ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ઝ/ઝાડ, ડાળ અને માળો
ઝાડ, ડાળ અને માળો
જયંતિ દલાલ
ઝાડ, ડાળ અને માળો (જયંતિ દલાલ; ‘આ ઘેર પેલે ઘેર’, ૧૯૫૬) લડીઝઘડીને ઘરમાંથી ચાલ્યો ગયેલો આગલી પત્નીનો પુત્ર પરંતપ લાચાર સ્થિતિમાં પોતાની પત્ની વિલાસને લઈ પાછો પિતાને ઘરે આવે છે એ વાર્તાનો મુખ્ય પ્રસંગ છે. તે વખતે પરસ્પર પ્રત્યે સ્નેહ છતાં આશંકા ને ભૂતકાળના બનાવોના ઓથારથી દબાતાં પરંતપ, વિલાસ, નૃસિંહપ્રસાદ ને શાંતિદાની મનઃસ્થિતિનું નાની નાની ઘટનાઓ સંદર્ભે લેખકે જે ઝીણું ચિત્રણ કર્યું છું તે વાર્તાનું બળવાન તત્ત્વ છે. કુટુંબજીવનમાં મળતાં સલામતી, પ્રેમ ને હૂંફ શીર્ષક દ્વારા સારી રીતે સૂચવાયાં છે. જ.