ગુજરાતી અંગત નિબંધો/⁠કદમ્બનાં ફૂલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૨
કદમ્બનાં ફૂલ -- મણિલાલ હ. પટેલ



ગુજરાતી અંગત નિબંધો • કદમ્બનાં ફૂલ – મણિલાલ હ. પટેલ • ઑડિયો પઠન: મનાલી જોષી


કોળેલું કદમ્બ જોયા-સૂંઘ્યા-સ્પર્શ્યા-ચાખ્યાનો કેફ ઓસરતો નથી. પવનમાં ઝૂલતી ડાળીઓ પર હિંડાળાતાં નાનાં દડૂલા જેવાં કદમ્બ ફૂલોનો અરવ રવ હજી સંભળાયા કરે છે. ઉનાળો આવી સવારે સફળ થઈ જાય છે. મેના પાછલા દિવસોની આછી શીતળ અને લીલીપીળી સવારે મારો આમ અચાનક કદમ્બ સાથે સાક્ષાત્કાર થયો એ ઘટના મારે મન સર્જનાત્મકતાથી જુદી નથી. આ વિરલ ઘડીને વંદન કરું છું. કદમ્બ મેં કાલિન્દીને કાંઠે તો આજ દિન સુધી જોયું નથી. વગડો કે વસતિમાં ફરતાં ‘ચંદનનાં ઝાડ’ જોયાં છે ને ઊભો રહી ગયો છું, પણ કદમ્બ આમ, મારી જ વાટ જોતું હોય એમ માર્ગ માથે મળ્યું નથી. જાણીતી વાટે એ જડ્યું નથી અને અજાણ્યા રસ્તે મળી જશે એવી ધારણા નહોતી, પણ મળ્યું ત્યારે કેવું તો ખિલખિલ મલકતું, ઝૂમતું મળ્યું! મેમનગર (અમદાવાદ)ના મુખ્ય માર્ગે દર્પણ પાંચ રસ્તાના ફૂટપાથ પર ચાલતો ચાલતો હું વિજય ચાર રસ્તા તરફ જતો હતો પહોંચવાનું હતું ભાષાભવન પર. ગુજરાત યુનિવર્સિટીના વૃક્ષખચિત કૅમ્પસમાં ઉનાળાની સવારોમાં અમે મિત્રો પરીક્ષણકાર્ય કરતાંકરતાં, લૂ-તડકા ખાતાંખાતાં, તરુવરોની નીરવ છાયાઓનો સંગ પણ કરીએ છીએ. નર્મમર્મવાળી નુકતેચીનીઓ સાથે મુક્ત મને હસવાથી વીત્યા વર્ષનો થાક વિસારે પડે છે. દર્પણ પાંચ રસ્તાથી જતો હતો, વિજય ચાર રસ્તા તરફ. સવારના પવનની લહેરો આજે જરા ઉતાવળી હતી. ગુજરાત તરફ ફૂંકનારા વાવાઝોડાની હવામાં એંધાણીઓ હતી. આકાશમાં તરુણ હરિણીઓ જેવી વાદળીઓ નીકળી પડેલી. તડકો ચોખ્ખો ને આકાશ પણ થોડું વધારે વાદળી લાગતું હતું. અમદાવાદનાં ઊંચા મકાનોની ઊંચી ગૅલેરીઓ-બારીઓ-અટારીઓ હજી ભૂકંપના ભયમાંથી મુક્ત નહોતી. રસ્તો જતાંય મને પેલાં ‘હાઈ રાઇઝ’ હમણાં ડોલી કે ડગમગી ઊઠશે એવી દહેશત લાગતી હતી... પવન ધૂળને રમણે ચઢાવતો ઊભી સડકો ઓળંગતો જાણે કે તોફાને ચઢવાની તૈયારી કરતો ન હોય! સવારનું ટહેલવા નીકળેલાં વૃદ્ધો અને સ્વાસ્થ્ય લાભ માટે ચાલવા ગયેલાં મેદસ્વી દંપતીઓ હજી પાછાં વળતાં હતાં. કાબરો ફૂટપાથ ફંફોસવા માંડી હતી, ને બુલબુલ યુગલ રાતા શિરીષની ડાળે બેસીને બોલતું હતું. કૂંડાં-માટલાં–માટીપાત્રોનો ઢગ ખડકીને વેપાર કરતું પ્રજાપતિ કુટુંબ જાગી ગયું હતું. શહેરને જરાય નહીં જંપવા દેનારી રિક્ષાઓ પાછી દોડવા લાગી છે... કાલિન્દી તો અહીં નથી વહેતી પણ આ કાળીકાળી ડામરિયા સડકો મળતી અને છૂટી પડતી, દોડતી અને રાતાંપીળાં અજવાળાં પાસે ઘડીક ઊભી રહી જતી હોય છે. રાતદિવસની અહીં આ જ તો છે ગતિ! સવારની આ સડક વળાંક લેતી જાણે કાલિન્દી સમી વહી રહી છે – એમાં સરતી મારુતિ ગાડી જાણે નાનકડી નૌકાની જેમ વહી જતી જોઉં છું! સામો ફૂટપાથ વીંધતી આવે છે મજૂરીએ નીકળેલી થોડી ગ્રામકન્યાઓ... ગામડેથી નિર્વાસિત થયેલી જાણે ગોપકન્યાઓ...એમના ગાલોમાં માથે ઊઘડેલા ગુલમોર જેવું હાસ્ય છે. ડાળેડાળે સેરરૂપે લચી પડેલા અમલતાશ નીચેથી હસતી હસતી પસાર થઈ જાય છે એ સીમવછોઈ કમનસીબ યુવતીઓ... એમને તો આ વૃક્ષો જોવાય ક્યાં નવરાશ છે વળી? નહીંતર– કોઈ ગોકુળશા ગામડેથી આવેલી એ ગોપાંગનાઓ મારી જેમ જરૂર અટકી ગઈ હોત આ મહેકી ઊઠેલા... મ્હોરી ઊઠેલા અને સવારને માદકતાથી ભરી દેતા ઝગમગતા કદમ્બની પાસે! હું તો કદમ્બને ભારે વિસ્મયપૂર્વક જોઈ રહ્યો છું. ડાળેડાળે ફૂલો – આછાં બદામી, જરા પીળાશ પડતાં! કેટલાંક કળીરૂપે લીલાં, પણ એ લીલો જરા નોખો લીલો. કળીઓય દડૂલા જેવી...ઝીણી, નાની અને જરાક મોટી થઈ મ્હોરી ઊઠતી! લીલા, ક્રીમ બદામી, પીળા તથા આછા હળદરિયા રંગોની લીલા સાથે ડોલતું, બલકે મંદમંદ મલકાતું કદમ્બ! હું તો ત્યાં જ ખોડાઈ ગયો. મધ્યમસરની ઊંચાઈ, ચોતરફ ગોળાઈએ વિકસેલું ફૂલદડૂલે અને નવાં પાંદડે સોહામણું આ કદમ્બ સાવ નિઃસંગહતું! સામેના ઘરનો ઝાંપો બંધ છે – અરે! આ અમદાવાદીને એટલીય ખબર નથી કે એના ઘર સામે કદમ્બ મ્હોર્યું છે. આખું ગોકુળ યમુના સાથે હાજર થયું છે. કદમ્બની ડાળેડાળે ગોપીઓનાં વસ્ત્રો ઝૂલે છે ને માથે આભ થઈ ઝૂકેલો કાનજી ઘડીક પવન પામરી થઈને રમી લે છે... બાવરી હવા એ સ્તો છે ગોપિકા! "આ લહરી જતી તે રાધા રે..." સાઇકલ પર સવાર થઈને કૃષ્ણના સખા સુદામા સરખા એક દુબેજી કે ચુબેજી પીતાંબર અને કફની ધારણ કરીને આવી લાગ્યા. સાઇકલ પર જ ઊંચા થઈને ફૂલ ચૂંટવા લાગ્યા. મેં કહ્યું, "કદમ્બનાં ફૂલો –" એમનો વાક્‌પ્રવાહ શરૂ થઈ ગયો. "હા જી! એ તો કૃષ્ણકનૈયા કા પ્રિય વૃક્ષ હૈ! યહાં તો ઇસે કોઈ પહેચાનતા તક નહીં! અરે, હમે ફૂલ ભી નહીં તોડને દેંગે એ લોગ તો?" મને ફૂલો ઉપરાંત કળી તથા ફૂલો ભરી એક ડાળી તોડી આપી! હું તો જાણે માલામાલ થઈ ગયો. આટલી સમૃદ્ધિ મારી પાસે કદી આવી છે ખરી? મારું મન પ્રેમથી ભરાઈ આવ્યું. જરાક કણજીને મળતાં પાંદડાં. પાંદડાંમાં રેખાઓ ચોખ્ખી ને પલાશપાન જેવી. પાંદડાં સંપુટમાં હતાં. કૂણાં પાંદડાંના સંપુટ વચાળેથી કળી નીકળી છે – ટચલી આંગળીના નખ જેવી, જરાક વધે એટલે લાગે ચરકટનો એક્કો જાણે! પણ રંગ આછો મલાઈ જેવો. કળીને સમાવતી પાંદડીઓ ખૂલે. એમાંથી ત્રણ કળીઓ નીકળે. વચલી જરા જલદી વધે... પછી બાજુવાળી બેઉ સ્પર્ધા કરે. કળીઓ ધીમેધીમે દડૂલીઓ જેવી થાય. એનાં અંગે ગોળગોળ ભાલાઓ ઊગે... કળી કન્યાના અંગૂઠા જેવડી દડૂલો થાય... પછી પેલા ભાલાઓ (જે કળીઓ રૂપે જ હોય છે.) ઊઘડે છે - સૂક્ષ્મ બુંદોરૂપે... સેંકડો બુન્દોનો ગુચ્છ-ગોળ દડો... શરૂમાં પોપટી, પછી બદામી પીળો છેવટે આછો હળદરિયો થાય. આ ફૂલદડૂલીઓ ઉપર પણ પુંકેસરાદિના ભાલાઓ પાછા ઊઘડી આવેલા હોય છે. કુદરતની કેવી અનૂઠી રચના! હું કળીઓમાં પુષ્પ પ્રગટવાના પ્રથમ પ્રહરને વિલોકતો રહ્યો... મેં કદમ્બનાં ફૂલોને ચાખ્યાં - સૂંધ્યાં - સ્પર્શ્યા - જોયાં અને સાંભળ્યાં... હું ભાવવિભોર થઈ ગયો.

[‘ચાલ, વૃક્ષને મળવા જઈએ’, ૨૦૦૨]