ગુજરાતી અંગત નિબંધો/બારીબહાર


બારીબહાર – રતિલાલ ‘અનિલ’

હું પોતે જ મારું આશ્ચર્ય હોઈ શકું એવો ખ્યાલ મને આ અગાઉ કેમ ન આવ્યો? અનાયાસ, કોઈ કારણ વગર ક્યાં સુધી બારીબહાર જોતો રહ્યો તે પછી વિચાર આવ્યો કે જેના દ્વારા હું બહાર જાઉં છું, ને ઘરમાં આવું છું તે બારણા પાસે પણ બેસું છું, પણ ખાસ બહાર જોઉં ક્યારે? કશુંક ધ્યાન ખેંચે એવું બને ત્યારે! પણ આ બારીની બહાર તો કશી ઘટના બનતી નથી, ચીતર્યા હોય એવા સપાટ ને સ્થિર એપાર્ટમેન્ટ છે, તોપણ આમ તો મારા ધ્યાનમાં નહોતા. ત્યારે મેં બહાર શું જોયા કર્યું? અને આવું તો ઘણી વાર બને છે. ના, મારે કર્કશ કારણવાદની દિશામાં ન જવું જોઈએ કારણ કે, કારણ વિના જ હું બારીબહાર જોતો હતો! આમ તો બે ટાવર વચ્ચે અવકાશની એક ઊભી ચીરી જ છે. એક મકાનની ઉપર આકાશનો એક લાંબો ચીરો કે રેજો જ છે. ક્યારેક કોઈએ ફેંકેલી અને પવને લહેરાવીને ફેંકી દીધેલી પ્લાસ્ટિકની ખાલી, રંગીન થેલી જ ઊડતી દેખાય. તે પણ અત્યારે છું એ દશામાં હોઉં ત્યારે – પણ બારીબહાર જોયા કરતો હતો ત્યારે તો મારી નજરમાં કશું જ નહોતું. કોઈ વિચાર? ના! વિચાર તો અત્યારે કરું છું! હા, શબ્દકોશમાં શૂન્યમનસ્ક અને અન્યમનસ્ક શબ્દો છે – પણ તે શબ્દો જ છે, હું તો બસ અનાયાસ બારીબહાર જોયા કરતો હતો. એકાદ કાગડો, પેલી અવકાશની ચીરી દેખાય છે તેમાંથી પસાર થયો પણ હોય, મારા મને એવી કોઈ નોંધ નહોતી લીધી. ધ્યાન વિશે ધ્યાનપૂર્વક કોઈ કોઈ વાર વાંચ્યું છે પણ તે એક પ્રાયોજિત વ્યાયામ હોય એવું લાગે છે. શોકમાં ડૂબી જવાની એક અવસ્થા પણ ધ્યાન જેવી ખરી, પણ શોકની ભૂમિ પર રહેલું મન ડૂબતું નથી, એ તો શબ્દ છે, અને શબ્દ એ વિગલનનો, ઓગળી જવાનો પર્યાય નથી લાગતો. ઘટનાઓની પરંપરા ચાલ્યા જ કરે છે, એને જુદાં નામ, વિશેષણ ભલે આપો, પણ બાળકનું નામ ‘પૂર્વ’ પાડ્યું તે શું ખરેખર પૂર્વ છે? માત્ર શબ્દ છે. કોઈક અજાણ્યા સ્થળે કોઈ નિશાન બરાબર આંખ અને મનમાં ગોઠવીને આગળ જઈએ અને સમજ ન પડે, રાહ હોવા છતાં રાહ ન દેખાય ત્યારે પેલા નિશાનની દિશામાં પાછા ફરીએ એવું નથી આ શબ્દસંજ્ઞાનું? ના, મેં કોઈ નિશાન રાખીને મારી નજરને બારીની બહારથી પાછી ઓરડે આણી નહોતી. ઓરડો અતિપરિચિત છે, એ સગવડ છે અને માણસ દિવસમાં કેટલી વાર પોતાની અવજ્ઞા કરતો હશે ત્યારે જ, કોઈ કારણ વિના, કોઈ વિચાર વિના બારીબહાર અનાયાસ જોયા કરતો હશે ને? માણસ અતિપરિચિતને અનાયાસપણે, ટેવ પાડી હશે કે પડી હશે ત્યારે જ નથી જોતો, ખોળતો? કદાચ આ બધાંને કારણે જ સમયનો ઉપયોગ નહીં, દૃષ્ટિનો યે ઉપયોગ નહીં એવી સ્થિતિ આવતી હશે ને? વાર્તામાં ઘટનાલોપ થાય છે કે નહીં તે જાણવા જેવી વિવેચકબુદ્ધિ તો મારામાં નથી, પણ આ અકારણ કશી જ ઘટનાની નોંધ લીધા વિના બારીની બહાર જોયા કર્યું એને ‘ઘટનાલોપ’ ન કહેવાય? એ સ્થિતિનો તો અત્યારે વિચાર કરું છું – નામ આપું છું – લોપનું પણ નામ! ઘટનાચક્ર આખો દિવસ જાગૃતિમાં ચાલ્યા કરે છે તેને નામ આપી શકાય અને સગવડિયો સંસાર એટલે હું ય નામની સગવડ ભોગવું છું. આપણી સ્વતંત્રતાની માત્રા સતત ઘટાડ્યે જવા આપણે ઘટનાઓના, તેમના નામના ટોળામાં રઝળીએ છીએ – એના સરવાળા એ જ બારીબહાર જોયા કરવું એ નહીં? ધ્યાન ઈશ્વર માટે, પણ આ જોયા કરવું એ તો કશા માટે નહીં! આપણે ઘણી બધી નિરર્થકતાને સાર્થક માની લીધી છે, સ્વીકારી લીધી છે. એટલે પછી, ક્યારેક કશો જ અર્થ નહીં એવી સ્થિતિ નહીં આવતી હોય? આપણે એકાદ અર્થ પર અનાયાસપણે રબર ફેરવતા નથી? સારું છે કે મને લાંબા સમય સુધી બારીબહાર જોતો, બીજા કોઈએ જોયો નહીં, નહીં તો મારી એ અવસ્થાને ઘણા અર્થો આપીને ‘આમનું ધ્યાન રાખવું પડશે.’ એવી ચિંતા એને જરૂર થઈ હોત! વરસાદી આકાશ એકરસ થઈ ગયું છે, ઉનાળે પડેલા પવન વખતે મારી જેમ જોતું નહીં પણ એવી જ અવસ્થામાં ઊભેલું આ જિંથરિયા બાવા જેવું પણ હવે ભીનેવાન, લીલુંછમ આસોપાલવનું વૃક્ષ ઝૂમે છે. પવન એને તાણી જવા માટે જોર કરે છે, એ માત્ર નમવાનો અભિનય કરી પવન જતાં ફરી ટટાર થઈ જાય છે. રાજાને કોઈ નમે નહીં તો રાજા તેને નમાવે તેવો જ છે આ પવનરાજા! ચકલીઓ વરસાદી ઝાંખા દિવસને સાંજ તો નથી માનતી પણ ઝાંખા ઉજાસમાં એની હરફર વર્તાતી નથી. આ ઊભો આસોપાલવ લીલો પણ વાંઝિયો નથી? એણે એવું સ્વરૂપ પોતાનું ઘડ્યું છે કે ચકલી અંદર ભરાઈ, પાંદડાં વચ્ચે છુપાઈ જવાની રમત તો રમતી રહે છે પણ એમાં માળો બાંધી શકતી નથી, અરે બીજું કોઈપણ પક્ષી નહીં! બહારથી લીલોછમ ઊંચેરો લાગતો આસોપાલવ એકાકી, વસ્તી વગરનો છે – અને હું ન જોવા માટે બારીબહાર જોતો હતો ત્યારે વસ્તી વગરનો નહોતો? મને લાગે છે કે, બારીબહાર ચાલતી અનાયાસ લીલા જોવાનું મન થાય એ જ ખરું. બસ, લીલા જોયા કરવી. અર્થો બેસાડવા નહીં, આનંદ ઊતરે તો ઊતરવા દેવો. બારીબહાર શૂન્ય થઈ જઈ જોયા કરવાની વેળા, એથી નહીં આવે એવું બને... આ બારણે કોણે હાંક મારી? ચાલ, બધું પડતું મૂકી દોડું...

[‘નિબંધોત્સવ’,૨૦૧૧ ]