               તું ન માને કહ્યું, તું ન વર્તે સમય,
                   લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય!
               છે મને રાત દી એક તારો જ ભય,
                   લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય!

               જોતજોતામાં થઈ જાય તારું દહન,
                વાતવાતોમાં થઈ જાય અશ્રુ–વહન,
               દવ દીસે છે કદી તે કદી જળપ્રલય,
                  લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય!

               કોઈ દુખિયાનું દુખ જોઈ ડૂબી જવું,
             હોય સૌન્દર્ય સામે તો કહેવું જ શું!
               અસ્ત તારો ઘડીમાં, ઘડીમાં ઉદય,
                 લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય!

               એ ખરું છે, કે દુખ મુજથી સે’વાય ના,
           એ ય સાચું તને કાંઈ કે’વાય ના,
               હાર એને ગણું કે ગણું હું વિજય?
              લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય!

               આભ ધરતીને આવી ભલેને અડે,
         તારે પગલે જ મારે વિહરવું પડે!
               તારી હઠ પર છે કુરબાન લાખો વિનય,
             લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય!

               મારે પડખે રહી કોઈનો દમ ન ભર,
             સાવ બાળક ન બન, ઉધ્ધતાઈ ન કર!
               બીક સંજોગની છે, બૂરો છે સમય,
            લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય!

*

                  એક વાતાવરણ સરજીએ હર પળે,
                       આ જગતની સભા કાન દઈ સાંભળે,
                  હું કવિતા બનું, તું બની જા વિષય,
                         લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય!

*

                  એક સોનેરા અપરાધની તું સજા,
                   પાત્રમાં દુખના જાણે ભરી છે મઝા,
                  જખ્મ રંગીન છે, દર્દ આનંદમય,
                      લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય!

*

                  પારકી આગમાં જઈને હોમાય છે,
                    તારે કારણ ‘ગની’ પણ વગોવાય છે,
                  લોકચર્ચાનો એ થઈ પડ્યો છે વિષય,
                     લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય!

૧-૭-૫૧