ગીત-પંચશતી/ભૂમિકા

ભૂમિકા

આ પુસ્તકમાં રવીન્દ્રનાથનાં પાંચસો ગીતોનું સંકલન કરવામાં આવ્યું છે. કેટલાંક વર્ષ પહેલાં બંગાળી માસિક ‘પ્રવાસી’ના ત્રણ અંકોમાં રવીન્દ્ર-સંગીતના પ્રેમીઓ દ્વારા પસંદ થયેલાં ત્રણસો ગીતો ‘રવીન્દ્ર-સંગીત-સાર’ એ નામે પ્રકટ થયાં હતાં. તેમને આધાર માનીને તેમાં બસો ગીત બીજાં ઊમેરી દેવાનું બહુ મુશ્કેલ નહોતું. ઉપરાંત શ્રી શાંતિદેવ ઘોષના સૌજન્યથી સ્વયં કવિગુરુએ પસંદ કરેલાં ત્રણસો ગીતોની એક અપ્રકટ સૂચિ મળી ગઈ, તે મેળવીને મેં મને કૃતાર્થ માની. બીજી બાબતોમાં પણ શ્રી શાંતિદેવ ઘોષની જો સંકોચરહિત મદદ ન મળત તો પાંચસો ગીતોનું આ ચયન તૈયાર કરવાનું એકલી મારે માટે સંભવ ન થયું હોત. ‘સંચયિતા’નાં ગીતોમાંથી પણ કેટલાંક ગીત લીધાં છે. તે ઉપરાંત, શ્રી સૌમ્યેન્દ્રનાથ ઠાકુર અને શ્રીમતી નન્દિતા કૃપાલાનીએ મોકલેલી બે સૂચિઓએ પણ ગીતોની પસંદગી કરવામાં અમને મદદ કરી છે. આ ગીતોનું નાગરીમાં લિપ્યન્તર કરવામાં આવ્યું છે અને ભારતની મુખ્ય મુખ્ય ભાષાઓમાં તેમને અનૂદિત કરવામાં આવ્યાં છે. સ્વરલિપિ વિના ગીતનો પૂરેપૂરો રસ મેળવવાનું તો અસંભવિત જ છે; આશા છે કે થોડા વખતમાં જ આ અભાવ પણ દૂર કરી શકાશે. એ જરૂર કે કવિનાં ગીતોને સ્વર વિના માત્ર કવિતાના રૂપમાં જ વાંચીને આનંદ મેળવનારા રસિકજનો પણ મને મળ્યા છે. યુરોપમાં તો આ પ્રશ્ન જ ઊભો નથી થતો, કેમ કે ત્યાં ગીતકાર સાધારણ રીતે સ્વરલિપિ સાથે જ પોતાનાં ગીતો પ્રકટ કરતા હોય છે. તેમાં એક બીજી સગવડ એ રહેલી છે કે સ્વરની બાબતમાં પછી કોઈ જાતના મતભેદનો અવકાશ નથી રહેતો. ગાયકનું પોતાનું કૃતિત્વ માત્ર સામાન્ય ગાયકીના તારતમ્યમાં જ પ્રકટ થાય છે. પાશ્ચાત્ય દેશોમાં રચિયતા મુખ્ય હોય છે, પૂર્વમાં ગાયક. આ સંકલનમાં અમે કવિગુરુની પોતાની જ વિભાજન વ્યવસ્થા જાળવી છે. હા, એવો સંભવ ખરો કે ઘણીવાર આપણને એવું લાગે કે એક જ ગીત બીજા વિભાગમાં પણ આવી શકે તેમ છે. અને વળી ભગવત્-પ્રેમ તથા માનવીય પ્રેમ વચ્ચે ભેદરેખા દોરવાનું મુશ્કેલ પણ છે. નીચે આપેલી સૂચિથી દરેક વિભાગનાં ગીતોની સંખ્યા અને તેમનો રચનાસમય સ્પષ્ટ સમજમાં આવી જશે. જે ગીતોનો રચનાસમય ચોક્કસપણે જ્ઞાત છે, તેમનો જ સમય આપવામાં આવ્યો છે, બાકી ઘણાં ખરાં ગીતોનો સમય પ્રથમ પ્રકટ પુસ્તકને આધારે આપવામાં આવ્યો છે.

ક્રમ વિષય સંખ્યા રચનાસમય (ઈ.સ. પ્રમાણે)
૧. પૂજા ૧૫૭ ૧૮૯૩થી ૧૯૩૨ સુધી
૨. પ્રેમ ૧૫૭ ૧૮૮૧થી ૧૯૩૯ સુધી
૩. પ્રકૃતિ ૧૦૯ ૧૮૭૭થી ૧૯૩૯ સુધી
૪. સ્વદેશી ૨૯ ૧૮૭૭ થી ૧૯૩૮ સુધી
૫. વિચિત્ર ૬૯ ૧૮૯૫થી ૧૯૪૧ સુધી
૬. આનુષ્ઠાનિક ૧૯૩૬થી ૧૯૪૦ સુધી

કવિના જીવન સાથે જેમને! થોડો પણ પરિચય છે, તેમને ખબર હશે કે કવિના પ્રથમ સંગીત-જીવન પર તેમના મોટાભાઈ ‘નતુન દાદા’– જ્યોતિરિન્દ્રનાથનો પ્રભાવ કેટલો દૂરગામી હતો. પિયાનો સામે બેસીને જ્યોતિરિન્દ્રનાથ હળવી ગતો રચી રહ્યા છે અને એક બાજુએ રવીન્દ્રનાથ તથા બીજી બાજુએ ઠાકુર પરિવારના સહૃદય મિત્ર અક્ષય ચૌધુરી સૂર પર શબ્દો બેસાડતા જાય છે—આ ચિત્ર પણ રવીન્દ્રભક્તોને સુપરિચિત છે. આ હળવી ગતોનો સ્વર રવીન્દ્રનાથે ‘ભાનુસિંહેર પદાવલિ' વગેરે શરૂઆતની રચનાઓમાં બેસાડ્યો છે અને અમે લોકો પણ તે જ શીખ્યાં છીએ. આનાથી પણ પહેલાં પોતાના જ પરિવારના સભ્યો સામે જે નાટ્ય-સંગીતની રચના અને અભિનય થતાં હતાં, તેની રચનામાં પણ રવીન્દ્રનાથનો હાથ જરૂર હતો; અલબત્ત તે કંઈક એવી રીતે હળીમળીને તૈયાર કરવામાં આવતું કે તેમાં કઈ રચના મુખ્યતયા કવિગુરુની હતી, તે કહેવું. આજે આપણે માટે મુશ્કેલ છે, કલકત્તાના જોડાસાંકો મહોલ્લામાં આવેલા કવિના પૈતૃક આવાસમાં તે દિવસોમાં બીજી પણ એક સ્થાયી સાંગીતિક આબોહવા વહેતી હતી, તે યાદ રાખવું જરૂરી છે. આ હતું શાસ્ત્રીય હિન્દુસ્તાની સંગીતનું વાતાવરણ, જેને આજકાલ બગાળીમાં ‘ઉચ્ચાંગ સંગીત' કહેવામાં આવે છે. કવિના પિતા મહર્ષિ દેવેન્દ્રનાથ શાસ્ત્રીય સંગીતના મોટા ભક્ત હતા. તેમને ત્યાં સંગીતના મોટા મોટા ઉસ્તાદોની અવર-જવર અને રહેવાનું નિયમિત થતાં જ રહેતાં. રવીન્દ્રનાથના મોટાભાઈઓ ખભે તંબૂર રાખીને કેવી રીતે આ બધા ઉસ્તાદો પાસે રીતસરની રિયાઝ કરતા હતા, તે વાત તેઓ પોતે લખી ગયા છે. જો કે રવીન્દ્રનાથે, જેને બંગાળીમાં ‘નાડા બેંધે’ (કંઠી બાંધી) શીખવાનું કહે છે, તે રીતની નિયમિત રૂપની કોઈની શાગિર્દી સ્વીકારી નહોતી, તોપણ સ્વાભાવિક રીતે જ આસપાસના વાતાવરણમાંથી શાસ્ત્રીય સંગીતનો રસ જરૂર ગ્રહણ કર્યો, જેમ વૃક્ષ એક સ્થાને ઊભું રહીને પણ આકાશ, પવન અને ધરતીમાંથી પોતાના પ્રાણની સામગ્રી મેળવી લે છે. ઉસ્તાદોમાં યદુ ભટ્ટ, મૌલાબખ્શ અને તે પછી રાધિકા ગોસાઈનું નામ લઈ શકાય. તેમના શરૂઆતના દિવસોમાં વિષ્ણુરામ ચક્રવર્તીનું નામ પણ ઉલ્લેખનીય છે. નાનપણમાં રાઈપુરના શ્રીકંઠ સિંહની પાસે પણ કેટલુંક સંગીત શીખ્યા હતા. શ્રીકંઠબાબુ ગાયન પાછળ પાગલ હતા. કવિની સંગીતકુશળતાનો આટલો ઇતિહાસ આપવો કદાચ જરૂરી છે, કેમ કે પ્રતિભાશાળી વ્યક્તિ પણ આકાશમાંથી નથી ટપકતા અને ન તો ધરતીને ફાડીને એકદમ બહાર નીકળી આવે છે. ખરું જોતાં, જે વૃક્ષનાં મૂળિયાં દૂર સુદૂર વિસ્તરેલાં હતાં, રવીન્દ્રનાથ તે વૃક્ષની સૌથી ઊંચી ડાળી પર ખીલેલું સૌથી ઉત્તમ પુષ્પ હતા. એક વાર કવિએ બહુ નાનપણમાં પોતાના વચલા ભાઈ – મારા પિતૃદેવ સત્યેન્દ્રનાથની સાથે કેટલાક દિવસ અમદાવાદમાં વીતાવ્યા હતા. ત્યાં તેમણે પહેલીવાર સ્વતંત્ર રૂપે પોતાનાં ગીતોમાં પોતે જ સ્વર ભર્યા. જેમકે, ‘ક્ષુધિત પાષાણ’ વાર્તાના વિખ્યાત શાહીબાગના મહેલની અગાશીમાં ચાંદનીમાં ફરતાં ફરતાં રચેલું ગીત ‘નીરવ રજની દેખો મગ્ન જોછનાય' : જુઓ, નીરવ- રાત ચાંદનીમાં ડૂબી છે — વગેરે. પછી સત્તર વર્ષની વયે વચલા ભાઈની સાથે જ બૅરિસ્ટર થવા માટે વિલાયત ગયા. તે ઉદ્દેશ્યની સાધનાના માર્ગ પર તે વધારે દૂર સુધી ગયા નહિ, તેને દેશનું મોટું ભાગ્ય ગણવું જોઈએ. એમ તો, અંગ્રેજી સંગીત શીખવાનો તેમને ત્યાં અવસર મળ્યો અને પોતાના મધુર કંઠને લીધે તેમણે સારી એની પ્રસિદ્ધિ પણ મેળવી. આમ છતાં, આશ્ચર્યની વાત તો એ છે કે તેમના સૂરોમાં વિલાયતી સંગીતનો કોઈ ખાસ પ્રભાવ જોવામાં નથી આવતો. જોકે વિલાયતથી પાછા આવીને તેમણે પહેલવહેલી જે બે ગીતિનાટિકાઓ (કાલમૃગયા' અને ‘વાલ્મિીકિ પ્રતિભા')ની રચના કરી તેમાં જરૂર કેટલાક વિલાયતી સૂર બિલકુલ સદેહે ઉપાડીને બેસાડી દીધા છે. પછી પણ ઉદ્દીપન એને ઉલ્લાસના કેટલાય સૂરો પર વિલાયતી સંગીતનો વધતોઓછો પ્રભાવ જોવા મળે છે. કવીન્દ્રનાં લગભગ બે હજાર ગીતોના સંબંધમાં જ્યારે પણ કોઈ સમાલોચના કરવામાં આવે છે, ત્યારે તેમને અલગ અલગ વિભાગોમાં વહેંચવાનું જરૂરી બને છે. આ જાતનું વિભાજન અનેક લોકોએ અનેક પ્રકારે કર્યું છે. એક વિભાજન મારું પોતાનું પણ છે. તેની એક સાધારણ રૂપરેખા અહીં આપવામાં આવે છે. મારો નમ્ર વિશ્વાસ છે કે તેમાં બધાં પાસાંઓની રક્ષા થઈ છે અને તે પણ કદાચ થોડા વધારે સંહત રૂપમાં :

ઉક્તિ અને સ્વરની દૃષ્ટિએ રવીન્દ્ર-સંગીતનું વિભાજન
૧.
૨.
૩.
સૂર અને શબ્દ
શબ્દ પોતાના
સૂર પોતાના
બંને પોતાના
સૂર બીજાનો
શબ્દ બીજાના

શબ્દ અથવા ઉક્તિને પણ અલગ ભાષા અને ભાવ પ્રાકટ્ય પ્રમાણે જુદાજુદા ભાગમાં વહેંચી શકાય. એવી રીતે, સઘળાં ગીતોને શાસ્ત્રીય હિન્દુસ્તાની સંગીતની વિભિન્ન શ્રેણીઓ પ્રમાણે વિભાજિત કરી શકાય. રચનાસમયની દૃષ્ટિથી પણ રવીન્દ્ર-સંગીતનું વિભાજન ઘણાએ કર્યું છે, જેમ કે, આરંભિક કાલ, મધ્યકાલ અને પરવર્તીકાલ. આનાથી કવિના ક્રમિક સંગીતવિકાસને સમજવામાં પણ સગવડ પડે છે. રવીન્દ્રનાથ પોતે જ કહેતા હતા કે તેમનાં શરૂઆતનાં ગીત ‘ઇમોશનલ' છે, તેમાં ભાવતત્ત્વ મુખ્ય છે; ઉત્તરકાલીન ગીતો ‘ઇસ્થેટિકલ' છે, તેમાં સૌન્દર્યબોધનું તત્ત્વ મુખ્ય છે. તેમનાં પ્રથમ વયનાં ગીતો અધિક લોકપ્રિય હોવાનું કદાચ આ પણ એક કારણ હોઈ શકે છે. અહીં જો હું મારો એક વિચાર રજૂ કરું તે, તેને એકદમ અપ્રાસંગિક નહિ માનવામાં આવે એવી આશા છે. મને લાગે છે કે ઉપનિષદોનો બ્રાહ્મધર્મ કંઈક એટલે ઊંચે સ્તરે રહેલો છે કે સાધારણ માણસને ત્યાં પહોંચવામાં કે શ્વાસોવાસ લેવામાં મુશ્કેલી અનુભવવી પડે છે; જીવનનાં દુઃખશોકના પ્રસંગોમાં તે સહજ શાન્તિ, વિરામ અથવા સાન્ત્વના નથી આપતો. આ નેતિવાચક શૂન્યતામાં રવીન્દ્રનાથના ધર્મસંગીતે માનવીય પ્રેમની ઉષ્ણતા અને મધુરતા લાવી દીધી છે. માનવીય સ્નેહ-પ્રેમ-પ્રીતિ-ભક્તિથી તેણે ભગવાનને મનુષ્યનો સુગોચર સંગી બનાવી દીધો છે. રવીન્દ્ર-સંગીતમાં તેનાં અનેક ઉદાહરણ મળે છે. શરૂઆતની વયનાં ગીતોમાં કવિગુરુએ સ્વાભાવિકપણે જ શાસ્ત્રસંમત રાગતાલનો જ વધારે પ્રયોગ કર્યો છે. રવીન્દ્રનાથ ધ્રુપદના સરલ-ગંભીર આડમ્બરહીન ચાર અંગોની ગતિ તરફ વિશેષ રૂપે અનુરક્ત હતા અને તે ઢાંચાનો પ્રયોગ કરવાનું તેમને પ્રિય હતું. આગળ જતાં મધ્યવયમાં પોતાના પિતૃદેવના આદેશથી તેઓ પદ્મા નદીને કિનારે શિલાઈદહમાં જમીનદારીની દેખરેખ રાખવા ગયા. ત્યાં તે એક હાઉસબોટમાં રહેતા હતા. એ દિવસોમાં તેમને બંગાળના બાઉલ કીર્તન વગેરે પ્રચલિત લોકસંગીતનો ગાઢ પરિચય પામવાનો સુયોગ સાંપડ્યો. પછીથી તેમણે પોતાની ગીત-રચનાઓમાં અનેક રીતે આ લોકસંગીતના કલાકૌશલનો ઉપયોગ કર્યો, તેમનું પ્રસિદ્ધ સ્વદેશી ગીત ‘આમાર સોનાર બાંગ્લા' અર્થાત મારો સેનાનો બંગદેશ—આનું એક ઉદાહરણ છે.

પોતાના જીવનના ઉત્તરકાલમાં તેઓ સ્થાયી રૂપે શાંતિનિકેતનમાં જ રહ્યા અને ત્યાં તેમણે વિદ્યાલયના ઉત્સવ આયોજન માટે અનેક ઋતુસંબંધી ગીતોની રચના કરી. કેટલાય પ્રકારના મિશ્ર સ્વરોનું પણ તેમણે પ્રવર્તન કર્યું, જેમ કે, બાઉલ સાધુઓના સ્વરોની સાથે શાસ્ત્રીય રાગોનું મિશ્રણ અથવા એવા રાગોનો મેળ, જે પહેલાં ક્યારેય મિશ્રણને માટે ઉપયોગમાં લાવવામાં નહોતાં આવ્યાં. કેટલાક નવા પ્રકારના તાલ પણ તેમણે શોધ્યા, જેમ કે, ષષ્ઠી અર્થાત્ ૨/૪ માત્રાનો તાલ, નવમી અર્થાત્ ૫/૪ માત્રાનો તાલ (નવ માત્રાના તાલનું બીજી પણ અનેક રીતે વિભાજન કરવામાં આવ્યું છે); ઝમ્પક અર્થાત્ ઊલટો ઝપતાલ, જેમ કે, ૩/૨/૩/૨; રૂપકડા અર્થાત ૩/૨/૩ માત્રાનો તાલ; એકાદશી અથવા ૧૧ માત્રાનો તાલ, જેમ કે ૩/૨/૨/૪ વગેરે. શાસ્ત્રીય સંગીતના સ્વરો અને છંદોને જેમના તેમ રાખીને બંગાળી શબ્દપ્રયોગથી રચેલાં ગીતો બાદ કરતાં રવીન્દ્ર – સંગીતમાં ખ્યાલ ગાયકીનો પ્રયોગ બહુ જ ઓછો મળે છે. તેનું કારણ એ છે કે ખ્યાલમાં તાનોનો ઉપયોગ વધારે થાય છે અને પોતાના સંગીતમાં તાનનો વધારે પડતો પ્રયોગ તેમની રુચિને ખાસ અનુકૂળ ન હતો. તેમના ધ્રુપદાંગ કે ઉચ્ચાંગ સંગીતને છોડી દઈએ તો હલકાફૂલકા તાલમાં રચેલાં ગીતોને સાધારણ રીતે ઠુમરીની શ્રેણીમાં રાખી શકાય. રવીન્દ્ર-સંગીતમાં ટપ્પાનો ઉપયોગ બહુ ઓછો જોવામાં આવે છે; જો કે હિન્દુસ્તાની ટપ્પાની ગાયકીને આધારે તેમણે ધર્મસંગીતનાં કેટલાંક સુંદર ગીતો રચ્યાં છે. તેમના કંઠથી શાસ્ત્રીય હિન્દી સંગીતના બધા અલંકાર કેટલા સહજ અને સ્વાભાવિક રૂપથી પ્રકટ થતા હતા, તે તો તેમની જૂજ રેકર્ડો સાંભળીને આજના શ્રોતા પણ સમજી જશે. મને લાગે છે કે રવીન્દ્રનાથનાં રચેલા સંગીતમાં ગાયકની પોતાની તરફથી તાનોનો ઉપયોગ કરવાની બાબતમાં વાંધો ઉઠાવવાનુ મુખ્ય કારણ એ છે કે તેમનાં ગીતોમાં શબ્દ અથવા ઉક્તિનું મહત્ત્વ સૂરના મહત્ત્વથી કોઈ પણ રીતે ઓછું નથી. સ્વતંત્ર તાનો ન હોવા છતાં પણ તેમનાં કેટલાંક ગીતોમાં સૂરની સાથે જ નાની નાની તાનો જોડાયેલી છે અને વિભિન્ન ગીતોમાં મીંડ, આશ, ગીટકડી કે ખોંચ વગેરે અલંકાર અથવા કલાકૌશલ પણ પર્યાપ્ત માત્રામાં છે. અભ્યસ્ત અલંકારોના કૈંક અભાવને કારણે કેટલાક લોકો રવીન્દ્ર-સંગીતને એકસુરીલું અથવા નીરસ કહે છે, પણ તાન વિનાયે રવીન્દ્રનાથે બીજી કેટલીય પ્રયુક્તિઓથી સૂરમાં વૈવિધ્ય લાવવાનો એટલો પ્રયાસ કર્યો છે અને તેમાં એટલી સફળતા મેળવી છે, કે તેની જરાક ઊંડાણમાં જઈને વિવેચના કરવા જતાં નવાઈ પામી જવાય છે. અહીં તેમની કેટલીક વિશેષતાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે : (क) સમગ્ર ભારતમાં જ્યાં જે પ્રકારનો પણ સ્વર તેમણે સાંભળ્યો અથવા મેળવ્યો, તેમાં ઉચિત શબ્દયોજના કરી અથવા તેના આધારે ગીતો રચ્યાં. (ख) અનેક નવા તાલ અને મિશ્ર સૂરોનું પ્રવર્તન કર્યું, તેની ચર્ચા આપણે અગાઉ કરી ગયા છીએ. (ग) તાલનો આડો અથવા ત્રાંસો પ્રયોગ અથવા એક જ ગીતમાં તાલનો ફેર અનેક વાર જોવા મળે છે. એટલે સુધી કે એક જ ગીતને વારાફરતી અલગ અલગ તાલમાં ગાઈને તેમણે આ ક્ષેત્રમાં મૌલિકતાનો પરિચય કરાવ્યો છે. (घ) માત્ર ભિન્ન ભિન્ન તાલ જ નહિ, કોઈ કોઈ ગીતને એક પછી એક ભિન્ન ભિન્ન સ્વરમાં ગાઈને પણ તેમણે વૈવિધ્યની સૃષ્ટિ ખડી કરી છે. (ड) પાશ્ચાત્ય સૂરસંધિ કે હાર્મનીની રીતિને રવીન્દ્રનાથે જો કે શાસ્ત્રીય રીતે પૂરેપૂરા રૂપમાં સ્વીકારી નથી, તેમ છતાં પરીક્ષણના રૂપમાં તેનો પણ કંઈક આભાસ તેમનાં બેએક ગીતોમાં મળે છે. બીજાં ક્ષેત્રોની જેમ સંગીતના ક્ષેત્રમાં પણ તેમના પ્રદીપ્ત સક્રિય ચિત્તે પ્રયોગ-પરીક્ષા કરવામાં સંકોચનો અનુભવ કર્યો નથી. એટલું ચોક્કસ કે આ પ્રયોગ-પરીક્ષણનાં મૂળ હમેશાં આ દેશની ધરતીનાં જ હતાં, (च) જ્યારે દેશવાસીઓના પુરાણા સંસ્કારો વિપરીત હતા, ત્યારે પણ તેમણે સમાજમાં નૃત્યનો પ્રચાર કર્યો. આ નૃત્ય-આંદોલનના પ્રસંગમાં તેમણે જે નૃત્ય-નાટયોની રચના કરી, તેમનાં ગીતોમાં પણ અનેક પ્રકારની વિશેષતાઓ મળે છે. (छ) કવિગુરુનું સંગીત-જીવન જે રીતે ગીતિ-નાટ્યથી શરૂ થાય છે, તે રીતે નૃત્ય-નાટ્યથી તેની પરિસમાપ્તિ થાય છે, તેમ કહી શકાય. તેમના દીર્ઘ જીવનના આ બે છેડાઓ વચ્ચે જે યોગ-સૂત્ર હતું, તેને આપણે નાટ્યરસ કહી શકીએ છીએ. આ નાટય-રસને તેમણે નવાં નવાં રૂપોમાં સંગીતમાં પ્રકટ કર્યો હતો. તેમણે પોતે જ પોતાના કોઈ ગીતિ-નાટ્યને ગીતના સૂત્રમાં ગૂંથેલી માળા કહી છે, તો બીજા કોઈ ગીતિ—નાટ્યને નાટકના સૂત્રમાં ગૂંથેલી ગીતોની માળા કહી છે. ખરી વાત તો એ છે કે બન્નેમાં નાટ્ય-રસ છે અને આ જ રસ રવીન્દ્ર-સંગીતમાં વૈવિધ્ય લાવવાનું એક ઉત્તમ સાધન છે. આ સ્થળે તેમના સંગીતની એક મુખ્ય વિશેષતા પકડાય છે; તે છે સૂરની સાથે શબ્દ અથવા ઉક્તિનો અપૂર્વ શુભ-યોગ. શબ્દ સ્વરમાં કહેવામાં આવ્યા છે કે સ્વર પોતે જ બોલી રહ્યો છે તે કહેવું મુશ્કેલ છે. એવું લાગે છે જાણે શબ્દો સ્વર બની ગયા છે અથવા સ્વરે પોતે જ શબ્દોનો વેશ પહેરી લીધો છે. તેની સર્વોત્તમ અભિવ્યક્તિ અવશ્યપણે ગીતિ-નાટયમાં થઈ છે અને સ્વરમાં ઉત્તર-પ્રત્યુત્તર તેનું મુખ્ય વાહન છે. ઉપર રવીન્દ્ર-સંગીતની જે વિશેષતાઓનો ક્રમશઃ ઉલ્લેખ કર્યો છે, તેમાં તેમનાં ગીતોની પ્રચુરતાને પણ જોડી શકાય. અમારો આશય માત્ર સંખ્યાની અધિકતા નથી—જો કે આ સંખ્યા પણ પોતાની મેળે કંઈ ઓછી નથી—પણ મનુષ્યના દરેક પ્રકારના વ્યક્તિગત મનોભાવ અને સમષ્ટિ- ગત સમારોહની દૃષ્ટિએ આટલી જાતનાં આટલાં બધાં ગીતો બીજા કોઈ દેશના ગીતકારે લખ્યાં હશે કે કેમ તેમાં સંદેહ છે.

સંગીતના ક્ષેત્રમાં રવીન્દ્રનાથનાં અનેક કૃતિત્વોની બાબતમાં મારો આ વિનમ્ર અભિપ્રાય છે કે તેમણે દેશના શાસ્ત્રીય સંગીતની જટિલ, દીર્ઘ, કષ્ટકર સાધનાને કંઈક સહજ અને સરસ બનાવીને તેને દેશવાસીઓના હાથમાં સોંપી છે- અને આ તેમનું મુખ્ય કૃતિત્વ છે. શાસ્ત્રસમ્મત રાગ અને તાલ બધાને યથાસ્થાને રાખ્યા છે, તે પણ થોડાક લોકોની જીવનભરની કઠોર સાધનાને સ્થાને થોડાંક વર્ષના મનોયોગથી જ સંગીતનાં સૌંદર્ય અને માધુર્યનો આસ્વાદ પામવાનો માર્ગ સર્વસાધારણને બતાવી દીધો છે.

સંગીત રવીન્દ્રનાથની વિરાટ પ્રતિભાનો એક અંશમાત્ર છે. પણ તે તેમની મોટી સાધનાનો—બહુ જ અંતરંગ — અંશ છે. તેમના જ શબ્દોમાં : “હું નિશ્ચિતપણે જાણું છું કે ભવિષ્યના દરબારમાં મારી કવિતા-વાર્તા-નાટકનું જે થવાનું હોય તે થશે, પણ મારાં ગીતોને તો બંગાળી સમાજે અપનાવવાં જ પડશે, મારાં ગીતો બધાને ગાવાં જ પડશે—બંગાળના ઘરેઘરમાં, તરુહીન સુદૂર પથ પર, મેદાનોમાં, નદીને કાંઠે. મેં જોયું છે...મારાં ગીત જાણે કે મારા અચેતન મનમાંથી આપમેળે નીકળ્યાં છે. એટલા જ માટે તેમાં એક સંપૂર્ણતા છે.

રવીન્દ્રનાથની આ સૌથી પ્રિય વસ્તુનો, સમગ્ર ભારતમાં પ્રચાર કરવાનો ભાર લઈને સાહિત્ય અકાદમી આપણી કૃતજ્ઞતાપાત્ર બની છે. મારી હાર્દિક વિનંતી છે કે આ રીતે રવીન્દ્ર-સંગીતની સ્વરલિપિના પ્રચારનું પ્રશંસનીય કાર્ય અકાદમી દ્વારા જ થાય. હું પ્રાર્થના કરું છું કે આ સમધુર ગીતિ-માલિકાના આકર્ષણથી ભારતના બધા પ્રદેશ એકતાના વધારે ગાઢ સૂત્રમાં બંધાય.


શાન્તિનિકેતન
૧૪ એપ્રિલ, ૧૯૫૯
ઇન્દિરાદેવી ચૌધુરાણી