ગુજરાતી એકાંકીસંપદા/અરણ્યરુદન
જગદીશ ત્રિવેદી
જાગીરદાર
પત્ની
પુરુષ
સ્રી
દૃશ્ય ૧
પુરુષઃ | સાંભળ્યું? |
સ્ત્રીઃ | હં. |
પુરુષઃ | શું કરે છે? |
સ્ત્રીઃ | … |
પુરુષઃ | તને કહું છું. |
સ્ત્રીઃ | હં… |
પુરુષઃ | ખાઈ લીધું? |
સ્ત્રીઃ | ના. |
પુરુષઃ | કેમ? |
સ્ત્રીઃ | ભૂખ નથી. |
પુરુષઃ | ભૂખ કેમ મરી ગઈ છે? (અટકી) તને પૂછું છું. |
સ્ત્રીઃ | સૂઈ જાવ હવે, રાત અડધી સૂઈ ગઈ છે. |
પુરુષઃ | તું તો જાગે છે. |
સ્ત્રીઃ | હમણાં સૂઈ જઈશ. |
પુરુષઃ | થોડુંક તો પેટમાં નાખ. |
સ્ત્રીઃ | મન નથી. |
પુરુષઃ | એક જ રોટી, એકાદ મરચું. |
સ્ત્રીઃ | આજ નહીં. |
પુરુષઃ | ક્યારે ખાઈશ? હું મરી જાઉં પછી? |
સ્ત્રીઃ | નાદુરપ્પા, એવું ન બોલ. |
પુરુષઃ | તું ખાઈ લે પછી ઊંઘી જઈશું બન્ને. |
સ્ત્રીઃ | તું ઊંઘી જા. મને ઊંઘ નથી આવતી. |
પુરુષઃ | નિમાસા ઊંઘી ગઈ? |
સ્ત્રીઃ | હા. |
પુરુષઃ | શું થયું છે તને? |
સ્ત્રીઃ | કાંઈ નહીં. |
પુરુષઃ | માલિકે, કાલ મજૂરીએ આવવાની ના પાડી? |
સ્ત્રીઃ | ના. |
પુરુષઃ | હમણાં ઉપાડ આપવાની ના પાડી? |
સ્ત્રીઃ | ના. |
પુરુષઃ | માલિકે બહુ ભૂંડી ગાળો કાઢી? |
સ્ત્રીઃ | ના. |
પુરુષઃ | તો મારી કે શું? |
સ્ત્રીઃ | ના. |
પુરુષઃ | ઘરમાં અનાજ ખૂટી ગયું? |
સ્ત્રીઃ | ના. |
પુરુષઃ | થાક લાગ્યો છે જીવતરનો? |
સ્ત્રીઃ | ના નાદુરપ્પા એવું ન બોલ. |
પુરુષઃ | તો પછી તું બોલ ને કાંઈક. |
સ્ત્રીઃ | તને સમજાશે? |
પુરુષઃ | જો તું સમજાવશે. |
સ્ત્રીઃ | તું સ્ત્રી બની શકીશ? |
પુરુષઃ | જો તું બનાવશે. |
સ્ત્રીઃ | તું મા બની શકીશ? |
પુરુષઃ | જો તું… |
સ્ત્રીઃ | ઈશ્વર બનવું સહેલું છે મા બનવા કરતાં. |
પુરુષઃ | હું કંઈ જ સમજતો નથી, શું વાત છે? |
સ્ત્રીઃ | નિમાસા… |
પુરુષઃ | સૂઈ ગઈ છે એ તો. |
સ્ત્રીઃ | મને ખબર છે. |
પુરુષઃ | તો |
સ્ત્રીઃ | હવે નાની નથી. |
પુરુષઃ | મતલબ? |
સ્ત્રીઃ | મોટી થઈ ગઈ છે. |
પુરુષઃ | શા પરથી? |
સ્ત્રીઃ | ગઈ કાલે નિમાસા… |
પુરુષઃ | બોલ શું થયું મારી દીકરીને? |
સ્ત્રીઃ | લૂગડે થઈ છે. |
પુરુષઃ | હવે? |
સ્ત્રીઃ | રિવાજ મુજબ ખર્ચ કરવો પડશે. પાંચ દી પૂરા થાય એટલે કેડ સમાણાં પાણીમાં માથાબૂડ નવડાવી સાવ નવાં લૂગડાં પહેરાવી માતાજીને પગે લગાડવા લઈ જવાની અને ત્યાં માતાજી બોલે એટલો ધર્માદો કરવાનો. |
પુરુષઃ | ઘરમાં રૂપિયા કેટલા છે? |
સ્ત્રીઃ | પૂરતા નથી. |
પુરુષઃ | રૂપિયાની ચિંતા તમને કોરી ખાય છે એમ જ ને? |
સ્ત્રીઃ | ચિંતા એકલી રૂપિયાની જ નથી, તેનાથી મોટી ચિંતા બીજી છે. |
પુરુષઃ | બીજી કઈ? |
સ્ત્રીઃ | નિમાસા હવે નાની નથી. |
પુરુષઃ | એ તો જાણ્યું ને. |
સ્ત્રીઃ | આજે માલિકે મને હવેલીએ બોલાવી’તી. |
પુરુષઃ | પછી |
સ્ત્રીઃ | ને કીધું કે દેણાંથી વહેલું છૂટવું હોય તો… |
પુરુષઃ | તો? |
સ્ત્રીઃ | કાલથી તારી બેટીને પણ કામ પર લઈ આવ. |
પુરુષઃ | બીજું? |
સ્ત્રીઃ | હવે એ નાની નથી અને કાચની પૂતળી નથી તે ટોડલે મુકાશે. |
પુરુષઃ | નિમાસાને ફાવશે? |
સ્ત્રીઃ | મારી સાથે નહીં. |
પુરુષઃ | તો? |
સ્ત્રીઃ | તબેલામાં કામ આપું એમ માલિકે કીધું. |
પુરુષઃ | તબેલામાં. |
સ્ત્રીઃ | હા ઘોડાને ઘાસ નાખવાનું, ઘોડાની લાદ વાળવાનું, ધૂળ નાખી ઘોડાનું મૂતર સૂકવવાનું કામ. |
પુરુષઃ | નિમાસાને ફાવશે? |
સ્ત્રીઃ | તું ગાંડો છે નાદુરપ્પા, જોકે તને નહીં સમજાય, કારણ તું પુરુષ છું. |
પુરુષઃ | શું વાત છે? |
સ્ત્રીઃ | હું નહીં જવા દઉં મારી દીકરીને. |
પુરુષઃ | તું વધુ પડતી લાગણીશીલ છે, દીકરી તો પારકી થાપણ, જેટલી ઝાઝી હૈયે લગાડીએ એટલું ઝાઝું દુઃખ થવાનું, તારે કે મારે ક્યાં એને ભણાવી-ગણાવી સાહેબ કરવી છે, એને ફાવે તો ભલે જતી કામે. |
સ્ત્રીઃ | એટલે તો મેં તને પહેલાં પૂછ્યું’તું કે તું સ્ત્રી બની શકીશ, મા બની શકીશ તો જ વાત કરું હું. સો વાતની એક વાત હું નહીં જવા દઉં. |
પુરુષઃ | બહુ સારું બસ, નથી જવા દેવી. |
સ્ત્રીઃ | કારણ નથી જાણવું? |
પુરુષઃ | બતાવ. |
સ્ત્રીઃ | માલિકના બાપુ પાસે મારી બા અઢીસો રૂપિયાના વ્યાજ તરીકે ગીરવે હતી. |
પુરુષઃ | પછી? |
સ્ત્રીઃ | આખો દિવસ ઢોરની પેઠે કાળી મજૂરી કરતી બિચારી, પણ દેણાનો તાગ નહીં. માલિકના બાપુએ એક વાર મારી બાને હવેલીએ બોલાવી અને કીધું કે દેણામાંથી વહેલું છૂટવું હોય તો કાલથી તારી બેટીને પણ કામ પર લઈ આવ. |
પુરુષઃ | પછી? |
સ્ત્રીઃ | હવે એ નાની નથી અને કાચની પૂતળી નથી તે ટોડલે મુકાશે. |
પુરુષઃ | પછી? |
સ્ત્રીઃ | માલિકના બાપુએ મને તબેલામાં કામ આપ્યું, ઘોડાને ઘાસ નાખવાનું, ઘોડાની લાદ વાળવાનું, ધૂળ નાખી ઘોડાનું મૂતર સૂકવવાનું કામ. |
પુરુષઃ | પછી |
સ્ત્રીઃ | એક સાંજે માલિકના બાપુ તબેલામાં આવી મને કહે ઘોડાની સેવા તો ખૂબ કરી. આજે સવારી કરી જો. મેં કીધું ઘોડા ઉપર બેસવાનું અમારી નાતનું કામ નહીં એમાંય હું રહી નારી જાત, તોય મને પરાણે બેસાડી પોતે પણ બેઠા, ઘડી-બે ઘડીમાં તો ઘોડો અમને બેયને ઉપાડી દોડવા લાગ્યો. ગામથી દૂર પેલા ડુંગરાની પાછળ. માલિક એડી ઉપર એડી મારતા ગયા, ઘોડો ગાંડોતૂર બની દોડતો ગયો, બીકની મારી હું મોત ભાળી ગઈ અને માલિકના ગળે વીંટળાઈ ગઈ, એક જગ્યાએ જઈ ઘોડો થંભી ગયો, હું ડઘાઈ ગયેલી નીચે ઊતરી, મેં આંખો ચોળી ઉપર જોયું તો ઘોડા ઉપર માલિકના બાપુ નહોતા. |
પુરુષઃ | તો? |
સ્ત્રીઃ | તેના ઉપર સવાર હતો વરુ, વાસના ઠાંસોઠાંસ ભરેલો વરુ, એક ગરીબ દેવાદાર અને ભોળી માની અણસમજુ છોકરી હું, કંઈ પણ સમજું કે વિચારું એ પહેલાં એ મારા પર તૂટી પડ્યો, અને એ નિર્જન વગડાની અંધારી એકલતાને ચીરીને ન તો હું ગામ સુધી પહોંચી શકી કે ન મારી ચીસ. હવસના કાળમીંઢ પથરાને અથડાઈ એક ગરીબ ઘરના ટોડલાની શોભા જેવી કાચની તૂટી ગઈ પૂતળી, ફૂટી ગઈ પૂતળી, હવે તું જ બોલ નાદુરપ્પા, આજ આપણી નિમાસાને તબેલામાં કામ આપવાની વાત થઈ છે મને ક્યાંથી ભૂખ લાગે? મન ક્યાંથી ઊંઘ આવે. |
(અંધકાર)
જાગીરદારઃ | સાંભળ્યું? |
પત્નીઃ | હં… |
જાગીરદારઃ | શું કરે છે? |
પત્નીઃ | … |
જાગીરદારઃ | તને કહું છું. |
પત્નીઃ | હં… |
જાગીરદારઃ | જમી લીધું? |
પત્નીઃ | ના |
જાગીરદારઃ | કેમ? |
પત્નીઃ | ભૂખ નથી. |
જાગીરદારઃ | ભૂખ કેમ મરી ગઈ? (અટકી) તને પૂછું છું. |
પત્નીઃ | સૂઈ જાવ હવે, રાત અડધી સૂઈ ગઈ છે. |
જાગીરદારઃ | તું તો જાગે છે. |
પત્નીઃ | હમણાં સૂઈ જઈશ. |
જાગીરદારઃ | થોડુંક તો પેટમાં નાખ. |
પત્નીઃ | મન નથી. |
જાગીરદારઃ | આજ વધુ એક વખત તારી ખાલી ગોદનો ભાર નથી ઊપડતો કે શું? |
પત્નીઃ | ના. |
જાગીરદારઃ | અત્યારે છે એનાથી પણ વધુ નોકરો જોઈએ છે તારે, વધુ ઘોડાઓ, વધુ જમીન, વધુ રૂપિયા જોઈએ છે તારે? |
પત્નીઃ | સૂઈ જાવ હવે. |
જાગીરદારઃ | એ મારા સવાલનો જવાબ નથી. |
પત્નીઃ | મારી પાસે તમારા એક પણ સવાલનો જવાબ નથી. |
જાગીરદારઃ | તો આમ જાગવાનો મતલબ. |
પત્નીઃ | મને તમારી ચિંતા સતાવે છે નાથ. |
જાગીરદારઃ | મારી, મારી ચિંતા, અરે શું થયું છે મને, મારા નખમાં પણ રોગ નથી અને કોણ દુશ્મન છે મારું? આજ આખું નગર એક અવાજે મારી હામાં હા અને નામાં નાનો સૂર પુરાવે છે, રજવાડાઓ હતા ત્યારનો કોઈ રાજવી પણ નહિ ભોગવતો હોય એવું સુખ અત્યારે તારો પતિ ભોગવી રહ્યો છે, અને તમને મારી ચિંતા સતાવે છે? |
પત્નીઃ | તમારી સુખને ભોગવાની વાત જ મારા દુઃખનું કારણ છે અને તમે જેને સુખ સમજી ભોગવી રહ્યા છો અને તમારી જાતને સૌથી સુખી સમજી રહ્યા છો એ જ તમારી ભ્રમણા છે, અને એ ભ્રમણામાં ભાન ભૂલેલા તમે… |
જાગીરદારઃ | બંધ કર તારી આ બધી જ્ઞાનની વાતો… અને… |
પત્નીઃ | અને મૂંગા મોઢે વળગી પડું તમને, તમે કામોત્તેજિત થઈ જાવ એવા નખરા કરું અને અડધી રાતે આછા અજવાળે અર્ધનગ્ન આપણે શરીરસુખ માણીએ અને શાંત કરીએ પરસ્પરના કામાગ્નિને એમ જ ને? |
જાગીરદારઃ | હા… હા… તમે જ. |
પત્નીઃ | એ જ તો તમારી ભ્રમણા છે, જાતીય સંબંધનો ઉદ્દેશ સંતાનપ્રાપ્તિ હોઈ શકે મનોરંજન નહીં. |
જાગીરદારઃ | જાતીય સંબંધનો ઉદ્દેશ સંતાનપ્રાપ્તિ હોઈ શકે એ આપી શકી છે તું મને? એક દશકો વીતી ગયો આપણા લગ્નને, મારે સંતાન જોઈએ છે, મારી જાગીરનો જવાંમર્દ વારસ, મારા નામનો સાચો ઉત્તરાધિકારી જોઈએ છે મારે. શરીરસુખ પ્રત્યેની મારી ઇચ્છાના અતિરેક પાછળ સંતાનપ્રાપ્તિની મહેચ્છા જ કારણભૂત છે. |
પત્નીઃ | એમ? |
જાગીરદારઃ | હા… એમ જ. |
પત્નીઃ | તમારી વસાહતમાં મજૂરી કરતી ગરીબ ઘરની સ્ત્રીઓ અને છોકરીઓને તમે ક્યારેક રાજીખુશીથી, ક્યારેક લાલચ આપીને તો ક્યારેક બળજબરીથી તમારી વાસનાનો શિકાર બનાવો છો એટલા માટે જે મારી કૂખે બાળક અવતરે. |
જાગીરદારઃ | ચૂપ મર કહું છું. |
પત્નીઃ | શરાબના નશામાં ચકચૂર તમે નારીનું નગ્ન નૃત્ય જુઓ છો અને પછી રૂપિયાની પથારીમાં એક લાચાર સ્ત્રીના શરીરને સવાર સુધી ભૂખ્યા થયેલા ગીધની માફક ચૂંથો છો એટલા માટે કે મારી કૂખે બાળક અવતરે? |
જાગીરદારઃ | ખામોશ. |
પત્નીઃ | અરે આ બધું તો કંઈ જ નથી, એક જ ક્ષણમાં અનેક વખત મરી જઉં છું. જે ક્ષણે મને યાદ આવે છે કે હું એવા પુરુષની પત્ની છું કે જે પુરુષ બળજબરીથી માતાજીનું મહોરું પહેરાવાયેલી ગરીબ ગભરુ કન્યાને ધાર્મિક વૃત્તિના ઓઠા નીચે સંભોગે છે. આ બુદ્ધિ વગરના તમારા પુરુષપ્રધાન સમાજે, આ ઘેટાના ટોળા જેવા ગાડરિયા પ્રવાહે કરી મૂકેલા રિવાજને વશ થઈ એક માસૂમ માતાજીની મારા ઘરે પધરામણી થાય, રાતવાસો થાય, તમારી અદની મેલી મુરાદને ધાર્મિકતાનો સ્વચ્છ અંચળો ઓઢાડી રાતભર તમે કુમળી કળી જેવી કિશોરીને ભોગવતા રહો અને તે રાત્રીએ હું બહાર સૂતી સૂતી, મારા શયનખંડમાંથી આવતા ઊંહકારના અવાજોને સૂર્યોદય સુધી સાંભળતી રહું અને સતીઓના દેશની એક ગરીબ છોકરી લંપટ સમાજ અને હવસખોર હેવાનોએ પરાણે પહેરાવાયેલા માતાજીના મહોરા પાછળ રહેલા પોતાના મૂળભૂત ચહેરાથી રડતી રહે રાતભર, કણસતી રહે રાતભર, ને બીજે દિવસે તમારો નફ્ફટ અને નાગો સમાજ તમારા હાથે થયેલા ધાર્મિક કાર્યની પ્રશંસા કરતો રહે. |
જાગીરદારઃ | તું પાગલ થઈ ગઈ છું, તું મારી લાગણીને સમજવાની કોશિશ તો કરી જો, મારી આ હવેલી, આ જમીન, આ મિલકત, મારો માન, મોભો અને મર્યાદા, મારે આ તમામનો એક વારસ જોઈએ છે, કાલ સવારે મને કંઈ થઈ ગયું તો આ નગરમાં જિવાતી મારી ભવ્ય જિંદગીનો વારસ કોણ? |
પત્નીઃ | સાચું કહો છો તમે, દરેક માણસને પોતાનો વારસ જોઈએ છે, જુલ્મ કરવાવાળાને જુલ્મ કરી શકે તેવો, અને જુલ્મ સહવાવાળાને જુલ્મ સહી શકે તેવો. |
જાગીરદારઃ | હા… હા… મારે વારસ જોઈએ છે, જુલ્મ સહન કરનારી આ પ્રજા પર ક્રૂરતાથી જુલ્મ કરી શકે તેવો વારસ, તારી પોતાની કૂખેથી જન્મેલું આ જુલ્મી માણસનું જુલ્મી ફરજંદ, અને તું જેને ધાર્મિક કાર્ય નહીં પણ મારી ચારિત્ર્યહીનતા ગણે છે. એ આ નગરના વિદ્વાન પંડિતોનો આદેશ છે અને આ વાત તું કાન ખોલીને સાંભળી લે કે નગરના પવિત્ર બ્રાહ્મણોએ મને ફળાદેશ આપ્યો છે કે સાત અલગ અલગ માતાજીના આપણા આવાસમાં એક એક રાત્રીના રોકાણથી તને પુત્રપ્રાપ્તિ થશે અને એ રીતે આપણને મળેલું બાળક ઈશ્વરનું વરદાન હશે. |
પત્નીઃ | કેટલા કામાંધ, કેટલા નિષ્ઠુર હોવાની સાથે કેટલા મૂર્ખ પણ છો તમે? તમારા મુખેથી ઈશ્વર શબ્દનો ઉચ્ચાર કરી ઈશ્વરના નામને આભડછેટ ન લગાડશો અને તમને આવું દુષ્કૃત્ય કરવાનો આદેશ આપનારા તમારા વિદ્વાનો પણ કોઈ ધર્મના ઓઠા નીચે થઈ ગયેલા સંભોગની પેદાશ હશે. (થપ્પડ) |
જાગીરદારઃ | તું શું બોલે છે એનું ભાન છે તને? |
પત્નીઃ | હું તો ભાન ગુમાવી ચૂકી છું, પરંતુ ભાનમાં રહેલા તમને પૂછી શકું કે આપણા પ્રદેશમાં તો છ જ માતાજી હયાત છે, માત્ર છ જ ગરીબ ઘરના આંગણાની શોભાને લૂંટી શક્યો છે તમારો ધર્મ, તમારે ત્યાં પધરામણી કરાવવા સાતમી ગરીબ કન્યા ક્યાંથી લાવશો? |
જાગીરદારઃ | જરૂર પડે તો વધુ એક કન્યાને માતાજી બનાવાશે, ધામધૂમથી એના સંન્યાસગમનની ઉજવણી કરાશે, ભૂખ્યાને ભોજન અને નાગાને કપડાં અપાશે. |
પત્નીઃ | અને કન્યાનાં માબાપને? |
જાગીરદારઃ | જે અપાય છે એ જ, રિવાજ મુજબ વીસ હજાર રૂપિયા અને ઉપર જમીન પણ… |
પત્નીઃ | એક ટુકડો જમીન અને વીસ હજાર રૂપિયા આપી કોઈના હૃદયનો ધબકાર છીનવી લેશે તમારો ધર્મ, ગુમસૂમ ગુલશનની એક ગરીબ ડાળખી પરનું પુનિત પુષ્પ તમે બળજબરીથી ચૂંટી પ્રભુનાં ચરણમાં અર્ઘ્ય આપવાના બહાના નીચે લઈ જશો તમારા શયનખંડના ઢોલિયા ઉપર અને સૂર્યના અંતિમ કિરણથી સૂર્યના પહેલા કિરણ સુધી તમારા હવસના હુતાશનમાં શેકાશે એક માસૂમ જિસમ, સવાર સુધી તમે ગાંડાતૂર થઈ ભોગવેલી આનંદની એકએક પળમાં અનેક વખત મરશે એ સમાજથી શોષાયેલી, ધર્માત્માઓના દેશની એક ધર્મગ્રસ્ત અબળા, આ રીતે કદાચ મારી કૂખે બાળક અવતરવાનું હો તો પણ હું મા બનવાનું પસંદ ન કરું, યાદ રાખજો તમારી મેલી મુરાદ હું બર નહીં આવવા દઉં. |
(અંધકાર)
જાગીરદારઃ | એકલી કામે આવી છો? |
સ્ત્રીઃ | હા માલિક. |
જાગીરદારઃ | દેણું ભરપાઈ નથી કરવું એમ? |
સ્ત્રીઃ | એવું ક્યારે કીધું માલિક? એક એક પાઈ ભરી આપવી છે મારે. |
જાગીરદારઃ | ક્યારે, હું મરી જાઉં પછી? |
સ્ત્રીઃ | એવું ન બોલો, તમે તો અમારા અન્નદાતા છો. તમે ન હોય તો પછી અમારા જેવા બાળોતિયાના બળેલાનું કોણ? |
જાગીરદારઃ | તો પછી કેમ એકલી કામે આવી છો? શું નામ તારી છોકરીનું? |
સ્ત્રીઃ | નિમાસા માલિક. |
જાગીરદારઃ | હા… એ જ, એને કામ પર લાવવાનો હુકમ હતો મારો, કેમ ન લાવી? |
સ્ત્રીઃ | મારી દીકરી હજુ નાની છે માલિક, રમતમાં જીવ છે હજુ. |
જાગીરદારઃ | નાની છે? પાણી ભરવા જાય છે? |
સ્ત્રીઃ | હા માલિક. |
જાગીરદારઃ | હાંડો લઈને જાય છે કે હેલ? |
સ્ત્રીઃ | હેલ માલિક. |
જાગીરદારઃ | આખું બેડું માથે ઉપાડી લે છે? |
સ્ત્રીઃ | હા માલિક. |
જાગીરદારઃ | તો હવે નાની ન કહેવાય, કાલથી કામ પર લઈ આવજે અને સાંભળ, ઘોડાના તબેલામાં કાંઈ ભારે કામ નથી. |
સ્ત્રીઃ | મને ખબર છે માલિક. |
જાગીરદારઃ | શું ખબર છે તને? |
સ્ત્રીઃ | એ જ કે ઘોડાના તબેલામાં ભારે કામ નથી. |
જાગીરદારઃ | તેં ક્યારે જોયો તબેલો? |
સ્ત્રીઃ | ઘણું થયું જોયાને, એ વખતે હું નાની, માથે પાણીનું બેડું માંડ ઉપાડી શકું એટલી નાની, ત્યારે તમારા બાપુએ મને તબેલામાં હલકું કામ જ કરાવેલું ત્યારથી મને ખબર છે કે તબેલામાં કોઈ ભારે કામ નથી. |
જાગીરદારઃ | ચૂપ કર રાંડ, મારો હુકમ એટલે હુકમ. |
સ્ત્રીઃ | એ નહિ આવે. |
જાગીરદારઃ | શું કીધું? |
સ્ત્રીઃ | નિમાસા કામ પર નહીં આવે. |
જાગીરદારઃ | એમ? તો પછી માંકડને આંખો આવી ગઈ, ખરું ને? મને લાગે છે કે તું એમ નહીં આવે, મારે નગરના ચોકમાં તમામ નગરજનોને બોલાવવા જ પડશે. |
સ્ત્રીઃ | શું કરશો બધાને ભેગા કરીને? એ જ કહેશો ને કે આ બે ટકાની બાયડી મારા દેણામાં હોવા છતાં મારા કીધામાં નથી, હદ પાર કરવી પડશે એમ કહેશો તમે, વધુમાં વધુ અમને ત્રણેયને ગામ મુકાવશો એટલું જ ને? |
જાગીરદારઃ | ત્યાં જ તારી ભૂલ થાય છે ભડવી, હું એટલા માટે નહીં બોલાવું બધાને, તે દિવસે ઊંચા આસને બેસી હશે નગરની સુખી પ્રજા અને મોઢું વકાસી નીચે બેઠી હશે – અમારા ટુકડા પર નભતી નગરની પાંગળી અને કંગાળ પ્રજા, અને વચ્ચે બેઠા હશે વિદ્વાન પંડિતો, પછી હું સભામધ્યે ઊભો થઈને જાહેરાત કરીશ. |
સાંભળો પ્રજાજનો, જ્યાં સુધી મારી વાત પૂરી ન થાય કોઈ સહેજ પણ અવાજ નહીં કરે, આજકાલ કરતાં બીજું ચોમાસું પણ પૂરું થવા આવ્યું પણ વરસાદનો એક છાંટો પણ નથી, પણ ક્યાંથી હોય? આ નગરમાં પાપનો ભાર વધી ગયો છે કારણ હું અને તમે સૌ ઈશ્વરને ભૂલી ગયા છીએ, જો આ નગરમાં પાપનો નાશ અને પુણ્યવૃદ્ધિ કરવી હોય, વરસાદ લાવવો હોય, પાક સારો ઉગાડવો હોય અને તમારે ગરીબોને ગરીબીની રેખાથી ઉપર આવવું હોય તો બધાએ સાથે મળી કોઈ ધાર્મિક કાર્ય કરવું જ પડશે, બોલો મંજુર? |
અવાજઃ | મંજૂર, માલિક મંજૂર. |
જાગીરદારઃ | તો સાંભળો, નાદુરપ્પાની નિમાસા બહુ ધાર્મિક છોકરી છે. ઈશ્વરને પામવાની મસ્તી લાગી ગઈ છે એને, ભણવામાં હોશિયાર, રૂપરૂપનો અંબાર અને પાછી ધાર્મિક વૃત્તિની, ચીંથરે વીંટેલું રતન છે રતન, આપણને કોઈને કદર નથી. આ નગરને ફરીથી સુખની છોળોમાં રમતું કરવું હશે તો આપણે સૌએ સાથે મળી નાદુરપ્પાની નિમાસાને માતાજી તરીકે માનવી જ પડશે, આ વિદ્વાન બ્રાહ્મણોની આજ્ઞા અને મારો તમને હુકમ ગણો તો હુકમ અને વિનંતી ગણો તો વિનંતી, બોલો મંજૂર? |
અવાજઃ | મંજૂર, માલિક મંજૂર. |
જાગીરદારઃ | મને ખબર જ હતી, મારો મત એ જ લોકમત હશે, તો પછી ધરમના કામમાં ઢીલ શું? જાવ વગડાવો ઢોલ અને પીટો ઢંઢેરો. |
સ્ત્રીઃ | નહીં… (અંધકાર) |
(નેપથ્યથી ઢંઢેરો): સાંભળો નગરજનો સાંભળો, આવતા મહિનાની અજવાળી આઠમે, આપણા નગરના પવિત્ર પુરુષ નાદુરપ્પાની નિમાસા નામની પુત્રી, પરમાત્મા તરફથી પ્રજાજનોને મળલી એક પવિત્ર ભેટ હોઈ પોતાનું માતાજી તરીકેનું નવું જીવન શરૂ કરનાર છે. દુઃખિયાના બેલી, ગરીબોના અન્નદાતા, નગરના સૌથી મોટા જાગીરદાર મિરકામ્સુને ત્યાં માતાજીની પ્રથમ પધરામણી કરવામાં આવશે. પધરામણીનો શુભાશય માલકિનસાહેબાની કૂખે બાળક અવતરે તેવો છે. સાદ સાંભળજો.
પુરુષઃ | શું કરે છે? |
સ્ત્રીઃ | જીવું છું. |
પુરુષઃ | ઊંઘ નથી આવતી? |
સ્ત્રીઃ | ક્યાંથી આવે? |
પુરુષઃ | શું કરીશું? |
સ્ત્રીઃ | ચાલ ને હું, તું અને નિમાસા… |
પુરુષઃ | ગામ છોડીને ભાગી જઈએ એમ જ ને? |
સ્ત્રીઃ | સીસ… ધીમે બોલ, હા ભાગી જઈએ ચાલો, કોઈને ખબર નહીં પડે. |
પુરુષઃ | પછી? |
સ્ત્રીઃ | જતા રહીએ આઘે ને આઘે એવા કોઈ નગરમાં જ્યાં રૈયતના લોહીનો તરસ્યો રાજા ન હોય, અને રાજાને રાજી રાખવા હામાં હા રાખતી રૈયત ન હોય. |
પુરુષઃ | ગાંડી થઈ ગઈ છે તું, તું કે છે એવું નગર હવે એક પણ નથી બચ્યું, અને કદાચ એવું નગર મળી જાય તોપણ એ અજાણ્યા નગરમાં મારા જેવા માંદલા અને બેકાર ધણીને તથા યુવાનીના ઉંબરે પગલું માંડતી દીકરીને લઈ જઈને તું ક્યાં રાખીશ? ઓરડીની ઓથે પણ તું કે હું નિમાસાના શરીરને સંતાડી શક્યાં નથી તો ત્યાં આવી ઓરડીની ઓથ પણ નહીં મળે. |
સ્ત્રીઃ | હું કાંઈ પણ કરીશ, નાદુરપ્પા પણ કોઈ પણ ભોગે હું મારી કુમળી નિમાસાને… (બહાર કોલાહલ. સ્ત્રી બહાર જાય) |
પુરુષઃ | આટલો બધો શાનો કોલાહલ છે? શું થયું? નિમાસા… જો તો બહાર… |
સ્ત્રીઃ | (દોડતી આવી) સાંભળ્યું તમે? માલકિનસાહેબાએ આત્મહત્યા કરી લીધી. હવે મારી નિમાસા બચી જશે, જ્યાં છોકરું જણવાવાળી જ નથી રહી તો પછી નિમાસાને માતાજી બનાવીને શું કરશે માલિક? અંતે ઈશ્વરે આપણી સામે જોયું તો ખરું, તે કેટલો દયાળુ છે, કાન માંડીને સાંભળજે નાદુરપ્પા, હમણાં જ ઢોલ પર પડશે દાંડી અને પિટાશે નગરઢંઢેરો, પણ ઢંઢેરાની વાત બદલાઈ જશે. |
જાગીરદારઃ | (પ્રવેશી) તું કાન માંડીને સાંભળજે નાદુરપ્પા, હમણાં જ ઢોલ પર પડશે દાંડી અને પિટાશે નગરઢંઢેરો પણ ઢંઢેરાની વાત બદલાઈ જશે, એમ જ થશે, તું માને છે એમ જ થશે, હવે જ્યાં છોકરું જણવાવાળી જ નથી રહી તો ઢંઢેરાની વાત તો બદલાઈ જશે ને?
પણ કાન ખોલીને સાંભળી લે. મારા બાપની રખાત, એમ હાર સ્વીકારી લેવાનું મારા લોહીમાં નથી, છોકરું જણવાવાળી મરી ગઈ તો શું થયું? છોકરું પેદા કરવાની ભારોભાર ઇચ્છા ભરેલો આ પુરુષ તો જીવે છે ને હજુ? અને હું નથી મર્યો તો મારી ઇચ્છાઓ ક્યાંથી મરે? અને જો ઇચ્છા નથી મરી તો મારી મૃત પત્નીના આત્મા પ્રત્યેનો મારો આદર ક્યાંથી મરે? |
નેપથ્યથી ઢંઢેરોઃ | સાંભળો નગરજનો સાંભળો, આવતા મહિનાની અજવાળી આઠમે આપણા નગરના પવિત્ર પુરુષ નાદુરપ્પાની નિમાસા નામની પુત્રી પરમાત્મા તરફથી પ્રજાજનોને મળેલ એક પવિત્ર ભેટ હોઈ પોતાનું માતાજી તરીકેનું નવું જીવન શરૂ કરનાર છે.
દુઃખિયાના બેલી, ગરીબોના અન્નદાતા, નગરના સૌથી જાગીરદાર મિરકામ્સુને ત્યાં માતાજીની પ્રથમ પધરામણી કરવામાં આવશે. પધરામણીનો શુભાશય માલકિનસાહેબાના આત્માને મોક્ષ મળે તેવો છે, સાદ સાંભળજો. |
(સફળ એકાંકીઓ)