ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ત/તપ

તપ

મોહમ્મદ માંકડ

તપ (મોહમ્મદ માંકડ; ‘કેટલીક વાર્તાઓ: મોહમ્મદ માંકડ’, સં. અસ્મા માંકડ, ૧૯૯૬) ભરવાડ અને કોળી વચ્ચેના ધીંગાણાને કારણે કોળી મોહનને જનમટીપ થાય છે. નાતરાં-જાત છતાં એની જુવાન વહુ લાખુ એના ભાઈની મદદથી ઘર-ખેતી સંભાળે છે ને ઘરડી સાસુની સેવા કરે છે. સાસુના અવસાન પછી પણ પિયર ન જતાં મોહનની રાહ જુએ છે. સત્તર વરસથી જેલમાં ‘તપ’ કરતો મોહન છૂટીને આવી કંતાઈ ગયેલી લાખુને લખણું કરી દઈ લીલીછમ તેજુને ઘરમાં બેસાડી ‘ફળ’ પામે છે. મુખર થયા વિના થયેલું તાતું વ્યંગનિરૂપણ સ્પૃહણીય બને છે.
ર.