ગુજરાતી અંગત નિબંધો/⁠ચક્ષુપંખિણીની પાંખ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ચક્ષુપંખિણીની પાંખે – સુરેશ જોશી



ગુજરાતી અંગત નિબંધો • ચક્ષુપંખિણીની પાંખે – સુરેશ જોશી • ઑડિયો પઠન: પ્રિયંકા જોષી


કદાચ સ્વપ્ન જ હશે. જે અક્ષરોને બાળપણથી ઓળખતો આવ્યો છું તે એકાએક આંખ સામે સ્પષ્ટ દેખાતા નથી. ‘ક’ની રેખાઓ જાણે પ્રવાહી બનીને રેલાઇને પાસેના ‘ખ’માં ભળી જવા લાગી છે. બારાખડીમાં હારબંધ ગોઠવેલા અક્ષરો વહેવા લાગે છે, એમાં મોજાંઓ અને તરંગો દેખાય છે. અનુસ્વાર, કાનો-માત્રા બધું અળગું થઈને દૂર જઈ પડે છે. ફરી બધું અક્ષરહીન બની જશે, માંડ દૃશ્યજગતના વિવિધ આકારોમાંથી જુદી પાડેલી આ બારાખડી એ વિવિધ આકારોમાં અભિન્ન બનીને ખોવાઈ જશે કે શું એવું લાગે છે. ચશ્માંની દુકાને જઈને બેઠો છું. દુકાનદાર આંખ સામે એક લેન્સ ગોઠવીને પૂછે છે : ‘બોલો, શું દેખાય છે તમને?’ મને એક યહૂદી કવિ યેમીચાઇની કવિતા યાદ આવી જાય છે. એમાં ય પેલા દુકાનદાર સૂચના આપે છે; તે કહે છે સાહેબ, હજી જરા પાછળ ખસો, તમારી ડાબી આંખ બંધ કરો; હજુ પાછળ? હા, હજી જરા પાછળ ખસો. દીવાલ આગળ વધી ગઈ છે. બોલો, હવે શું જુઓ છો? આ ધૂંધળાપણામાં તમને શું વરતાય છે? મને એક મધુરું ગીત યાદ આવે છે. એની પહેલી પંક્તિ હું ગૂંજવા માંડું છું...બોલો, હવે? શું દેખાય છે? હજી? હજી નહીં, હંમેશા. મને છોડી જશો નહીં, મહેરબાની કરો. ના, તમારે જવાનું નથી. વારુ, હું જતો નથી. એક આંખ બંધ કરો. જોરથી મોટે અવાજે બોલો, હું કશું સાંભળતો નથી. એક આંખ બંધ કરો. જોરથી મોટે અવાજે બોલો, હું કશું સાંભળતો નથી. હું તો ક્યાંય દૂર નીકળી ગયો છું. બોલો, તમને વરતાય છે? તમે શું જુઓ છો? તમારી એક વિષાદભરી આંખ બંધ કરો. હા, હવે મને દેખાય છે. બસ, બીજું કશું નહીં. આંખ ચોળીને જોઉં છું તો ખરેખર અક્ષર ઝાંખા લાગે છે. મનમાં ભય લાગે છે. રખે ને મારા પ્રિય કવિઓ સાથેનો મારો સમ્પર્ક પરોક્ષ બની જાય! પ્રત્યક્ષતાનું જ મને ભારે આકર્ષણ છે. કશા અન્તરાય વિના જ આ જગતને જોવા, સ્પર્શવા ઇચ્છું છું. આ નિકટતાનો લોભ છે એમ કોઈ કહે તો ભલે. રિલ્કેએ એક સ્થળે કહ્યું છે કે જેને નિકટતાથી પામ્યા છો તેને દૂરતાને ખોળે મૂકીને જુઓ તો એ નવા મહિમાથી મંડિત થયેલું લાગશે. પણ મારું તો એવું ગજું નથી. સૌથી વધુ મહિમાનો લોભ ઈશ્વરને છે, માટે જ આપણે એને સૌથી દૂર રાખીને જોઈએ છીએ, પણ ઋષિઓએ તો એને નિકટ લાવીને પણ જોયો. એનું વર્ણન કરતાં કહ્યું. તદ્‌દૂરે તદ્વન્તિકે. પણ દૂર અને નિકટને ભેગાં કરીને – પૂર્ણ મંડલાકાર રૂપને જોનારી દૃષ્ટિ મને તો હજી લાધી નથી. દૂરતા એ દૃષ્ટિભ્રમ છે એવી ફિલસૂફીમાં હું માનતો નથી. કહે છે કે આંખો મૂળ તો દૂરનું જોવા માટે જ બનાવેલી. નિકટની વસ્તુને માટે તો સ્પર્શેન્દ્રિય પર્યાપ્ત હતી. પણ આપણી સૌથી લોભી ઈન્દ્રિય આંખ જ છે. એ જોઈને ધરાતી નથી. રાત્રે આંખ બંધ કરીએ છીએ. વળી સ્વપ્નોની સૃષ્ટિ પ્રગટ થાય છે. અન્તશ્ચક્ષુ ખૂલી જાય છે. ચક્ષુના પણ કેટલા પ્રકાર! તિરસ્કારમાં વેદાન્તવાળા કહેશે ‘ચર્મચક્ષુ’, પછી ભગવાને અર્જુનને પોતાનું રૂપ જોવા માટે આપેલાં દિવ્યચક્ષુ, આ ઉપરાંત પ્રજ્ઞાચક્ષુ. મને તો સૂર્યચન્દ્ર કરતાં આંખોનો મહિમા મોટો લાગે છે. સૂર્યચન્દ્રને અસ્તોદય છે, પણ આંખ કદી અસ્ત પામતી નથી. બહારથી બિડાય છે તો અંદરથી ખૂલે છે. આંખની ઉપરની બે ભ્રમર-જાણે પંખીએ ઊડવાને પ્રસારેલી આ પાંખ, આથી જ મને આંખ એક અદ્‌ભુત પ્રકારનું પંખી લાગે છે. એ એક પિંજરામાં બંધ છે છતાં એક સાથે બે આકાશમાં ઊડે છે, આ સદા ઊડ્યા કરતી ચક્ષુપંખિણીને કારણે જ આપણું મન ચંચળ બની ઊઠે છે. આથી ધ્યાન ધરવાનું કહેનારાઓના આક્રમણનું પહેલું નિશાન આંખ જ છે. ધ્યાન ધરતાં પહેલાં આંખ બંધ કરવી એવી સૂચના હંમેશાં આપવામાં આવે છે. ભગવાનનાં દર્શન કરવા જઈએ ત્યારે પણ આંખો બંધ કરીને પ્રણામ કરવાની પદ્ધતિ સ્વીકારાઈ છે. આંખ બંધ કરીને આપણે એકાગ્ર હોવાનો દંભ કરી શકીએ છીએ. બાળપણમાં નાના નાના બે હાથ પાછળથી આવીને આપણી આંખોને બંધ કરીને ખૂબ મોટો ‘દાર્શનિક’ પ્રશ્ન પૂછતા–‘હું કોણ છું?’ ત્યારે આપણી અંદરનાં ચક્ષુ ખૂલી જતાં. આપણે તરત સાચો જવાબ આપી દેતા. વ્યક્તિત્વનો સૌથી મોટો શણગાર પણ આંખ. માનવીનું વ્યક્તિત્વ પારખવું હોય તો એની આંખ જોવી. આથી જ સામુદ્રિક શાસ્રમાં આંખનું ઘણું મહત્ત્વ છે. આંખમાં આંખ માંડીને જોવું એ સહેલી વાત નથી. મેં એવા ઘણા લોકો જોયા છે જેઓ આપણી સાથે વાત કરતી વેળાએ આંખ ઊંચી જ કરતા નથી. કોઈ મુગ્ધા ષોડશી એમ કરે તો વધુ સુન્દર લાગે. એની પાંપણ પર નવજાત પ્રેમનું સુખદ વજન તોળાઈ રહે તેથી એ દૃષ્ટિ ઊંચી કરી શકે નહીં. પણ ધૂર્ત માનવીઓ તો પોતાના મનના ભાવો કળાવા દેવા ન હોય તેથી કદી દૃષ્ટિ ઊંચી કરતા નથી. આંખ એટલે આંખ, એમ કહી દઈએ તેથી કાંઈ ચાલવાનું નથી. આંખ કેટલા બધા પ્રકારની હોય છે. સંસ્કૃત કવિઓએ તો આંખોને નીલોત્પલ જેવી કહી. સ્રીઓની આંખો ચંચળ હોવી જોઈએ માટે એમને કમલાક્ષીની સાથે હરિણાક્ષી અને મીનાક્ષી કહી, પણ કોઈની આંખ મગર જેવી પણ હોય છે. એની પાંપણો ફરકે જ નહીં; ડોળો હાલે જ નહીં. એમાં ખંધાપણું અને નિષ્ઠુરતા રહ્યાં હોય. કોઈકની આંખો સાપ જેવી હોય. કોઈકની આંખો ઘુવડ જેવી હોય. કોઈની આંખો સળગતા અંગારા જેવી હોય. આથી જ આંખને પારખી લેનાર જ ખરો કુશળ કહેવાય. આંખો તો આંગળીને ટેરવે પણ ખૂલે. પ્રખર નૈયાયિક ગૌતમ મુનિ અન્ધ હતા, પણ એમને અન્ધ નહીં કહેતાં અક્ષપાદ કહ્યા. એમના પગને તળિયે જ જાણે આંખ હતી. માનવીએ હાથને લંબાવીને યન્ત્રોથી અદ્‌ભુત કાર્યો સિદ્ધ કર્યાં. તેવી રીતે કેમેરા, દૂરબીન, ટેલિસ્કોપ, ટેલિવિઝનથી આંખનો વિસ્તાર કરી અદ્‌ભુત સિદ્ધિ મેળવી. પણ આ સિદ્ધિઓ ખતરનાક પણ નીવડે. શિવનાં બે નેત્રો કલ્યાણમય, પણ ત્રીજું નેત્ર તો બધું જ ભસ્મીભૂત જ કરે. નદીમાં પણ માનવીએ આંખને ઊઘડતી જોઈ. એક નદીનું નામ છે મયૂરાક્ષી. તારાઓને પણ આંખ રૂપે કવિઓએ જોયા છે. કૂવાને પણ કાણો કહીને એને એક આંખ તો આપી જ છે. પ્રતિભા પણ એક પ્રકારનું નેત્ર જ છે. ઘડિયાળમાં સમયની આંખ ઊઘડે છે. ઘર બારીની આંખે બહારના વિશ્વને જુએ છે. રિલ્કેએ ગુલાબને, બંધ પાંપણવાળું છતાં બધું જોતું નેત્ર, એમ કહીને વર્ણવ્યું છે. એ જ એની દૃષ્ટિએ કવિનું કર્તવ્ય છે. દેવમૂર્તિની આંખોની નિષ્પલકતા એમને અપાર્થિવ બનાવી મૂકે છે. દેલવાડાનાં દહેરાંમાંની જૈન મૂર્તિઓની ચળકતી આંખો એ મૂર્તિઓની સ્નિગ્ધતા સાથે વિરોધ ઊભો કરતી લાગે છે. આંખોમાં તેજ હોય તો તે પણ શીળું હોય. એમાંથી અમૃત વરસતું હોય. ભયનો અને પ્રેમનો પ્રથમ અણસાર પણ આંખમાં જ વાંચી શકાય. બધી ઈન્દ્રિયોમાં આંખનો જ પ્રપંચ સૌથી વધુ વિસ્તારેલો છે. મોટા ભાગની કલાઓ આંખની તૃપ્તિ માટે છે. ભાષા તો પહેલાં બોલવાની અને સાંભળવાની વસ્તુ હતી, પણ પછીથી લિપિ શોધાઈ, સંકેતોની માયા વિસ્તરી, આપણે સાહિત્ય લખતા થયા, વાંચતા થયા. આપણી અમરતાનો પુરાવો પણ આંખ પાસે જ મંજૂર કરાવવો રહ્યો. આથી શિલાલેખો, તામ્રપત્રો ઉદ્‌ભવ્યાં. આ આંખમાં કવિઓએ શું શું નથી જોયું? એમાં આકાશ જોયું છે, તો સમુદ્ર પણ જોયો છે. એ આંખમાંનાં ભંગુર આંસુ પર તો કાવ્યની કેટલીય તોતિંગ ઈમારતો ખડી કરવામાં આવી છે. સૌથી મોટો મહિમા દર્શનનો. ભગવાનની વાણી તો આપણને સાંભળવા ન મળે, પણ આપણે સૌ એમનાં દર્શન કરી શકીએ. ફિલસૂફો અને યોગીઓ આથી જ આંખથી બહુ ભડકેલા રહે છે. સૂરદાસે તો ભયના માર્યા આંખ ફોડી નાખી. યોગીઓએ દૃષ્ટિને બહાર ભટકતી રોકીને અંતરમાં વાળવાની શીખ આપી. પણ સાચો વિહાર તે દૃષ્ટિવિહાર. આપણે માનવી હોવા છતાં વિહંગાવલોકન કરીએ. આપણે અનેક દૃષ્ટિબિન્દુ અને દૃષ્ટિકોણ ધરાવીએ. આપણો સૌથી ઉત્તમ અલંકાર ઉત્પ્રેક્ષા. સૌથી સાચું મિલન તે તારામૈત્રક.

[અહો બત કિમાશ્ચર્યમ્‌,૧૯૭૫]