ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/અહીં(૨)


અહીં
પ્રબોધ પરીખ

અહીં બરફ પર ફૂલ છે મારા શોકના પડછાયાઓનું.
કાંઠાવિહોણા દોડે જતા સમુદ્રો
લિપિ વિનાનાં
ઊંડા
આ વરસોના જંગલમાં.
અજાણ્યા આકાશખંડોનાં ફળો
અહીં ઘોઘરા અવાજમાં નાશ પામ્યા છે તે.
અશક્ય ભૂગોળોની નસેામાં ગતિ,
લોહીમાં ગુફાઓના સ્મરણનો ભય,
દરેક શ્વાસોમાં ચરતું હોય મૃત્યુ
હવે આ હું કઈ તરફ ફરી રહ્યો છું?
દેશ મારો પથરાયો છે મારી હથેળીના પટ પર,
સ્મૃતિઓની જાજમ ઓળંગી છે મેં ઊડીને.
પાંખોમાં નશો સ્ટેશન પર ઊભા રહેલા છૂટા પડતા શબ્દોનો.
લીલા રંગનું નામ છે મારા મગજના કિલ્લાની આસપાસ આ શહેરમાં
મેં મારા હાથોથી તોડી છે આ પૃથ્વી.
ફર્યો છું સાતતાળી રમતાં અનેક મેઘધનુષી કૅલેન્ડરમાં.
અહીં દરિયામાં પથરાયેલી હોડીઓનું આવ્યું છે
મને અમાનુષી સ્વપ્ન
મારાં હાડકાંઓને
લોહી માંસ ચામડીને ઓળંગીને,
હવામાં અદૃશ્ય ફરતા ગર્ભ પાસે પાછા જવાનું.
કોઈ અરીસો છે નહિ,
કોઈ સંબંધ નહિ.
બારીમાં ફૂલો લોખંડની બેડીથી પત્તાં રમતાં બેઠાં છે.
ગળાફાંસો મારી નસનસમાં.
પિયાનોમાં ફેલાતો જતો દેહ કઈ તરફ, કયા રહેઠાણમાં, કઈ
બરફીલી સફેદ છાતીઓમાં?