ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/કવિ-બકાલને


કવિ-બકાલને
પવનકુમાર જૈન

પા કિલો ગુવારશીંગ
જોખતા હોવ તેમ
તમે શબ્દોને જોખો છો.
એમાં પાછી દાંડી મારો છો,
આંકડી ચડાવો છો,
બસો ગ્રામના કાટલા સાથે
પચાસ ગ્રામની અવેજીમાં
પથ્થર મૂકો છો,
અને કહો છો :
પચાસ ગ્રામ કરતાં
વધારે છે.

ભાઈ બકાલ,
પેલા ઝવેરીને જુઓ.
એની પાસે નાની,
નમણી ત્રાજૂડી છે.
એ વાલ ને રતીમાં તોળે છે.

જોખવા અને તોળવાનો
ફેર સમજો છો?
નથી સમજતા?

કવિ-બકાલ,
વાંધો નહીં,
તમતમારે પા-પા કિલો
ગુવારશીંગ જોખતા રહો.