ગુજરાતી કવિતાનો આસ્વાદ/નિર્દોષ ને નિર્મળ આંખ તારી
સુરેશ જોષી
નિર્દોષ ને નિર્મળ આંખ તારી
હતી હજી યૌવનથી અજાણ,
કીધો હજી સાસરવાસ કાલે,
શૃંગાર તેં પૂર્ણ ચિતા મહીં કર્યો!
કૂંળી હજી દેહલતા ન પાંગરી,
કૌમાર આછું ઊઘડ્યું ન ઊઘડ્યું,
પ્હેરી રહે જીવનચૂંદડી જરી,
સરી પડી ત્યાં તુજ અંગથી એ!
સંસારના સાગરને કિનારે
ઊભાં રહી અંજલિ એક લીધી,
ખારું મીઠું એ સમજી શકે ત્યાં
સરી પડ્યો પાય સમુદ્રની મહીં!
છો કાળ આવે, શિશિરોય આવે,
ને પુષ્પ કૂંળાં દવમાં પ્રજાળે;
સુકોમળી દેહકળી અરે અરે
વસંતની ફૂંક મહીં ખરી પડી!
– હરિશ્ચન્દ્ર ભટ્ટ (સ્વપ્નપ્રયાણ)
જીવન સર્વવ્યાપી છે તેટલું જ મરણ સર્વવ્યાપી છે; છતાં આપણે ‘સૃષ્ટિ’, ‘સર્જન’ એવા શબ્દો વાપરીને ‘જીવન’ના પર જ વધુ ભાર મૂકવાને ટેવાયા છીએ. પણ જીવનમરણના તાણાવાણાથી જેનું પોત વણાય છે તે જ સાચી અખિલાઈ છે. મરણ જીવનને કેવી અને કેટલી રીતે સ્પર્શે છે! કદિક ઝંઝાવાતની જેમ આવીને એ બધું ઉન્મૂલ કરી નાખે છે, ને આટલા પરિશ્રમ પછીથી એ હાંફતું થાક ઉતારતું હોય છે ત્યાં અંકુરનું હરિત કોમળ હાસ્ય એની સામે પ્રકટ થાય છે. આથી ‘જીવનનો મૃત્યુને હાથે થયેલો પરાજય’ એવી હારજીતની ભાષા તટસ્થ નહીં વાપરે. એને માટે સંગીતની પરિભાષા જ કદાચ વધુ ઉચિત થઈ પડે. મૃત્યુ જ્યાં એક લયનું આન્દોલન શમીને બીજા લયનું સ્પન્દન શરૂ થાય છે તે સન્ધિસ્થાન છે. આલાપ સમ પર પહોંચ્યા પછી એની ઇતિ આવી નથી ગઈ, હવે એનું બીજું રૂપ પ્રસ્તુત કરવાની ભૂમિકા પણ તૈયાર થઈ જ ચૂકી છે.
હરિશ્ચન્દ્રનું આ કાવ્ય વાંચતાં મૃત્યુની કરાંગુલિ એના મૃદુ સ્પર્શથી જીવનવીણામાંથી જે આછો કરુણમધુર ઝંકાર પ્રકટાવે છે તે સાંભળ્યાનું સુખ થાય છે. મેં કહ્યું ‘સુખ.’ હા, સુખ. કરુણનો અહીં આક્રોશ નથી; અરે, ઉપાલમ્ભનો કાકુ પણ અહીં સંભળાતો નથી. આખું કાવ્ય એની આજુબાજુ એક પ્રકારની કોમળ શાન્તિનો પરિવેશ રચી દે છે. આ પ્રલય પછીની ભેંકાર શાન્તિ નથી. કાવ્ય વાંચતાં દરેક પંક્તિ, ઉચ્ચારાતી ઉચ્ચારાતી જ, એ શાન્તિમાં સરી પડતી હોય એવો અનુભવ થાય છે. ફૂલ ખરે તે સંભળાય એવી શાન્તિ કવિએ અહીં રચી છે, કારણ કે અહીં એક ખરી પડતી કળીનો અવાજ સાંભળવાનો છે. વૈશાખના વંટોળમાં કે આષાઢની હેલીમાં ખરતાં ફૂલને કોણ સાંભળે? આ કાવ્યમાં તો વસન્તની ફૂંકથી ખરી પડતી કળીને સાંભળવાની છે. કમળનાં પાંદડાં પરથી તળાવના પાણીમાં સરી પડતા ઝાકળના બિન્દુની નિ:શબ્દતા અહીં છે, મૃત્યુની વિભીષિકાને કારણે આવતી નિસ્તબ્ધતા નથી. આથી, કરુણ નહીં તેટલે અંશે મૃત્યુને નિમિત્તે રચાતી શાન્તિ એ આસ્વાદનો વિષય બની રહેતી હોય એવું લાગે છે.
મરણ પછી સ્મરણ. સ્મરણથી શરૂ થતા કાવ્યમાં કવિને મૃત બહેનની આંખો જ સૌપ્રથમ યાદ આવે છે. એ આંખોમાં સંસારના અનેકવિધ અનુભવોને કારણે આવતી કષાયતા હજુ આવી નહોતી, એના સ્થિર તેજ પર પહેલી છાયા પડી હોય તો તે મૃત્યુની જ! માટે પહેલી જ પંક્તિમાં એ આંખોની નિર્દોષતા ને નિર્મળતાને કવિ સ્મરે છે. યૌવનસહજ વિક્ષુબ્ધતાની પણ એમાં લકીર અંકાઈ નથી. કૂળા કૈશોર્યની આ છબિ આપણી સમક્ષ ધરીને કવિ સ્ત્રીના જીવનના મહત્ત્વના સ્થિત્યન્તરનો ઉલ્લેખ કરે છે. એમાં ‘વધૂ’નો કે ‘પરિણય’નો ઉલ્લેખ નથી. કૈશોર્યની જોડાજોડ એ બે શબ્દો મૂકવાનો કવિનો જીવ ચાલતો નથી. આથી ‘કીધો સાસરવાસ’ કહીને નરી હકીકતનો જ ઉલ્લેખ કરે છે. ‘વધૂ’ તરીકેનો જે શણગાર (અને શૃંગાર પણ) તે પણ રચાયો નહોતો. લાજાહોમના અગ્નિથી દીપ્ત મુખે હવે અગ્નિશિખાથી જ શણગાર પૂરો કર્યો. સૌભાગ્યવતી સતીનો શણગાર અગ્નિને હાથે ‘પૂર્ણ’ થાય છે તેનું પણ કવિને અહીં સૂચન કરવું હશે? અહીં કશું ભસ્મ થઈ ગયાની વાત નથી, એને ‘પૂર્ણતા’ જ પ્રાપ્ત થઈ છે; ને છતાં શણગારને અગ્નિને હાથે પૂરો કરવાનો આવ્યો એ પરિસ્થિતિમાં રહેલી irony, ને એની વેધકતા અત્યન્ત સંયત સ્વરૂપે આ પ્રકારની ઉક્તિને કારણે જ વ્યંજિત થાય છે. અહીં આપણી લિપિ ભાવની લિપિની સાથે પૂરેપૂરી ચાલી શકતી નથી તેનો આપણને ખ્યાલ આવે છે. ચોથી પંક્તિના અન્તમાં ઉદ્ગારચિહ્ન (શિક્ષકો એને વિસ્મયચિહ્ન પણ કહે છે) છે, પણ અહીં વેદનાની આછી આહ સરતાં સરતાં જ પ્રશ્નમાં ફેરવાઈ જાય છે. આમ ઉદ્ગાર અને નવવધૂનો શણગાર ચિતાના અગ્નિને પૂર્ણ કરવો પડ્યો એમાં રહેલી અસંગતિના પડકાર રૂપ પ્રશ્ન – આવું ભાવનું ગત્યન્તર કેવળ ઉદ્ગારચિહ્નથી વ્યક્ત નહીં થઈ શકે. એ તો આપણે એ પંક્તિ વાંચતાં (વાંચતાં નહીં, પણ ઉચ્ચારતાં) અન્ત સુધી જઈએ કે તરત જ, આપણા ઉદ્ગારને સહજ રીતે પ્રશ્નમાં પરિણમતો સાંભળીએ ત્યારે જ આપણને સમજાઈ જાય છે. આ માત્ર આ ચોથી પંક્તિ પૂરતું નથી, દરેક કડીની અન્ત્ય પંક્તિમાં પણ આવું જ છે ને છેલ્લી કડીની છેલ્લી પંક્તિમાં તો એ સવિશેષ સાચું લાગે છે.
પાંગરવું, પ્રફુલ્લવું અને ફળવું – આ વિકાસક્રમના હજુ તો પહેલા સોપાનને પણ જેણે વટાવ્યું નથી તેને ઠેઠ મૃત્યુ સુધી બધું ઠેકીને જવાનું આવ્યું! આ સન્દર્ભમાં ‘દેહલતા’ અને ‘પાંગરી’ આમ તો ચવાઈ ગયેલા પ્રયોગો છતાં નવી સાભિપ્રાયતા પ્રાપ્ત કરે છે. એની પછીની પંક્તિ આપણે જરા ધ્યાનથી વાંચીએ:
કૌમાર આછું ઊઘડ્યું ન ઊઘડ્યું …..
અહીં ‘ઊઘડ્યું’માંનો ‘ઊ’ છન્દની દૃષ્ટિએ, પહેલી વાર લઘુ ને બીજી વાર ગુરુ ઉચ્ચારીએ છીએ. આ નિરૂપ્યમાણ ભાવના સન્દર્ભમાં સર્વથા ઉચિત કાકુ ઉપજાવી આપે છે. કવિ પ્રથમ કહેવા જાય છે કે કૌમાર હજુ તો આછું જ ઊઘડ્યું હતું – ‘ઊઘડ્યું’ આગળ આવતાં મનમાં એ કથનનો વિરોધ જાગતાં કવિ સહેજ એ કથનને વાળી લઈને સુધારવા ધીમા પડે છે. આ ભાવદશાને કારણે પહેલો ‘ઊ’ લઘુ થઈ ગયો; પછીથી કવિ નિશ્ચય કરીને કહી દે છે: ના, કૌમાર પણ પૂરું ઊઘડ્યું નહોતું જ. આ નિશ્ચયનો ભાર એની પહેલાં આવતા નકાર સાથે બીજા ‘ઊ’ને સ્વાભાવિક રીતે જ ગુરુ બનાવે છે. આમ ‘ઊ’ના લઘુગુરુ ઉચ્ચારણની વ્યવસ્થા આ સન્દર્ભમાંની ભાવદશાને આખરે તો ઉપકારક બની રહે છે.
આ પછી ‘નવવધૂ’ના શણગારરૂપ ચૂંદડીનો ઉલ્લેખ આવે છે. આ ચૂંદડીને કવિ ‘જીવનચૂંદડી’ કહે છે. જીવન ચૂંદડીના જેવું ભાતીગળ બનવાના દિવસો તો હજી હવે આવવાના હતા એમ એથી કવિ સૂચવે છે.
ચણિયાચોળીની વય ગયા પછી યૌવનોદ્ગમ થતાં ચૂંદડી પહેવાની વય આવે. એ ચૂંદડી હજી તો અંગ પર ધારી ત્યાં જ એ સરી પડી! આખીય કવિતામાં ‘સરી પડી’, ‘ખરી પડી’નો જ કવિએ મુખ્ય ક્રિયાપદો તરીકે ઉપયોગ કર્યો છે. સરી પડ્યાની ક્રિયાને કોઈ કર્તાની અપેક્ષા નથી. ‘આપોઆપ’ જ સરી પડી એમ જ આપણે કહીએ છીએ; એટલે મૃત્યુનું કર્તવ્ય અહીં બને તેટલું સંગોપીને રાખ્યું છે તે સ્પષ્ટ છે.
આ પછીની કડીમાં એક બીજો સબળ વિરોધ કવિ સહજ જ ઉપસાવી આપે છે: એક બાજુ કૌમાર જેનું આછું ઊઘડ્યું છે એવી ‘કૂંળી’ કન્યા અને બીજી બાજુ સંસારનો સાગર. આવા મોટા સાગરને કાંઠે હજુ તો જેણે એક અંજલિ જ ભરી છે, ભરી જ છે, ચાખીય નથી; આ સંસાર ખારો છે કે મીઠો છે એનીય જેને હજુ ખબર પડી નથી એવી ‘નિર્દોષ’ ને ‘નિર્મળ’ આ કન્યા અંજલિ ભરવાની ક્રિયા દરમિયાન જ એની સામેના પ્રચણ્ડ, વિશાળ, અગાધ સમુદ્રના ઊંડાણમાં સરી પડી. ‘સરી પડ્યો પાય’ એ આ ભીષણ પરિણામની બધી ભીષણતાને સંગોપી દે છે. આ સંગોપન આ કાવ્યમાં કવિની કળાસૂઝમાંથી ઉદ્ભવતા સંયમનું કાવ્યાસ્વાદને ઉપકારી પરિણામ છે.
અન્તની કડીમાં કવિ નિયતિની આ અસંગત રચના સામે વિદ્રોહ ઉચ્ચારતા નથી. આથી નિયતિની ઉગ્ર અસંગતિ અને કવિએ કરેલો એનો નમ્ર સ્વીકાર – આ બેને આપણા મનમાં આપણે વિરોધાવ્યા વિના રહી શકતા નથી. એમાં બેતમા કે બેપરવાહીની ખુમારી નથી, દૈવાધીન થઈને રહેવાની લાચારી નથી પણ આભિજાત્યસહજ નિલિર્પ્તતા છે. આથી છેલ્લી કડીની શરૂઆતમાં જ કવિ કહે છે:
છો કાળ આવે, શિશિરોય આવે,
ને પુષ્પ કૂંળાં દવમાં પ્રજાળે. ….
‘મૃત્યુ’ની સૌથી નજીક સુધી પહોંચતો ‘કાળ’ શબ્દ અહીં કવિ પહેલવહેલા વાપરે છે. પણ આ કાળ એટલે નિદાઘ – ઉનાળો, કારણ કે પછીથી ‘પ્રજાળે’ ક્રિયાપદ આવે છે. ‘શિશિરમથિતા પદ્મિની’ના સંસ્કાર ‘શિશિર’ના ઉપયોગથી આપણા મનમાં જાગે છે. પુષ્પોને દવમાં પ્રજાળે એ તો ભલે પણ અહીં તો
સુકોમળી દેહકળી અરે અરે
વસંતની ફૂંક મહીં ખરી પડી!
પુષ્પની તો પુષ્પત્વની પ્રાપ્તિમાં સાર્થકતા સિદ્ધ થઈ ચૂકી છે, પણ કળીને તો વસન્તમાં વસન્તના દક્ષિણાનિલના સ્પર્શસુખને માણીને પ્રફુલ્લવાનું છે. વસન્તની અનિલલહરી તો ‘કાળ’ નથી, એ તો કળીને વિકસાવનાર અનુકૂળ પવન છે ને છતાં એની ‘ફૂંક’ માત્રથી કળી ખરી પડી. આ ‘ફૂંક’ શબ્દમાં દીપનિર્વાણનું સૂચન છે. વસન્તમાં કળી ખરી પડી, એ એક વિરોધ અને વસન્તની ફૂંકથી ખરી પડી એ બીજો વિરોધ – આ બેને કારણે અત્યન્ત સંયત રૂપે પ્રકટ થતી વેદના પણ વેધક બની રહે છે. આગલી બે પંક્તિના અગિયાર અક્ષરના ચાલ્યા આવતા છન્દ પછી ત્રીજી પંક્તિમાં કવિનો નિ:શ્વાસ જ જાણે ‘અરે અરે’ના ઉદ્ગારથી વિસ્તરીને બાર અક્ષરના વંશસ્થમાં પરિણમે છે. નિ:શ્વાસનો આ પ્રસાર અને એનો આપણા ચિત્તમાં પ્રલમ્બ બનીને વિસ્તરતો પડઘો – આ પ્રકારની છન્દની યોજના સહજ જ સિદ્ધ કરી આપે છે. કાલિદાસે એના ‘વિલાપો’માં કરેલી વૈતાલીયની યોજના આપણને યાદ આવે છે. છેલ્લે સંચિત થયેલો વિરોધ એક વજન બનીને છાતીને રુંધતા ડૂમાની જેમ આપણને રુંધી રહેતો હોય એવો આપણને અનુભવ થાય છે, તે કવિએ શરૂઆતથી જ યોજેલી, આ અત્યન્ત સૂક્ષ્મ નહીં એવા સૂક્ષ્મ, છતાં અન્તમાં વેધક બનતા વિરોધની ક્રમિક યોજનાને કારણે. આથી જ મૃત્યુની અસંગતિ આપણી આગળ ઉત્કટ રીતે પ્રકટ થાય છે.
આમ છતાં કાવ્ય પૂરું થાય પછી કશી વિક્ષુબ્ધતા રહેતી નથી. પાણીમાં સરતા પાણીના બિન્દુની જેમ છેલ્લી પંક્તિ મૌનમાં અકળ રીતે સરી પડે છે. આક્રોશ, ઉપાલમ્ભના આવર્ત કે દુ:ખની સરી જતી આહનો બુદ્બુદ પણ મરણના જ જેવી એ ગૂઢ શાન્તિમાંય ઊઠતો નથી. કવિ વસન્તને પણ કશો ઠપકો આપતા નથી એટલું જ નહીં, ‘સ્મરણો’ નામના કાવ્યમાં કવિ આ બહેનના મરણને સંભારીને કહે છે:
વસંત મારી રહી પાંગર્યા વિના.
કારણ કે
વસંતની મંજરી મ્હોરી ન્હોતી ત્યાં
વસંતમાં મેં ભગિની ગુમાવી.
પણ આ જ વસન્તમાં કેસૂડાને માણ્યો, એને નેનરસે પીધો, આ જ વસન્તમાં પ્રેમમયંકને દીઠો ને એનાથી ભરતીથી છલકાતા ‘વત્સલ સિન્ધુ’ને પણ જોયો. આથી અભિજાત કવિ વસન્ત પ્રત્યે કૃતજ્ઞ છે. આ કૃતજ્ઞતા જ મૃત્યુના દંશનું વિસ્મરણ કરાવીને એમની પાસે કહેવડાવે છે:
વસંતને દોષ ન હોય રે કદા,
વસંત સમૃદ્ધ, ભર્યો ભર્યો સદા.
વસંત! આજે મુજ એક માગણી;
વિષાદની શે’ ન વસંત માણવી!
હરિશ્ચન્દ્રની સમસ્ત કવિતાને ‘વિષાદની વસન્ત’ કહીને ઓળખાવીએ તો એનો સાચો પરિચય આપી શકાય. એ સંજ્ઞામાં જે વિરોધ છે તે જ એના કાવ્યત્વનું ઉદ્ગમસ્થાન છે. આ કાવ્ય પણ એનું જ નિદર્શન બની રહે છે.
મરણવિષયક કાવ્યને ‘દર્શનિકા’ બનાવી દેવાનું પ્રલોભન જેવું તેવું નથી. મરણના પ્રસંગને નિમિત્ત બનાવીને જીવનનું રહસ્ય, જીવનની સાર્થકતા, મરણની નિશ્ચિતતા સામેનો મનુષ્યનો પુરુષાર્થ, ભગવત્કૃપા – આવા અનેક વિષયોના ચવિર્તચર્વણથી કાવ્યને લગભગ નહીંવત્ કરી નાખવાનો જુલમ આચરી શકાય. તો બીજી બાજુ પોચટ લાગણીવેડા, રુરુદિષા, સંયમના ગૌરવ વગરનો નર્યો વિલાપ – આ બધાંમાંથી પણ બચવાનું રહે. આપણા કવિએ કાવ્યને અણીશુદ્ધ રાખ્યું છે તેની આનન્દજનક પ્રતીતિ અહીં આપણને થાય છે.
આમ જુઓ તો આંસુ જેવું ભંગુર બીજું શું હોઈ શકે? તેમ છતાં ફ્રેન્ચ કવિ વાલેરી કહે છે તેમ આંસુ જીરવવું કેટલું તો કપરું હોય છે! આંસુના પોલાણમાં ફિલસૂફીનું સીસું ઠાંસીને એને ભારે બનાવવાનો પ્રયત્ન કેવળ અત્યાચાર બની રહે. એથી આંસુની પવિત્રતા અળપાઈ જાય. ફૂલની પાંદડી પરથી સરી પડતા શિશિરબિન્દુની નિ:શબ્દ હળવાશ જાળવી રાખવી એ વધારે કપરું કવિકર્મ છે. આપણા કવિએ એ અહીં પૂરી નિરાડમ્બરતાથી સિદ્ધ કર્યું છે. મરણવિષયક કાવ્યમાં કાવ્યનું મરણ થવાનો હંમેશાં ભય રહ્યો હોય છે. કવિએ અહીં એવી દુર્ઘટના બનવા નથી દીધી એ રસિકોને માટે સુખની વાત છે.