ગુજરાતી નારીસંપદા : કવિતા/ઊડવું ગમે

ઊડવું ગમે

જ્યોત્સ્ના શુક્લ

ઊડવું ગમે, મને ઊડવું ગમે,
પૃથ્વીના વાસ મને ઊણા પડે.

ઊડી ઊડી ઊંચે જાઉં, આભલાંની સાથ વસું,
સૂરજ ને ચંદ્ર સાથ ખેલું હસું;
મને ઊડવું ગમે, મને ઊડવું ગમેઃ
પૃથ્વીના વાસ મને ઊણા પડે.

પૃથ્વીના મહેલ છોડું, માનવીનો સાથ છોડું,
પંખીની જેમ ઊંચે ઊંચે ઊડું;
મને ઊડવું ગમે, મને ઊડવું ગમેઃ
પૃથ્વીના વાસ મને ઊણા પડે.

ભીંત નહીં, દ્વાર નહીં, પવન પાંખે વિચરૂં,
વ્યોમમાં અનંત એમ ઘૂમતી ફરું,
મને ઊડવું ગમે, મને ઊડવું ગમેઃ
પૃથ્વીના વાસ મને ઊણા પડે.

પૃથ્વીને વાસ, શુષ્ક માનવીના સાથમાં,
હૈયાના ભાવ મારા દાઝી ઊઠે;
મને ઊડવું ગમે, મને ઊડવું ગમેઃ
પૃથ્વીના વાસ મને ઊણા પડે.

***