ગુજરાતી કવિતાનો આસ્વાદ/લ્હેકંતા લીમડા હેઠે


લ્હેકંતા લીમડા હેઠે

સુરેશ જોષી

સાંજરે લ્હેકંતા લીમડા હેઠે કે આંખિયું પ્હેલેરી સંભરી;
સાંભરે આ રે આંબલિયે પ્હેલેરી હૈયાની ફોરી’તી મંજરી.
રૂપેરી રંગમાં
રજની ઓછંગમાં,
સાંભરે પ્હેરેલી કોઈ નવે પાણી અજાણી આ છલકી’તી છાતડી;
કાંક રે બોલી ને ઝાઝી અબોલી અમોલી એ વરતી’તી વાતડી.
ચૂતી’તી ચૂંદડી
લીલી રતુંબડી,
સાંભરે લ્હેરાતી કોક નવી લ્હેરે,
ને રંગ નવે ઘેરે આ ઊઘડી’તી આંખડી;
અંતરે અદબીડી નવલા પરાગે,
અનેરા કો રાગે એ ખીલી’તી પાંખડી.

સાંજરે લ્હેકંતા લીમડા હેઠે કે આંખિયું પ્હેલેરી સંભરી;
સાંભરે આ રે આંબલિયે પ્હેલેરી હૈયાની ફોરી’તી મંજરી.
– સુન્દરજી ગો. બેટાઈ (વિશેષાંજલિ)

સાંજને નમતે પહોરે જ અમે ચાલ્યાં આવતાં હતાં. કશીક અક્રમ જલ્પના ચાલતી હતી. એ એકાએક અટકી ગઈ ને અમે ઊભાં જ રહી ગયાં. કશું બોલવાનું સૂઝ્યું નહીં. આશ્ચર્યચકિત થઈને અમે એકબીજાંની સામે જોયું ને પછી ઉપર જોયું તો લીમડો મંજરીને ખોબે ખોબે શીતળ સૌરભ પાઈ રહ્યો હતો. એણે અમને અવાક્ કરી દીધાં. સાંજ વેળાની રતૂમડી આભા ઝાંખી પડી ન પડી ત્યાં પૂર્વમાંથી રજત પ્રકાશ રેલાઈ રહ્યો. ચાંદનીની શીતળતા ને લીમડાની મંજરીની સૌરભમય શીતળતાએ મળીને કંઈક એવું કર્યું કે શબ્દોના બુદ્બુદ આપમેળે શમી ગયા. આ કાવ્યની પહેલી પંક્તિ વાંચતાંની સાથે જ એ ધન્ય ક્ષણ સજીવ થઈ ઊઠી.

આપણી સ્મૃતિનો વ્યવહાર ખરે જ કંઈક વિલક્ષણ લાગે તેવો છે. કોઈક અનુભવની સ્મૃતિ અમુક રંગને જોવાથી જ જાગે છે, તો કશોક અણધાર્યો સ્પર્શ સ્મૃતિની ગુપ્ત મંજૂષાને એકાએક ખોલી નાંખે છે, તો વળી કોઈક વાર છાનીછપની, પોતાની જાણ કરાવ્યા વગર, ક્યાંકથી આવી ચઢતી આછેરી સુવાસ ચિત્તમાં દૂરસુદૂરની નહીંવત્ થઈ ગયેલી લાગણીને સજીવન કરી દે છે.

આપણા જ હૃદયમાં થતી આપણી જ લાગણીઓ આપણને કેવી અજાણી હોય છે! એનો આકાર આપણી સમક્ષ પૂરેપૂરો ઉપસાવવાને માટે એની આજુબાજુનો આખો રૂપ, રંગ, સ્પર્શ, ગન્ધનો પરિવેશ સર્જવો પડે. જે કોઈને લાગણીનું પૂર્ણ રૂપ ઉપસાવવું છે તેને આ પરિવેશનું પુન:સર્જન કરવું જ પડે. લતા પર કળી બેસતી જોઈએ ને એ કળીને ફૂલને રૂપે પૂર્ણ થતી આપણે જોઈ શકીએ છીએ. પણ આપણા હૃદયમાં થતી અનુભૂતિઓ વિશે આવું બની શકતું નથી. એને આકારમાં ઢાળવી પડે ને એવો આકાર પ્રાપ્ત થાય પછી જ એ ગ્રાહ્ય બને, એનું પુન: પુન: યથેચ્છાએ આસ્વાદન શક્ય બને.

કવિ સૂક્ષ્માતિસૂક્ષ્મ ને અત્યન્ત સંકુલ એવી લાગણીઓને માટેના આવા આકાર શોધે છે. એ આકારને ઉપસાવવાને એ યથેષ્ટ પ્રમાણમાં પરિવેશ પણ સરજી આપે છે પણ એ આકારની વિશિષ્ટતા એ કે એમાં જડતા ન હોય, સજીવતા હોય. હૃદયને એનો સંસ્પર્શ થતાં એક પ્રકારનું સ્પન્દન શરૂ થાય, અર્થનું ચોસલું જ માત્ર હાથમાં ન આવે, એ સ્પન્દનથી અભિષિક્ત થઈને ભાવસૃષ્ટિ નવી કાન્તિ ધારણ કરે. સૃષ્ટિની આ નવી કાન્તિ જોવા માટે આપણે કળા પાસે જઈએ છીએ. આપણા હૃદયની નાજુક, છટકિયાળ, સહેજ સરખા સ્પર્શથી અળપાઈ જનારી એવી, દરેક લાગણીનું પ્રતિરૂપ સૃષ્ટિમાં છે, એ લાગણીનો એ પ્રતિરૂપ સાથેનો સમ્બન્ધ જોડી આપીએ ત્યારે જ એ લાગણીને સાચું અસ્તિત્વ પ્રાપ્ત થયું કહેવાય. કવિ આટલું કરી આપે. પછી તમે એને ગાયા કરો. માર્ગ મોકળો થઈ ગયો, વિહાર કર્યા કરો. જર્મન કવિ રિલ્કેને કાવ્યસર્જનની સાધના દરમિયાન આ સત્યની દૃઢ પ્રતીતિ થઈ હતી ને એણે કહ્યું હતું: ‘…even for what is most delicate and inapprehensible within us nature has sensuous equivalents that must be discoverable.’ લાગણીને શબ્દ દ્વારા યોજાતા એવા પ્રતિરૂપથી પ્રકટ કરવી કે શબ્દ વ્યવધાનરૂપ ન બને. એ લાગણીનો અર્થ ન સમજાવે, એને આસ્વાદ્ય આકાર રૂપે સંવેદ્ય બનાવે.

અહીં જે લાગણી નિરૂપાઈ છે તે સંસ્કૃત વૃત્તબદ્ધ કાવ્યમાં નિરૂપાઈ હોત તો કદાચ ઠીક ન લાગત. એનો લ્હેકંતો લય ગીતમાં જ બરાબર પ્રકટ થઈ શકે. સંસ્કૃત વૃત્તરચનામાં વિદગ્ધતા – sophisticationને અવકાશ છે. ગીતમાં સાહજિકતા છે, એમાં ગણતરી ખપમાં ન આવે. ભાવનો રણકાર અહીં મુદ્રિત કરવો વિશેષ ફાવે. અહીં ભાવ જે નાનીમોટી વીચિમાળાઓ પ્રકટાવે છે, તે જુઓ એટલે આ વાતની ખાતરી થઈ જશે. કોઈક વાર નાના તરંગો ઉપચિત થઈને મોટું મોજું બનીને છલકાય છે ને એની છાલક એક પંક્તિથી તે બીજી પંક્તિના પૂર્વાર્ધ સુધી ઊછળે છે. આ ગીતનો એક વાર યથોચિત પાઠ કરશો કે તરત આ વાત સમજાઈ જશે.

સાંજ હતી, લીમડો લ્હેકંતો હતો – વાયુનો સંચાર હતો, એ સંચાર ઘટાવાળા પ્રૌઢ લીમડાને પણ લ્હેકંતો કરી મૂકે એવો હતો. એવા લીમડાની નીચે પહેલવહેલી વાર આંખને ભરી દે એવું કશુંક જોયું. ચૂંદડીની વાત તો છસાત પંક્તિ આગળ વધ્યા પછી આવે છે. પણ આ પંક્તિ વાંચતાંની સાથે જ એ નેત્રોત્સવની છબિ અંકાઈ જાય છે. ‘આંખિયું’માંનું બહુવચન બેને બદલે ચાર આંખો તૃપ્ત થઈ એમ માની લેવાની છૂટ આપે છે તે લઈ લેવા જેવી છે. બંને એકબીજાંને જોઈને તૃપ્ત થયાં. આજ પહેલાં આંખ ઘણું ઘણું જોતી હતી, પણ આંખો ધરાઈ જાય એવું, નેત્રોના નિર્વાણરૂપ કશું દેખ્યું નહોતું. એ તો આ લ્હેકંતા લીમડા હેઠે પહેલી વાર જ બન્યું. એ અનુભૂતિના નવોદ્ગમની સાથે આ પરિવેશનું ચિત્ર પણ અભિન્નભાવે ભળી ગયું ( જરા નજર કરી જુઓ: કવિએ ‘પ્હેલેરી’, ‘અજાણી’, ‘નવી’ – આ શબ્દો આ નાનકડા ગીતમાં કેટલી બધી વાર વાપર્યા છે!) કવિએ ‘સંભરી’ શબ્દ અત્યન્ત સમુચિત યોજ્યો છે. ‘સાંજરે’ પછી ‘સંભરી’ના સંસ્કાર ઝીલીને બીજી પંક્તિની શરૂઆતમાં તરત ‘સાંભરે’ આવે તે બરાબર બંધ બેસી જાય છે. લીમડાની મંજરીની સૌરભે એ પ્રણયના પ્રથમોદ્ગમની સ્મૃતિને સજીવ કરી. પણ કવિએ લીમડાની મંજરીનો અહીં ઉલ્લેખ કરવાને બદલે હૈયાની ફોરેલી મંજરીની જ વાત કરી છે ને ‘આ રે આંબલિયે’ કહીને હૈયું મોરથી મઘમઘી ઊઠેલા આંબા જેવું સભર બની ઊઠ્યું એમ સૂચવી દીધું છે.

સાંજ વેળા તો ઝાઝી ટકે નહીં. પછી આવે રજની. પણ એ ‘રૂપેરી રંગ’વાળી રજની હતી. લીમડાની ધોળી ધોળી મંજરીઓના ગુચ્છ ને રૂપલાવરણી રાત – આવા ધન્ય મુહૂર્તે છાતી નવા પાણીએ છલકાઈ ઊઠી. સાંજ હતી ત્યારે છલકાવાની વાત ન આવી, કારણ કે સાંજ છલકાતી નથી. એની લીલા પશ્ચિમ ક્ષિતિજને એક ખૂણે. પણ પછી રૂપલાવરણી રજની તો આખા આકાશમાં છલકાઈ ગઈ. એના રૂપલા રંગમાં લીમડાની મંજરીના ધોળા ગુચ્છ પણ ઓર બહેકી ઊઠ્યા ને આથી ‘નવે પાણી’એ છાતી છલકાઈ ઊઠી. ને એમ બનવાને કારણે, એ અનુભવને લીધે આપણે જ આપણને પોતાને અજાણ્યાં બની ગયાં! એવી સ્થિતિમાં કાંઈ ઝાઝું બોલાય નહીં, કારણ કે આપણી સાથે આખી સૃષ્ટિ ત્યારે બોલવા લાગે, આપણે જે ન બોલીએ તે આપણા વતી એ પરિવેશ બોલી દે. એ લાગણી પણ એવી કે એને આખી શબ્દોમાં તો કહેવાય નહીં. થોડાક ચાંદનીના રૂપલા રંગે કહેવાય, થોડીક લીમડાની મંજરીની સૌરભની ભાષામાં કહેવાય, થોડીક પવનમાં ઝૂકતા લીમડાના લહેકામાં કહેવાય, થોડીક લીમડાની ઘટામાં લપાયેલા અધિકારની ભાષામાં કહેવાય. આથી જ કવિએ કહ્યું:

કાંક રે બોલી ને ઝાઝી અબોલી…

ને આપણી લાગણીની વાત જ્યારે આખી સૃષ્ટિને મોઢે કહેવા જેવી બને ત્યારે એ ‘અમોલી’ જ બની રહે ને!

ઘ્રાણેન્દ્રિયની ગોચરતા દૃષ્ટિસીમાને પણ ઉલ્લંઘી જાય માટે સૌરભની, ફોરવાની, મહોરવાની વાત પહેલાં થઈ. હવે દૃષ્ટિસીમામાં પ્રવેશ્યા ને ‘લીલી રતુંબડી’ ચૂંદડી ચૂવા લાગી. આ ચૂંદડીમાં નવોઢાના નવાનુરાગનો અણસાર છે. ભાવની નવી જ આબોહવાની લહેરે લહેરાતી એ ચૂંદડીએ એક નવા જ ઘેરા રંગથી આંખોને આંજી દીધી ને એ અંજનથી દિગ્ધ આંખે જ્યારે સૃષ્ટિ જોઈ, ત્યારે એનું નવું જ રૂપ દેખાયું – એ નવા રૂપમાં રંગ અને સૌરભનું અજબ મિશ્રણ થઈ ગયું. એ નવી સૃષ્ટિના દર્શનના પ્રકાશનું કિરણ અન્તરમાં પ્રવેશતાંની સાથે જ અર્ધપ્રસ્ફુટ પાંખડીઓ ખીલી ઊઠી ને ‘નવલા પરાગે અનેરા કો રાગ’ની અનુભૂતિ કરાવી. આવાં અનેક પરિમાણમાં આ લાગણી પૂર્ણ રૂપે અવતરી. આ કક્ષાએ ‘ખીલી’ શબ્દ વાપરવાની યોગ્ય વેળા આવી.

આ ક્ષણની સ્મૃતિથી કૃતાર્થ થયેલું હૃદય કંઈક કૃતજ્ઞ ભાવે તો કંઈક અંશે ઉલ્લાસના છાકની અસર નીચે ફરીથી આ પંક્તિઓ ગૂંજે છે:

સાંજરે લહેકંતા લીમડા હેઠે કે આંખિયું પ્હેલેરી સંભરી;
સાંભરે આ રે આંબલિયે પ્હેલેરી હૈયાની ફોરી’તી મંજરી.

આ કૃતજ્ઞતા ને ઉલ્લાસની લાગણીમાં આપણું હૃદય પણ સાથ આપીને આ પંક્તિઓ ગૂંજતું થઈ જાય છે.