zoom in zoom out toggle zoom 

< ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા

ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/પરિપક્વતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પરિપક્વતા
વિપિન પરીખ

હવે હું જીવનમાં બરોબર ગોઠવાઈ ગયો છું.
ડેલ કાર્નેગીએ સાચે જ સેાનાની કૂંચી આપી દીધી છે.
આપોઆપ બધે ખૂલતાં જાય છે દ્વાર.
હા, કોઈ માંદું પડે તો તરત જ પહોંચી જાઉં છું પાસે.
કોઈની વર્ષગાંઠ હોય ત્યારે ફૂલનો ગુચ્છો મોકલવાનું ભૂલતો નથી.
અને સારેમાઠે પ્રસંગે તાર કરવાનું પણ ચૂકતો નથી.

ઑફિસમાં બધા હસતા ચહેરા નિર્દોષ જ હોય
એમ માનું એવો બાળક રહ્યો નથી હવે.
પ્રત્યેકની એક કિંમત હોય છે એ સત્ય
નસેનસમાં લોહીની જેમ વહી રહ્યું છે.

યાદ આવે છે :
પહેલી વાર સ્મશાને ગયો તે પછી
કેટલીય રાત જંપીને સૂઈ ન શક્યો
પણ હવે તો
મને નનામી બાંધતાં પણ આવડી ગઈ છે.