ગુજરાતી ગઝલસંપદા/આસિમ રાંદેરી


આસિમ રાંદેરી
1

એક ભ્રમણા છે હકીકતમાં સહારો તો નથી,
જેને સમજો છો કિનારો, એ કિનારો તો નથી.

એક પણ ફૂલમાં અણસાર તમારો તો નથી,
ભાસ કેવળ છે બહારોનો, બહારો તો નથી.

એ ખજાનો છે ગગન કેરો, અમારો તો નથી,
એક પણ એમાં મુકદ્દરનો, સિતારો તો નથી.

કેમ અચરજથી જગત તાકી રહ્યું મારું વદન,
સ્હેજ જુઓ, કોઈ પડછાયો તમારો તો નથી.

માત્ર મિત્રોનું નહીં, દુનિયાનું દરદ છે દિલમાં,
કોઈનો મારી મહોબ્બત પર ઈજારો તો નથી.

દિલના અંધકારમાં, આ ચાંદની ક્યાંથી ખીલી!
ચંદ્રમુખ! એ મહીં કંઈ હાથ તમારો તો નથી?

મુજને મઝધારે ઓ મોજાંઓ ફરી લઈ ચાલો,
મારો હેતુ, મારી મંઝિલ, આ કિનારો તો નથી.

મુજને દુનિયાય હવે તારો દિવાનો કે’ છે,
એમાં સંમત, તારી આંખોનો ઇશારો તો નથી?

હુંય માનું છું નથી, ક્યાંય એ દુનિયામાં નથી,
પણ વિચારો તો બધે છે, ન વિચારો તો નથી?

પ્રેમના પત્ર, હરીફોના તમે વાંચો ભલે,
એમાં જોજો મારી ગઝલોનો ઉતારો તો નથી!

લાખ આકર્ષણો મુંબઈમાં ભલે હો, ‘આસિમ’!
મારી ‘લીલા’, મારી તાપીનો કિનારો તો નથી!


2

પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી.
મઝા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી.

દયામાં પણ નથી હોતી, દિલાસામાં નથી હોતી,
કહે છે જેને શાંતિ દિલની, દુનિયામાં નથી હોતી.

ગુલાબી આંખની રંગીની શીશામાં નથી હોતી,
નજરમાં હોય છે મસ્તી તે મદિરામાં નથી હોતી.

મજા ક્યારેક એવી હોય છે ‘ના’માં પણ,
અનુભવ છે કે એવી સેંકડો ‘હા’માં નથી હોતી.

જઈને તૂર ઉપર એમણે સાબિત કરી દીધું;
કે આદમ જેટલી હિંમત ફરિશ્તામાં નથી હોતી.

તમારી આ યુવાનીની બહારો શી બહારો છે!
બહારો એટલી સુંદર બગીચામાં નથી હોતી.

અરે આ તો ચમન છે, પણ યદિ વેરાન જંગલ હો,
કહો જ્યાં જ્યાં તમે હો છો મજા શામાં નથી હોતી?

મોહબ્બત થાય છે પણ થઈ જતાં બહુ વાર લાગે છે,
મોહબ્બત ચીજ છે એવી જે રસ્તામાં નથી હોતી.

ગઝલ એવીય વાંચી છે અમે ‘લીલા’ની આંખોમાં.
અલૌકિક-રંગમય જે કોઈ ભાષામાં નથી હોતી.

અનુભવ એ પણ ‘આસિમ’ મેં કરી જોયો છે જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.