ગુજરાતી અંગત નિબંધો/રોટલો

૨૩
રોટલો – અરુણા જાડેજા



ગુજરાતી અંગત નિબંધો • રોટલો – અરુણા જાડેજા • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ

સૂરજ માથે આવે અને બધા રોટલા ભેગા થાય. ફળિયામાંથી ભાથું ભેગું કરતો-કરતો ભથવારો વાડીએ આવે. જેવું ભથાયણું ખૂલે કે દરેક આદમી માત્ર મોંકળા જોઈને જ કળી જાય કે કયો રોટલો કોને ઓટલેથી આવ્યો છે. આ તે કેવા રોટલાકળા(પારખુ) અને આ તે કેવી રોટલાકળા? રોટલાનું નામ પડતાં જ પગ વતનની વાટ પકડે. અમેરિકાના ‘મૅકડોનાલ્ડ’માંથી બહાર નીકળીનેય આ રોટલાની અંગાખરી ગંધ ક્યાંકથી આવીને દેશીમાડુના નાકમાં પરાણે પેસી જાય અને આંખને પાછી પલાળતીય જાય. ક્યાંકથી શું, એ તો માટીનાં મૂળિયાંથી જ ઝમતી હોય. How green was my velly! વાત છે આ અંગાખરા રોટલાની. આ રોટલો પ્રાયમસ, સગડી કે ગૅસ પર પણ થઈ શકે. પણ ગોબરિયાળી ગંધે ગૂંદાયેલો અને લીંપેલા-ગૂંપેલા ચૂલે ચડેલા રોટલો તો નિરાળો જ. તડતડતા અંગારે ખરો થયેલો આ જ ખરો અંગાખરો! રસ્તાની એક કોરે પડાવ નાખીને બેઠેલી વણજારણે ત્રણ ઢેખાળા પર ઠીકરું મૂકીને સાંઠીકડાના તાપે ચડાવેલો રોટલો તો મોડી રાતે જામતી મહેફિલની રંગત લઈને આવે. શરત એટલી જ કે ભૂખ કકડીને લાગેલી હોવી જોઈએ. ‘એને માણવું એ જ છે એક લહાણ.’ રોટલો આમ તો પાણી જેવો. જ્યાં જાય ત્યાં ભળી જાય. એકલા મીઠા સાથે પણ ચાલે, બેકલાં ડુંગળી-મરચાં સાથે તો દોડે. નખરાળો જરાય નહિ. હા, લાડ લડાવો તો ઔર ખીલે. ચારેકોર લદબદતા ઘી સાથે કે લસલસતા માખણ સાથે, શેડકઢા દૂધ સાથે કે ઘાટી-રોડ છાશ સાથે. ગમે તેની સાથે જમો. જાત જ મૂળે મીઠી. એમ તો રોટલાને પાછું પોતાપણું ખરું. રાય કે રંક એવી સાડીબારી નહિ. જો કે રંક તરફ પલ્લું ઢળે. ગરીબોનો બેલી ખરો ને. ઓડકાર તો એકસરખો જ. તાવડીથી ઊતરતો ગરમાગરમ ફૂલીને ફાળકો થયેલો રોટલો ખાઓ કે સમાધિસ્થ યોગી જેવો ટાઢો રોટલો ખાઓ, ધૂંવારેલા ભડથા સાથે ખાઓ કે પછી ગાંઠિયાના ખાટા શાક સાથે ખાઓ. – શાક મસાલે જરા ચડિયાતું જોઈએ. બટકે ખાઓ કે ચોળીને, વહાલો લાગ્યા વિના ન રહે. રોટલાની સંગતે, વલોણાનાં તાજાં છાશ-માખણની તોલે કોઈ ન બેસી શકે. ગોળ-રોટલાની જોડી તો ભલભલી મીઠાઈયુંને પણ પછાડે. હરિની જેમ એનાં હજારો રૂપ... દ્યો રોટલાનો ટુકડો, આવે હરિવર ઢૂંકડો... શિરામણ શું કે વાળું શું, રોટલાના બટકે-બટકે દૂધના ઘૂંટડેઘૂંટડા સાથે અદ્‌ભુત રસાયણ રસાતું જાય. છાશ-રોટલાની જુગલબંદી તો ક્યાંય ન જડે. એ તો પછી જેવી જેની તાસીર. બાકી એંસી વર્ષનાં સાસુમાને તો ખરો (કડક) ખપે, ગારો (પોચો) નહિ. સાત દાયકા વટાવી ચૂકેલા શહેરી બાપુને આજે પણ, લિટર દૂધ અને મસમોટો રોટલો વાળુટાણે ખાતાપીતા અને પચાવતા જોયા છે. આ રોટલાના જોમે વૃદ્ધાવસ્થાને એવી ને એવી અકબંધ રાખી છે. એવી છે રોટલાની કરામત. એની આણ પાછી એકહથ્થુ. ‘ડૉમિનેટિંગ પર્સનાલિટી’ – સત્તાધારી વ્યક્તિત્વ. દેશ-વિદેશ ફરેલા નામાંકિતો અને શ્રીમંતોને સામે ચાલીને ખુશીથી રોટલાનું જમણ નોતરી લેતા જોયા છે. I heartily invite myself to ‘DESI’ dinner (સામે ચાલીને તમારા દેશી જમણનું આમંત્રણ માગી લઉં છું.) ઘંટુલો અને હાથદળણું તો હવે રહ્યાં ઇતિહાસમાં. એનાં સત્ત્વ-તત્ત્વ શોધ્યાં ન મળે. છતાંય રોજેરોજ દળાતા તાજા લોટનો સ્વાદ ચડિયાતો. વાસી લોટે વંકેય ન વળે. સ્વાદેય નહિ ને સિકલેય નહિ. લીંપણકળાની જેમ ટીપણકળામાંયે આવડત તો ખરી જ. રોટલો અને ચોટલો બન્નેમાં હાથનો કસબ સમાયો છે. ઘડાતા રોટલા સાથે ટીપી-ટીપીને સંઘેડાઘાટ સુંદર રચના આકારાતી જાય. રોટલા ભાતીગળ. લોટનું જાડું ખીરું તાવડી પર થેપીનેય રોટલા થાય. દક્ષિણ ગુજરાતની અમુક કોમ ચોખાના રોટલા એવી રીતે બનાવે. શહેરી લોક વણીને કરે, પાટલી પર થેપીને કરે. પણ સૌથી શ્રેષ્ઠ તો બે હાથે ટીપી-ટીપીને ઘડાયેલો રોટલો. રોટલો અમુક બાબતમાં મિજાજી ખરો. જલદી માની ન જાય. અને એમ કાંઈ ચૂલે ચડી બેસવાથી કે કેટલીય સાત ઉતાવળ કરવાથી રોટલા ન ઘડાય. સાત પાણીનો રોટલો અને એક પાણીની ખીચડી. એકએક રોટલાનો લોટ લેવાતો જાય, મીઠાવાળું પાણી ધીમે-ધીમે ઉમેરાતું જાય, લોટ બરાબર મસળાતો જાય, કણેકણ સમરસાતો જાય. બહાર બેઠેલા પરોણા રોટલાનું બટકું તોડતાંની વારમાં જ પારખી લે કે અંદર બેઠેલાં ઘરવાળાંનાં કાંડામાં કેટલું જોર છે. આ જ કાંડાબળને જોરે જિંદગી જોમે-જોમે જિવાતી જાય. ફરતી કોરે એકસરખો રોટલો ટિપાતો જાય. સાસરે જનાર દીકરીઓને મા વચ્ચે-વચ્ચે ટપારેય ખરી. છીંક કે ઉધરસની જેમ ટપાકાયે બહાર ન જવા જોઈએ. ઘરની વાત ઘરમાં જ. સરખો ઘડાયેલો રોટલો સરખા ફરતા તાપે તપેલી તાવડી પર એક હાથે સાચવીને નાખવાનો, ન ફાવે તો બે હાથે સુવડાવવાનો. ધ્યાન રહે, ભમરો ન ઊઠે; નહિ તો રોટલાનું રૂપ રોળાઈ જાય. વળી પાછાં અપશુકન. મા ચેતવે : સાચવીએ, બેટા! સાસુમા ભમરો જોઈને મમરો મૂકેઃ ભમરાળી વહુને રોટલે ભમરો જ ને! વખતોવખત તાપ વત્તોઓછો થતો રહે. ધુમાડા ફૂંકી-ફૂંકીને ફેફસાં બળૂકાં થતાં જાય. કોક વળી ઊંધું લે, ધૂમાડામાં ફૂંકણીનું કામ કરતા ફરે. શહેરમાં રહેતી દીકરીઓને ચૂલિની (ગૅસની) ટેવ તે ચૂલા શાના ફાવે? એમ તે કંઈ ચાલે?ચાલો વતનમાં, ભાભુ કે કાકીમાની ટ્રેનિંગ લેવા. મહિનોમાસ ચૂલે બેેેેેેેેેસો(સાવ નજીકનો ભૂતકાળ – પંદરવીસ વર્ષ પહેલાં) પાકે ઘડે કાંઠા ન ચડે એ વાત સાચીપણ પાકી વયે રોટલો જરૂરચડે એની આ લખનારને ચોક્કસ ખબર છે. પણ હા, ચૂલાની ધગધગતી ધગશ ખાસ જરૂરી. A burning ambition. ઊના-ઊના રોટલાનું ફૂલેકું નીકળતું જોઈને ઘરધણી તો શું મહેમાન સિક્કે તેડાની રાહ જોયા વિના પાટલે બેસી જાય. પછી તો ચડે એટલી વાર ખરી, ઠરવાની વાટ કોણ જુએ? આ રોટલો, એક વાર હેવાયો થઈ જાય પછી તો તમારો જ. ઘડાયેલા હાથે ટપોટપ રોટલા ઘડાતા જાય. ચૂલાની ભીંતે સૈનિકોની જેમ એક હારમાં શિસ્તબદ્ધ ગોઠવાતા જાય. કચ્છ-કાઠિયાવાડમાં ખાસ જોવા મળતો ભાતીલો રોટલો. ખાડાવાળો રોટલો. તાવડી પર ચડી રહેલા રોટલાના ઉપરના પડ પર કાણાવાળી નાની કૂંચીથી ઝીણી-ઝીણી નકશી ઉપસાવવામાં આવે. નકશીવાળો ઉપલો ભાગ પલટાવીને ખરો કરવામાં આવે. આ નાના-નાના ખાડામાં ઊનું-ઊનું ઘી પૂરીને ગોળ સાથે જમવાની મજા પડી જાય. પણ ખરી મજા તો ખાડાવાળા રોટલા પર થીનું ઘી કે માખણ ચોપડીને ખાધે જ રાખો. ‘વીક-એન્ડ’માં ‘બાય-રોડ’ જતાં-જતાં લસણના ‘ટૉપિંગ્સ’વાળો ‘ડિઝાઈનર્સ એમ્બૉસ્ડ’ રોટલો ખાઈ જુઓ. સ્વર્ગ વેંત છેટું જ લાગશે. ‘મોઝરેલા ચીઝ’થીયે ચાર ચાસણી ચઢે એવો આ દેશી ‘પિત્ઝા’. રોટલો ભલે રહ્યો થોડો મિજાજી, પણ છે તો શિવજી જેવો ભોળોભટ્ટ, એમ કહો ને કે સાવ અલગારી. ન પાટલી-વેલણ, ન મરી-મસાલા, ન તેલ-મોણ. બે વાનાં, મીઠું અને પાણી. જમનારને ભાવતું અને કરનારને ફાવતું. અધરાતે-મધરાતે ચૂલો ભભડી ઊઠે ત્યારે અથવા તો બંદોબસ્ત પતાવીને મોડી રાતે ઘરે પાછા ફરનારા નિશાચરો માટે હાથવગી રસોઈ એક જ, રોટલો. ઊંઘરેટી આંખે અને કાયમી હથોટીએ મજાનો રોટલો ઘડાય, દૂધનું તાંસળું છલકાય અને ભરથારનું મન ભરાય. નિતનવીન અને અદ્યતન વાનગીઓ પીરસનારી જાણીતી હોટેલના માલિક પણ રાત્રે દોઢ વાગ્યે ઘરે આવીને માગે તો એક જ રોટલો. આ ભોળાબ્રહ્મને અમથો લોકોએ ફટવી માર્યો છે. કંઈ મોંઘો કરી નાખ્યો છે! મોંઘામૂલો ખરો ને? એ તો બત્રીસો, બત્રીસે કોઠે દીવા કરે એવો. ઇતિહાસની સાથે ધર્મ પણ રોટલાની હામાં હા ભણે છે. ઘરમાં ગૅસનો બાટલો ખલાસ થઈ જાય, ઈંધણ ઓછું પડે કે તાવડી નંદવાઈ જાય તો ‘ઇમરજન્સી’માં પરમકૃપાળુ પતિદેવ કે સર્વસત્તાધીશ સાસુમાના તણખિયા માથાનો ‘હાજર સો હથિયાર’ તરીકે ઉપયોગ થઈ શકે. ગૅસ અને તાવડીની બચત થાય એ વળી નફામાં. રોટલો ફૂલીને દડા જેવો થશે એની સો ટકા ખાતરી મુક્તાબાઈ આપે છે. કુંભારની હડતાળને કારણે તાવડી અલભ્ય હોવાથી ભાઈ જ્ઞાનેશ્વરની તાવથી ધગધગતી પીઠ પર બહેને રોટલો ફુલાવેલો. સંત જ્ઞાનેશ્વરનાં બા નાનપણમાં દેવ થયેલાં, નહિ તો દરેક પુરુષની જેમ એમના મોંએ પણ આ જ બ્રહ્મવાક્ય હોત – મારી બા જેવો રોટલો કોઈનો નહિ! આ સનાતન સત્યમાં માની મમતા ઉપરાંત દશકા-જૂનો કરતબ કામ કરી જતો હોય છે. સચરાચરમાં વ્યાપક એવો આ રોટલો ગુજરાતમાં વેસણ-રોટલાના રૂપે, મહારાષ્ટ્રમાં ઝૂણકા-ભાકરના રૂપે કે પંજાબમાં મક્કી-કી-રોટી અને સરસોં કા સાગરૂપે સમાયેલો છે. ઘઉંનો રોટલો ભલે રૂપાળો પણ કામણગારો તો બાજરાનો જ (સીદીભાઈને સીદકાં વહાલાં). બાજરા સાથે વણાયેલું છે કચ્છ-કાઠિયાવાડ. મેઘાણી હોય કે કારાણી, બધે બાજરાનો જયજયકાર.

ધિંગા તોંજા હથડાં ધિંગી બાજરજી માની,
દેવ કે પણ દુર્લભ મીઠડી માજી માની. (શ્રી કારાણી)

અર્થાત્‌ માનો હાથ શું કે બાજરો શું, બધું જ જોમવાન. દેવોને પણ દુર્લભ એવો મીઠો, માડી, તારો રોટલો (=માની). વાળુ ટાણે રોટલા ઘડતાં-ઘડતાં બે હાથ જોડી (વચમાં રોટલો રાખી) હજાર હાથવાળાને માડી શું વીનવતી હશે? – બારે મહિના સહુને રોટલાભેગા કર, એ જ ને!

[‘લ-ખવૈયાગીરી’,૨૦૧૨]