ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/અઠ્ઠાવીસ વર્ષની નિષ્ફળતાઓ


અઠ્ઠાવીસ વર્ષની નિષ્ફળતાઓ...
ઇન્દુ પુવાર

અઠ્ઠાવીસ વર્ષની નિષ્ફળતાઓ
પર
મારું અસ્તિત્વ લંગડી કૂદી રહ્યું છે.
લંગડીના ચિતરાઈ ચૂકેલા સાત કોઠાઓમાં
ગોપાઈ ગયેલ
સપ્તર્ષિની શોધ અહર્નિશ ચાલ્યા કરે છે.
સપ્તર્ષિ જેવું નામ મારું છે.
એવા ભ્રમોને અઠ્ઠાવીસ વર્ષથી પોષ્યા છે.
ઘરની લગોલગ આવી ગયેલી પેલી કબરો
કેટલાય દિવસથી મને ચાવી રહી છે
એ જોતો હું
પોકારો પાડું છું કે આવો તમે
મારી નિષ્ઠાઓ
મારી શ્રદ્ધાઓ
મારા વિશ્વાસો
મને તમારા આશ્લેષમાં સમાવી
ઢબૂરી દો ક્યાંક સાતમા પાતાળે
નહિતર હું ખરપાઈ જઈશ
હું જોઈ શકું છું
સાત કોઠાઓમાંથી કોઈ એક કોઠામાં
મારું મૃત્યુ ગૂંચવાઈને પડ્યું છે,
કોઠે કોઠે
કૈંક કેટલી દીવાલો મારી કબરો ખોદી રહી છે
અનેકાનેક કાર્યાઓ
મારી કબરો પર મૂકવા
રાતરાણીઓને ઉગાડી રહી છે
થોકબંધ કમળાઓની માળાઓના મણકાઓમાં
નિશ્વાસરૂપે હું સરકી રહ્યો છું
સૂકાઈ ગયેલી નદીઓનાં રણ વિસ્તરતાં
સાતે કોઠાઓમાં ઘૂમરાઈ વળ્યાં છે
મેં મારા સંબંધોને તો કાલે જ
સિનેમાની ટિકિટોમાં ફાડી નાખ્યા છે
વ્હિસ્કીના એકાદ-બે પેગમાં
પીવાઈ ગઈ છે મારી સભાનતા
ને તીનપત્તીના ઊભા કરેલા જગતમાં
મેં મારી જાતે ચીતર્યાં છે
એકદંડિયા મ્હેલ
એકદંડિયા મ્હેલમાં ચિતર્યા છે
લંગડીના સાત કોઠામાં
અઠ્ઠાવીસ વર્ષની નિષ્ફળતાઓ પર
મારું અસ્તિત્વ કૂદી રહ્યું છે લંગડી.