ગુજરાતી અંગત નિબંધો/પ્રીતિભોજન
પ્રીતિભોજન -- હિમાંશી શેલત
◼
ગુજરાતી અંગત નિબંધો • પ્રીતિભોજન – હિમાંશી શેલત • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ
◼
આદત પડી ગઈ છે. મને અને આ બધાંને. દિવસને પાંખ ફૂટે અને એની ઉડાન આરંભાય એ પહેલાં રોટલી-બિસ્કીટના ટુકડા કે ગાંઠિયા-મમરા, જે હોય તે, એક મોટી થાળીમાં સજાવી ઓટલે ગોઠવી દેવાનું. દસેક મિનિટમાં અમારી ખિસકોલી-કોલોનીમાં વાયુવેગે સમાચાર પ્રસરી જાય. લીમડા પરથી, બદામડી પરથી, પનરવા પરથી, આમથી, તેમથી, સહુ દોટ મૂકે ઓટલા તરફ. પણ સીધે રસ્તે ઓટલા પર આવી જવાનું એમને રોમાંચક નહીં લાગતું હોય એટલે પહેલાં અગાશીમાં ઉતરાણ થાય. ત્યાંથી મધુમાલતીમાર્ગ લેવાનો. એ અમળાતી મજબૂત વેલ પરથી સડસડાટ નીચે આવવાનું. આ કદાચ એમને શૉર્ટ-કટ લાગતો હોય એમ બની શકે. થાળીની આસપાસ પહેલી પંગતની પાંચ-છ ખિસકોલીઓ પસંદગીની કપરી પ્રક્રિયામાં પડી છે. એમને ય જીભના સ્વાદ હશે જ એવી માન્યતા સાથે ભોજનથાળનું વૈવિધ્ય સાચવ્યું છે. ચણા-શિંગ, ખીચડી-ભાત, તીખી-ગળી બુંદી કે ચીકીનો ભૂકો અનુકૂળતા મુજબ થાળમાં ધરાવાય છે. સહુને ગાંઠિયા સવિશેષ પ્રિય છે એમ અનુભવે ખબર પડી છે. તો આ ચંચળ, ચતુર-ચતુરા એમનાં નાનેરાં અને ઝાઝેરાં અજંપ બાળ સહિત બડા ખાનામાં પ્રવૃત્ત છે. સહુથી પહેલાં આ બધાં જ આવી જાય. ચકલીઓ અને કાબરો જરા વાર રહીને આવે. બુલબુલ આ સહુની સરખામણીમાં થોડું અતડું અને સંકોચશીલ જણાય છે. આવે ત્યારે ય લાંબો સમય વેલ પર હીંચતું રહે. ખાવામાં જાણે રસ જ નથી! પછી બીજાં જ્યારે ખાવામાં રોકાયાં હોય ત્યારે હળવેથી નીચે આવી ચાંચમાં એકાદ ટુકડો લઈ ઊડી જાય. ખિસકોલીઓ કાબરને ડરાવવા પેંતરા રચે છે. એનું કારણ સ્પષ્ટ છે. કાબરો ભારે ઝડપથી અને મોટા-મોટા કોળિયા ભરવામાં કાબેલ છે. ચકલીઓનો કોઈને વાંધો નથી. સાવ ધીમું અને ઓછું ચણે. કોઈ ખાઈ જશે તો આપણને નહીં મળે એવી આશંકાથી એ ફફડતી નથી. નિરાંતમાં આમતેમ ઠેકતી જાય અને ખાતી જાય. જમણ પતાવી દીધું હોય એવી ખિસકોલી ફરી મધુમાલતી-માર્ગે ઉપર જાય છે. માર્ગમાં એમને થોડી મોડી પડેલી એમની સખીઓ મળી જાય તો વળી એકાદ ક્ષણ ગપસપ ચાલે. ઓટલા પર આંટા મારતી કેટલીક નટખટ ચપલાઓ આમતેમ જોતી, બે પગે ગોઠવાઈને આગળના ટચૂકડા પગને હાથની જેમ ભેગા કરી મસળતી, ગુચ્છાદાર પૂંછડીને આકર્ષક વળાંક આપી માથે ફરકાવતી, એક અત્યંત રસિક દૃશ્ય ખડું કરે છે. ખાતી વેળા યે ડોકી આસપાસ ફરતી હોય અને એમ લાગે કે બધી માંહોમાંહે ગોઠડી માંડીને બેઠી છે! ભરેલું ભાણું કંઈ એકદમ સફાચટ થઈ જતું નથી. સિવાય કે જમનારાંઓમાં કાબરની સંખ્યા વધારે હોય. ચકલીઓ તો વળી પેટ ભરાયા પછી નહાવાની વેતરણમાં હોય છે. પડખે પડેલી નાનકડી પાણીની ઠીબમાં લાગ મળે એટલે ઝંપલાવે. કાંઠલા પર બેસીને જો ખિસકોલી પાણી પીતી હોય તો એ જતી રહે ત્યાં લગી રાહ જોવાની. પછી બાથટબમાં સ્નાનનું સોહામણું દૃશ્ય. પાણીમાં નમણી પાંખો ફફડે. ધૂળ સાફ થાય. તાજગી આવી જાય એટલે એ ચકલી ઠીબના કાંઠલેથી લાલિત્યભર્યો ઠમકો લઈ જળ બહાર આવે. ઓટલે પથરાયેલા એક તેજપટ્ટામાં ફરી પાંખો ફફડાવી સાવ ઝીણાં ઝીણાં બુંદ ઉડાડે. આ જલનર્તન જોઈને પ્રભાવિત થયેલી એક બીજી ચકલી પણ એની નકલ કરવા જાય છે. પાણીમાં પાંખો તો બરાબર ફફડાવી શકે છે. જ્યારે બહાર નીકળવાની ક્ષણ આવે છે ત્યારે પેલી ચકલી જેવી નજાકત નથી જાળવી શકતી. ભીનાં વસ્ત્રોવાળી કો ભારેખમ મહિલાની જેમ એ લફડફફડ બહાર આવે છે. સ્નાનનો આવો મહિમા બહુધા ચકલીઓમાં જ જણાયો છે. અન્ય પક્ષીઓ આવું કરતાં નથી. એમના કદ માટે ઠીબ નાની પડતી હશે એટલે? અને ખિસકોલીઓને તો પોતાની રૂંવાટી પલળે એ ગમતું જ નહીં હોય. ભગવાનના હાથે જેની પીઠ પસવારી છે એ તો કાયમ માટે ચોખ્ખી રહેવા સરજાઈ હશે એમ હશે ને! એ જરા દૂર રહીને ચકલીઓનું સ્નાન આશ્ચર્યથી જોયા કરે છે. બધાં પંખીઓને આ ભોજનમાં રસ નથી પડતો. એ ભેળાં થાય ત્યારે ય ખાય જ એવું નહીં. પણ જે અન્નમાં રસ ધરાવે છે નિયમિત આવે છે, અને એમનો સમય સાચવવો જરૂરી બને છે ક્વચિત કોઈ તાકીદનાં કામોમાં ડૂબી જવાથી ભાણું તૈયાર કરવામાં સહેજસાજ મોડું થાય તો દીવાલ પર અને આગલે ઓટલે એમની દોડધામ વધી જાય છે. એ દોડધામ અવાજવિહોણી ક્યાંથી હોય? ફરિયાદો કાને પડે એવી પ્રભાવક જ હોવાની. હાથને ઉતાવળ કરવાની ફરજ પડે, ભાણું ઝડપથી સજાવાય, ઓટલે ગોઠવાઈ જાય, તાજા પાણીની ઠીબ ભરાઈને બાજુમાં. આ સઘળું ચપોચપ થવું ઘટે, નહીં તો થોડાંક અધીરાં તો રસોડામાં ધસી આવે, ગભરાય નહીં. ઉજાણી જામે છે. કોઈ કોઈને ઓળખતું નથી અને તો યે પરિચયની ઉષ્મા સર્વત્ર છે. એમાંનું એકે ય જરૂરથી વધારે ખાતું નથી. છાંડવાનું તો આવડે જ ક્યાંથી? થાળી ચોખ્ખી થતી જાય છે. બપોર થતાંમાં ચોખ્ખીચણક, માંજીને મૂકી હોય હોય એવી. આવતી કાલે ય આ થાળી ભરેલી હશે એવો એમને ભરોસો હશે એટલે હશે આવો સલૂકાઈભર્યો વ્યવહાર? જે મળ્યું તે અંકે કરી લેવાનો લોભ એમને ફાવતો નથી અને આવડતો નથી એનું કોઈ કારણ તો હશે જ!
[‘એકડાની ચકલીઓ’,૨૦૦૪] ]