ગુજરાતી અંગત નિબંધો/હું કેવો લાગું છું, મને?

૨૦
હું કેવો લાગું છું, મને? – રમણ સોની



ગુજરાતી અંગત નિબંધો • હું કેવો લાગું છું, મને? – રમણ સોની • ઑડિયો પઠન: રમણ સોની

હવે વરસાદે પ્રવેશ કર્યો. વરસાદનું પોતાનું તો એક રૂપ હોય જ છે, બલકે ઘણાં રૂપો હોય છે. બધે તડકો વરસતો હોય એની વચ્ચે ઉઘાડા રૂપે એ વરસવા લાગે છે કે પહેલાં ચારે દિશા અંધારી કરી દે છે ને પછી પોતાના સિવાયનું બધું ઢાંકી દેતો વરસાદ વ્યાપી જાય છે. એની વચ્ચેનાંય કેટલાં રૂપો આપણે! સૌએ એ જોયાં છે... અત્યારે વરસે છે એ એનું જનૂની રૂપ નથી. વરસાદ પણ છે, મકાનોસમેતની આ શેરી પણ છે, મારા ઘરના આંગણામાંનો નાનોસરખો પણ અસંખ્ય પાંદડાંથી પુષ્ટ આંબો પણ છે, મોટીમોટી હથેળીઓ આકાશ સામે ધરીને વરસાદ ઝીલતો રહેલો પામ પણ છે... ને થાંભલાને અઢેલીને ઊભેલો હું પણ છું. હું જોઉં છું કે વરસાદે બધાંનું રૂપ બદલી નાખ્યું છે. પાંદડેપાંદડાનો રંગ ગઈકાલે – અરે હમણાં વરસાદ પહેલાં હતો એનો એ નથી; મારા ઘરની દીવાલે પણ રંગ બદલ્યો છે – પાણીના અસ્તરથી એના ખૂણા ચળકે છે. હું પલળ્યો નથી, પણ વાછંટાયો તો છું. મારું રૂપ પણ... બસ, વાંચતાંવાંચતાં પણ આવું જ થતું હોય છે. બધાં રૂપ પલટાતાં જાય છે. ચોપડી હાથમાં લઈને વાંચવા ખોલું એ પહેલાં ઘડીક એને જોઈ રહું છું. એનું કવર, ઉપરણું સરસ હોય કે ક્યારેક નરસું હોય – એ ધ્યાનમાં આવે છે એટલું જ નહીં, મને એમ થાય છે કે ચોપડી હજુ ખોલી નથી ત્યારે એ કેવી લાગે છે? જાણે કોઈ ખાસ રૂપ વગરની, ઝાઝા પરિચય વિનાની, કેવળ છપાયેલાં પાનાંની બાંધણી. ધારો કે કોઈ માણસ વિશે પહેલાં થોડુંક સાંભળ્યું હોય, એટલોક પરોક્ષ પરિચય થયો હોય, પછી રૂબરૂ મળવાનું થાય, એ તમારે ઘરે આવે – ત્યારે ઘડીક એને જોઈએ, એનો ચહેરો, એનો દેહ, બાહ્ય વ્યક્તિત્વ, ઘડીભર જોઈ લઈએ. પછી વાતચીત ચાલે, ને પાનાં ખૂલવા લાગે... પાનાં ખૂલવા લાગે એ પહેલાંની આ ચોપડી. મને થાય કે ચોપડી વાંચી લીધા પછી એનું આ પૂંઠું મને કેવું લાગશે? એનું એ જ, કે જુદું? એના કવરને હું જુદી રીતે જોઈશ, જુદી રીતે ‘વાંચીશ’? વાંચ્યા પહેલાંનો આ એક નાનકડો અનુભવ. કેટલાંકેટલાં પુસ્તકો, જિંદગીમાં ઘણાં વરસો દરમ્યાન વાંચ્યાં હોય છે – રસથી, જિજ્ઞાસાથી, ખૂબ ભૂખ્યા ડાંસ થઈને, ક્યારેક અલિપ્ત ભાવે, સમયનો એક નવરાશવાળો ખાલી અંશ ભરવા માટે. ક્યારેક તો શરૂઆતમાં પુસ્તક કંઈ બહુ જામ્યું ન હોય, થોડાંક પાનાં વાંચતાંવાંચતાં છોડી દઉં, છોડી દઉં થતું હોય, ને પછી અંદર સરકી જવાયું હોય; ક્યારેક વળી લેખકની પ્રસ્તાવનાનાં બેચાર વાક્યો પર ફરતાંફરતાં જ નજર ઝિલાઈ ગઈ હોય, પુસ્તકે પકડી લીધો હોય મને. ક્યારેક વર્ષો પછી એનું એ પુસ્તક ફરી વાર વાંચવા લીધું હોય, એનું એ ન લાગ્યું હોય, ત્યારે તો આમ ન વાંચેલું, એમ મનમાં થયાં કરે... હાલ મને એમ થાય છે કે આટલાં પુસ્તકો વાંચ્યા પછી, આ હું મને કેવો લાગું છું? પહેલાં લાગતો હતો એવો જ? જુદો? હવે એ તો ખબર કેવી રીતે પડે? કેમ કે નહોતું વાંચ્યું એ પહેલાં હું મને કેવો લાગતો હતો એ તો હાલ મને કશું જ યાદ આવતું નથી. એવું અનુમાન પણ, ખૂબ ખેંચીખેંચીને મથું છું તો પણ, કરી શકતો નથી. તો શું હું વાછંટાયેલો ચોપડી વાંચીને, પણ પલળેલો નહીં? ના, પલળેલો તો ખરો જ, કારણ કે ઘણીવાર પુસ્તકમાં ડૂબી ગયો છું, ને તરતોતરતો બહાર નીકળ્યો છું એ તો નક્કી જ છે. હમણાં તો એવું જ નક્કી કરું કે આ વરસાદ કેવો લાગે છે...

[‘આંગણું અને પરસાળ’,૨૦૨૧]