ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/એક કવિતા પૂરી કરું છું કે


એક કવિતા પૂરી કરું છું કે
સંસ્કૃતિરાણી દેસાઈ

હું જેવી એક કવિતા પૂરી કરું છું કે
તે આખો આકાર લઈ ઊભી થઈ જાય
કાગળ ઉપરથી.

સ્વપ્નપરીની વાત કરું છું તો
તેનું આકર્ષક રૂપ લઈ
મોહક અદાથી ચાલવા માડે છે મારી સામે
આંખોથી ઇશારા કરતી.

મશ્કરા શબ્દોની વાત કરું છું તો
પાંચ સાતની ટોળી ઊભી થઈ
મારી સામે મશ્કરી અને ટીખળ કરવા માંડે છે
ને પછી બધા જ નીકળી પડે છે વિશાળ દુનિયામાં.

એક દિવસ મેં રાક્ષસની વાત કરી કવિતામાં
ને તે ધીમે ધીમે આકાર લેવા માંડ્યો.
એટલો બધો ભયાનક ચીતર્યો હતો કે
મને થયું જેવી હું તેને પૂર્ણ કરીશ કે
કૂદી પડશે મારા ઉપર જ.
હવે હું ગભરાઈશ, શું રસ્તો છે એનાથી બચવાનો?
ને મેં છેલ્લી પંક્તિ લખી જ નહીં,
પૂરી જ ન કરી કવિતા.
રાક્ષસ બિચારો હજી ઊભો છે
કાગળ સાથે પગ જકડાયેલો
છેલ્લી પંક્તિની રાહ જોતો.