ગુજરાતી કવિતાનો આસ્વાદ/તણખલું


તણખલું

સુરેશ જોષી

ગીચ રસ્તા – (સાંભળ્યો છે આ જ કોલાહલ ક્યહીં!)
– પર
માણસો મોટર સહિત સરતાં ઝપાટાબંધ
(જાણે દેવ સૌ ફરતા વિજયમાં અંધ!)

અહીં આ ગીચ રસ્તા પર
(કશું કૌતક!)
ચળકતું તણખલું ( બે ઇંચ બસ!)
બે ધારવાળું, તીક્ષ્ણ, અણિયાળું.

સૂસવતો માતરિશ્વા (બ્યૂક મોટરનો ઝપાટો)
ને ઉપર સળગે સૂરજ
(અંગાર જાણે રાજ્યસત્તાનો બળે!),
ડામર બધો રે ખદબદે છે તાપમાં;

તોયે તણખલું આ
નહીં ચસકે, નહીં સળગે, નહીં પીગળે!
(અજબ આ દૃશ્ય!… શું હું ઊંઘતો?
ના … ના.) દબાતાં ડગ ભરી
રખડુ કવિ, હું તણખલાને હાથમાં લેતો,
હથેળીમાં ધરી, જ્યાં શોચતો હું (ઇંદ્ર સરખો)
ત્યાં હૃદય ને મન વચોવચ કોઈ સંધ્યા –
(સ્વર બધા રણકે છ!) ધીમે શબ્દ ત્રણ કહી જાય છે:
‘આ સત્ય છે.’
(બે – ધારવાળું – તીક્ષ્ણ – નાનું તણખલું?)
આ સત્ય છે.
ગીચ રસ્તા પર ફરી મૂકી દઉં છું તણખલું.
– હસમુખ પાઠક (નમેલી સાંજ)

કાવ્યનું શીર્ષક ‘તણખલું’ છે. એમ તો ‘ચુસાયેલો ગોટલો’ અને ‘જાજરૂની માખી’ના પર ક્યાં કવિતા નથી લખાઈ? પણ એ કાવ્યમાં ગોટલાનું નામ લઈને આંબો>મંજરી>વસન્ત એમ કવિ ગોટલાથી ઠીક ઠીક દૂર ભાગી ગયા હતા. અહીં ‘તણખલું’ જ કેન્દ્રમાં છે એ વિશે શંકા નથી. એ તણખલાની મદદથી કવિ કેનોપનિષદ્માંનું પેલું બીજું તણખલું ખેંચી લાવે છે. ‘ખેંચી લાવે છે’ એમ હું જાણી જોઈને કહું છું. કવિએ જ એ બે તણખલાંને ભેગાં કર્યાર્ં છે; ને તમે કેનોપનિષદ્ના તણખલાને આ તણખલા સાથે નહીં મૂકો તો, મોટર સહિત ઝપાટાબંધ સરતાં માણસો, તે ‘જાણે દેવ સૌ ફરતા વિજયમાં અંધ!’ એમ કવિ કહે કે ‘સૂસવતો માતરિશ્વા’ તે ‘બ્યૂક મોટરનો ઝપાટો’ એવી ઉત્પ્રેક્ષા (!) યોજે તે બેહૂદું જ લાગે.

કેનોપનિષદ્નો સન્દર્ભ સંક્ષેપમાં જાણી લઈએ: અસુરોને હરાવ્યા પછી દેવોને ગર્વ થયો. આ ગર્વ ઉતારવા બહ્મે યક્ષ રૂપે પ્રગટ થઈને ‘આ યક્ષ કોણ છે?’ એવું કુતૂહલ દેવોમાં ઉપજાવ્યું. આ કુતૂહલની પાછળ અજ્ઞાનજન્ય ભય પણ હતો (તદજાનન્તો દેવા: સાન્તર્ભયા:). આથી જે કાંઈ જન્મે છે તેને જાણનાર સર્વજ્ઞકલ્પ જાતવેદા અગ્નિને એ જાણી લાવવાનું સોંપ્યું. યક્ષે એને પૂછ્યું: ‘તું કોણ છે?’ આ પ્રશ્ન પૂછીને યક્ષે અગ્નિ પાસે એનું જાતવેદાપણું કબૂલ કરાવ્યું. અગ્નિએ ભારે નિશ્ચયપૂર્વક કહ્યું: ‘હું અગ્નિ છું, હું જાતવેદા છું.’ પછી ‘તારું સામર્થ્ય શું છે?’ એમ પૂછીને અગ્નિને મોઢે જ એના સામર્થ્યની બડાશ પણ ઉચ્ચારાવી: ‘આ પૃથ્વીમાં જે કાંઈ છે તેને હું બાળી નાખી શકું છું.’ આ બડાશ સાંભળી લીધા પછી યક્ષે અગ્નિ આગળ તણખલું મૂકીને કહ્યું: ‘આ સળગાવ જોઉં,’ અગ્નિએ પોતાની બધી શક્તિ વાપરીને એને બાળવાનો પ્રયત્ન કર્યો પણ એ તણખલું બળ્યું નહિ. આમ અગ્નિ પાછો ફર્યો. વાયુની પણ એવી જ દશા થઈ. ઉપનિષદ્કારે અગ્નિને માટે જાતવેદા, વાયુને માટે માતરિશ્વા (માતરિશ્વયતીતિ – અન્તરિક્ષમાં વિહરનાર) શબ્દો હેતુપૂર્વક જ વાપર્યા છે. ઇન્દ્ર તો દેવોનો દેવ હોઈ સૌથી અભિમાની છે, એટલે યક્ષે એને ‘હું ઇન્દ્ર છું’ એવું અભિમાનપૂર્વક બોલવાની તક આપવાનું પણ ઉચિત ન ધાર્યું, ને એની સાથે સંવાદ કર્યા વિના અન્તર્ધાન થઈ જવાનું જ યોગ્ય ગણ્યું. એની આગળ બહુશોભમાના ઉમા હૈમવતી પ્રગટ થઈ (આ ઉમા એટલે શોભનતમા વિદ્યા, ઈશ્વર સાથે રહેતાં હોવાથી એને જાણનાર પાર્વતી). એને ઇન્દ્રે ‘આ યક્ષ કોણ છે?’ એમ પૂછ્યું ત્યારે ઉમાએ એના જવાબમાં કહ્યું: ‘એ બ્રહ્મ છે.’ આમ બ્રહ્મે દેવોનું અભિમાન ઉતાર્યું.

આપણા કવિએ થોડો ફેરફાર કર્યો છે તે સ્પષ્ટ થશે. અહીં કોઈ ‘યક્ષ’ નથી, તણખલું જ છે; અહીં પેલી ‘બહુશોભમાના ઉમા હૈમવતી’ પણ નથી; અહીં ‘યક્ષ બ્રહ્મ છે’ ને બદલે કવિનાં ‘હૃદય ને મન વચોવચ’ કોઈ ત્રણ શબ્દ કહી જાય છે: ‘આ સત્ય છે.’ એ પછી કવિ પ્રશ્ન કરે છે: ‘બે ધારવાળું – તીક્ષ્ણ – નાનું તણખલું?’ – આ તણખલું જ સત્ય? પછી એને સ્વીકારી લઈને કહે છે: ‘આ સત્ય છે.’ પછી એ તણખલાને જ્યાં હતું ત્યાં, ગીચ રસ્તા પર મૂકી દે છે.

તો અહીં બ્રહ્મની વાત નથી, સત્યની વાત છે ને તણખલું તે સત્ય છે – ચારે બાજુથી ગીચ રસ્તા પરની સૃષ્ટિ – વિજયમાં અન્ધ દેવોની જેમ મોટર સહિત ઝપાટાબંધ સરતા માણસો, સૂસવતા માતરિશ્વાના જેવો બ્યૂક મોટરનો ઝપાટો ને રાજ્યસત્તાના અંગાર જેવો સૂર્ય – સત્ય નથી, એટલે કે અસત્ય છે, મિથ્યા છે; સત્ય છે કેવળ આ તણખલું. કારણ? કારણ કે એ ‘નહીં ચસકે, નહીં સળગે, નહીં પીગળે!’ એ અવ્યય છે, અવિકારી છે. અવ્યય, અવિકારી થવું હોય તો તણખલું બનવું અથવા તણખલું જ આ દુનિયામાં અવ્યય ને અવિકારી રહી શકે એમ ‘કેન્દ્રવર્તી વિચાર’ શોધનાર વિદ્યાર્થી તમને કહેશે. રાજકારણમાં રસ લેતા એક મુરબ્બીએ એવો પણ અર્થ કાઢ્યો (આ ‘અર્થ’ ગમે ત્યાંથી કાઢી ઉલેચી શકાય તેવી ચીજ છે, તમારી પાસે તરકીબનું દોરડું કેટલું લાંબું છે?) કે આ તણખલું તે વ્યક્તિ. રાજતન્ત્ર ગમે તેટલું અટપટું રચો, એમાં વ્યક્તિને ગમે તેટલી નગણ્ય બનાવીને ભૂંસી નાખવા મથો પણ આખરે ખબર પડશે કે એ

નહીં ચસકે, નહીં સળગે, નહીં પીગળે!

મેં પૂરી ગમ્ભીરતાથી આ સાંભળી લીધા પછી એમને જરાક હેરાન કરવાના દુષ્ટાશયથી પૂછ્યું: ‘તો વ્યક્તિને બે-ધારવાળું એ વિશેષણ કવિ શા માટે લગાડે છે?’ માથું ખંજવાળીને એમણે જવાબ આપ્યો: ‘ભલા માણસ, તમેય ખરા છો! બધું જ કાંઈ બંધબેસતું થવું જોઈએ એવું થોડું જ છે? આ કાંઈ બીજગણિત થોડું જ છે?’ મનેય દુર્બુદ્ધિ સૂઝી એટલે મેં આગળ ચલાવ્યું: ‘કવિતા બીજગણિતને નહીં માને, પણ કવિતાનેય એનું પોતાનું ગણિત તો હોય જ છે.’

મને અહીં અમેરિકી કવિ ઇ. ઇ.કમિંગ્ઝ (E.E.Cummings) યાદ આવે છે. એણે એની લાક્ષણિક રીતે એક શબ્દ યોજ્યો છે: un-ness. આપણી આ કવિતા આ unnessની કવિતા છે. ઉપનિષદ્ની બ્રહ્મમય આબોહવા ને તેની પડખે આપણી આ ખદબદતા ડામરની દુનિયા કવિએ મૂકીને બંનેને વ્યંગના રેણથી સાંધી દેવાનો પ્રયત્ન કર્યો છે. પણ આ રેણ તે electric welding છે, માટે વ્યંગમાં એવી શક્તિ હોવી જોઈએ. જે જમાનામાં માણસ જે ઇચ્છે અને એને માટેના ભારે પ્રયત્નને અન્તે જે પામે, તે બેની વચ્ચે વૈષમ્ય ઊભું થાય, તે જમાનામાં વ્યંગની તિર્યક્તાથી જ પલ્લાં સરખાં કરવાનો પ્રયત્ન કરવો પડે. આ કાવ્યમાં કેનોપનિષદ્નો ‘આ બ્રહ્મ છે’ એ વાક્યનો પડઘો સનાતન સત્યના ઉચ્ચારણ રૂપે નહીં પણ વિડમ્બનાની સામગ્રી રૂપે આવે છે. આ કાવ્યની રચના આ વાતને સ્પષ્ટ કરે છે.

નરસિંહરાવનો હરિગીત સંભારો અને આ કાવ્યના છન્દને પ્રયોજવાની રીત જુઓ. આ કાવ્યમાં ઘર પદ્યનું છે પણ એમાં નિવાસ કરે છે ગદ્ય. માળખું પદ્યનું છે પણ એમાં સંચરણ ગદ્યનું છે. એ હેતુપૂર્વક જ કર્યું છે. એક વખત કાવ્યમાંના સંગીત વિશેની ખોટી સમજને કારણે કવિતાને માટે ખતરો ઊભો થયો ત્યારે સંગીત નહીં પણ અર્થાનુસારી લય અને પાણીપોચટ લાગણીવેડા નહીં પણ સંગીનતા, પ્રતિક્રિયા રૂપે, પુરસ્કાર પામ્યાં; તેના જ ઉત્તરાર્ધ રૂપે, પદ્યમાં ગદ્યની લઢણનો, માત્રામેળ છન્દોના પરમ્પરિત સ્વરૂપોની યોજનાથી ઉપયોગ કરી, કાવ્યબાનીમાં બળકટપણું, સ્નાયવી જોમ ને પોલાદની કમાનના જેવી તાકાત લાવવાનો પ્રયત્ન ચાલતો રહ્યો છે. એક જમાનામાં કાવ્યજગત એટલે પાણીમાં ડૂબકી મારીને આંખ ખોલતાં, જે પીળાશ પડતા લીલા રંગવાળી, માયાવી પ્રકાશમાં જુદી જ આભાસી સૃષ્ટિ દેખાય, તેને મળતી દુનિયા, એમ મનાતું. ને એ સૃષ્ટિને વર્ણવવાને માટેની ભાષા પણ સંગીતનીતરતી, ધૂંધળી, પોચી હતી. એ સૃષ્ટિની ભ્રાન્તિ તો ટળી. આ નિર્ભ્રાન્ત અવસ્થામાં જૂની કાવ્યબાની ખપમાં નહિ આવે. પદ્યનો સુખાળવો રસવાળો લય કાઢી નાખ્યો.

આ કાવ્યમાં જ જુઓ ને, જૂની ટેવ પ્રમાણે વાંચવા જઈએ છીએ ને બે શબ્દ પૂરા નથી વટાવ્યા ત્યાં આડી રેખા મૂકીને કવિ કૌંસમાં ભરાઈ જાય છે. બીજી પંક્તિમાં માત્ર એક શબ્દ બોલે છે. આખું કાવ્ય તો એકલા બેસીને પાઠ કરી જોજો – રંગભૂમિ પરનો ખલનાયક યાદ આવશે. નાયકને ફંદામાં ફસાવવાનો ત્રાગડો રચ્યો છે ને યોજના મુજબ નાયક એમાં ફસાય છે અને રંગમંચને એક છેડેથી બીજા છેડા સુધી સામે દોરી જઈને, દેખીતી રીતે એ ઉમળકાથી આવકારે છે; પછી તરત જ પ્રેક્ષકો તરફ જોઈએ ‘બચ્ચાજી લાગમાં આવ્યા છે’ એવું વ્યંગપૂર્વક બોલે છે. આવા વ્યંગની મુદ્રા આ આખા કાવ્યની છે. આ આખું કાવ્ય એક વ્યક્તિ બોલતી નથી, બે વ્યક્તિ બોલે છે; પણ એ બે જુદી જુદી વ્યક્તિઓ નથી, એક જ વ્યક્તિના બે છિન્ન ખણ્ડો છે. ફ્રેન્ચ કવિ વાલેરીએ કહ્યું છે કે આ સ્વરૂપનું આત્મસમ્ભાષણ જ આજની કવિતાને માટે અનિવાર્ય બની રહે એવી પરિસ્થિતિ છે. મૂલ્યો ઊભાં કરવાની સમાન ભૂમિકા તો તૂટી પડી છે, એટલું જ નહિ, માનવી પોતે પોતાનામાં જ શતધા વિચ્છિન્ન થઈ ગયો છે. આ સ્થિતિમાં એ કોને શું કહેવા જાય? આજના કવિએ એનો શ્રોતા ગુમાવ્યો છે. આથી એ વ્યંગની મુદ્રા ધારણ કરીને આ પ્રકારનું આત્મસમ્ભાષણ કરતો હોય છે. કાવ્યમાં આ બે વ્યક્તિઓને – એક જ વ્યક્તિના બે છિન્ન અંશોને – કૌંસના ઉપયોગથી છૂટી પાડીને બતાવી છે. એકની હકીકતનું બીજી વ્યક્તિ વ્યંગની તિર્યક્તાથી સમ્ભાવન કરે છે ને તેથી જ વ્યંગોત્થ (કલ્પનોત્થ નહીં) ઉત્પ્રેક્ષા સરજાય છે.

સીધી રેખાના પર ભારે વજન આવી પડે ત્યારે એ વળીને વાંકી બને, અથવા તૂટી જાય. કવિનો વ્યંગ એ આનું વજન ઝીલીને વાંકી વળી ગયેલી તિર્યક્ રેખા છે. આ તિર્યક્તા જ કાવ્યના આસ્વાદની સામગ્રી છે. અહીં કવિએ યોજેલી ‘ઉત્પ્રેક્ષા’ કવિના વ્યંગની નિર્બળતાને છતી કરી દે છે. એની પાછળ વ્યર્થતાના પ્રબળ ઉત્કટ સાક્ષાત્કારનું બળ નથી લાગતું પણ મિથ્યાના મિથ્યાપણાને મોઢામાં મમળાવ્યા કરીને સુખ માણવાની માંદલી વૃત્તિ જ છે. અલંકારયોજનામાં પ્રસ્તુત અને અપ્રસ્તુતનું violent yoking હોય એ કબૂલ છે પણ આ પ્રસ્તુત અને અપ્રસ્તુત એકબીજા તરફ ખેંચાઈ આવે એવું જે ચુમ્બક બળ, સાપ એના ભક્ષ્યને જે બળથી સ્થિર કરીને જડી દે છે તેના જેવું બળ, જો કવિએ ઉપજાવ્યું નહીં હોય અને નરી યદૃચ્છાના દોરમાં બંનેને પરોવી માર્યાં હોય તો એ કાવ્યના આસ્વાદની સામગ્રી નહીં બને. એઝરા પાઉંડે ‘botched civilization’ને ‘an old bitch gone in the teethના ચિત્ર દ્વારા રજૂ કરી છે તે અહીં સંભારો.

આથી જ પોલ વેસ્ટ(Paul West) કહે છે કે If a poet has to distort, he should distort most bewitchingly and memorably.

અહીં કવિએ નક્કી કરી રાખેલા વલણની પકડ છે. આથી કાવ્યના ઘાટમાં એ વલણનો દાબ વરતાય છે. કવિનું એ વલણ કાવ્યના ઉપાદાન રૂપે રૂપાન્તર પામ્યા વિના કાવ્યની બહાર રહીને, કાવ્યનું નિયન્ત્રણ કરે છે. વ્યંગ અને વિડમ્બના એ પણ કાવ્યની જ વાણી છે. પણ આ વ્યંગની ધાર કવિની તેજસ્વી મેધાની સરાણ પર નીકળે છે. રાજ્યસત્તાના આક્રમકપણા પ્રત્યેના અણગમામાંથી ઉત્પ્રેક્ષા તાણી કાઢવી એ બને; પણ અહીં એ ઉત્પ્રેક્ષા કવિના કોઈ પૂર્વગ્રહ તરફ આંગળી ચીંધીને મરી પરવારે છે. કાવ્યના ઉપાદાન રૂપ બનેલો વ્યંગ બાહ્ય દૃષ્ટિએ અનલંકૃત, ગદ્યાળુ, શુષ્ક બાનીમાં નિરૂપાયો હોય, પણ ભાવકને તરત જ એની પાછળ રહેલી તીવ્રતા ને ઉત્કટતાનું બળ વરતાય. ચટુલ આવર્તનોવાળી કલ્પના જેમ અલંકારરચનામાં ખપમાં લાગે છે તેમ વ્યંગની રચનામાં તીવ્ર સજીવતાવાળી મેધા ખપમાં આવે છે. કવિને વળગણ રૂપ બનેલો કોઈ નિષ્પ્રાણ પૂર્વગ્રહ કે જડ બની ગયેલું કોઈ વલણ આવા વ્યંગને જીવાડવાની પ્રાણશક્તિ પૂરી પાડી શકે નહીં. આવું નહીં બને ત્યાં વ્યંગ વન્ધ્ય વક્રતામાં સરી પડે. એ દેખીતી રીતે વિડમ્બનાનું આલમ્બન લે છે પણ એ વિડમ્બના અપારદર્શી અન્તરાય બને તો રસાસ્વાદમાં વિઘ્ન બને. જીવનથી અળગા રહીને, મોં મચકોડીને, અણગમાના રટણમાં જ આનન્દ માણવો, એ અણગમો જ પોતાને બીજા બધાથી ઊંચે સ્થાપી દે છે એવી ભ્રાન્તિ સેવવી – એ વલણ કાવ્યને ઉપકારક નથી. આથી જ એક વિવેચકે આ વ્યંગને કાવ્યના ઉપાદાન રૂપે સાચા વ્યંગથી જુદા વર્ગમાં મૂકવાની જરૂર જોઈ છે: ‘…the constant air of ennui or of whimsical amusement should be categorized under some heading other than irony. They express a negative impulse and themselves invite ridicule. They spell frustration or megalomania as well as the persistent need for debunking.

હસમુખ પાઠકની અન્ય કવિતાઓ સાથે આ કવિતાને મૂકીને વાંચતાં આ છાપ પડે છે. મનુષ્યે સિદ્ધિને નામે જે ભંગાર એકઠો કર્યો છે, તેમાં કેવળ તણખલું જ ‘સત્ય’ છે, એ સાક્ષાત્કારમાંથી આપણા જમાનામાં ભાગ્યે જ કોઈ બચ્યું હશે. પણ આ સાક્ષાત્કાર કાવ્યમાં અવતરે, ત્યારે જે બળ લઈને આવે તે બળને સ્થાને અહીં એક pose દેખાય છે. એ વ્યંગની વક્રતાને ધારણ કરવાને જે આકાર જોઈએ તે આકાર કાવ્ય પામ્યું નથી. ‘નમેલી સાંજ’માં ‘શહેરની ઘડીઓ ગણતાં’, ‘સાંજ’, ‘ઉચાળો’, કવિનું આ વલણ એક વળગણ બનવાની હદે પહોંચ્યું છે એ બતાવે છે.

અહીં છે તેવું ઇરાદાપૂર્વકનું violent juxtaposition આજે નવીનતારૂપ ગણાતું હશે, કાલે એની નવીનતા નહીં રહેશે. કૃતક નાવીન્ય ઇબારતના નવીનતમ ઢાંચાને અપનાવે, પણ જો એ અપૂર્વ પ્રત્યક્ષીકરણ કે પછીની પેઢી પણ જેને કાવ્યસંવર્ધક દ્રવ્ય તરીકે વાપરે એવું કશું ન ઉપજાવે તો એના નાવીન્યનો ચળકાટ માત્ર એને ઝાઝો વખત જીવાડી શકે નહિ. માટે જ તો કહેવાયું છે: ‘Modernity is a vision, not simply a technique; a state of awareness and receptivity, as much as a sensitivity to the potentialities of a given medium.’