ગુજરાતી નિબંધ-સંપદા/અમૃતલાલ વેગડ/ધાવડીકુંડ

ધાવડીકુંડ

અમૃતલાલ વેગડ




ગુજરાતી નિબંધસંપદા • ધાવડીકુંડ - અમૃતલાલ વેગડ • ઑડિયો પઠન: ધૈવત જોશીપુરા

ધ્વનિ અને ગતિથી કેવો સજીવ થઈ ઊઠ્યો છે આ કુંડ!

પ્રપાતોમાં જ નર્મદાને એના સમસ્ત ઐશ્વર્ય સાથે જોઈ શકાય. પ્રપાત એટલે તુષાર-કણોના રૂપમાં નદીનો આકાશને અર્ઘ્ય! પ્રપાત એટલે નદીની રણભેરી! પ્રપાત એટલે નદીનું યૌવન! પ્રપાત એટલે જીવનનો કલ્લોલ!

દઝાડતા તડકામાં જ્યારે ધાવડીકુંડ પહોંચ્યા ત્યારે સૌ પહેલાં દેખાયા હતા નર્મદાના પ્રપાત — લૂમખે લૂમખે લચી પડતા પ્રપાત. જોતા જ રહી ગયા. પછી વિચાર્યું, પહેલાં ક્યાંક રહેવાની વ્યવસ્થા કરી લઈએ, નાહીધોઈ લઈએ, તાજા થઈ લઈએ પછી આને ધરાઈને જોઈશું. ત્યાં સુધી પ્રપાતોની ગર્જના તો નિરંતર સંભળાતી રહેશે. કર્ણે અર્ધૈક દર્શનમ્!

પાસે જ છે ધર્મશાળા — એક ખુલ્લો મોટો વરંડો. એક બાબાને ભરોસે સામાન મૂકીને નહાવા ચાલ્યા ગયા. નહાવાનું ભૂલીને પ્રપાતોનું તાંડવ જોવામાં ખોવાઈ ગયા, પરંતુ અમારું જોવું અનૌપચારિક છે, વિધિવત્ અમે આને નમતા પહોરે જોઈશું. અહીં કાલે પણ રહીશું. નર્મદાની આ અનુપમ કલાકૃતિને એક દિવસમાં ન જોઈ શકાય.

દિવસ નમવા લાગ્યો છે. તડકો મોળો પડ્યો છે. પ્રપાતોને જોવાનો સહી સમય થઈ ગયો છે. અમે નીચે ઊતર્યા અને પ્રપાતોની સામે, નહીં, પ્રપાતોની પડખે જામી પડ્યા. અહીં નર્મદાનું મકાન બે માળનું છે. અહીં એ ઉપરની મેડીએથી નીચે આવે છે. અને જો નર્મદાના બધા પ્રમુખ પ્રપાતોને ધ્યાનમાં લઈએ, તો નર્મદા સાત માળવાળી નદી છે.

નાના-મોટા, પહોળા-સાંકડા, ઊભા અને તિરછા — તરેહ-તરેહના પ્રપાત છે. કેટલાક પ્રપાત ખૂબ આક્રમક છે તો કેટલાક ચટ્ટાનોમાં ઘૂસવામાં કુશળ છે. એકબે છેલછબીલા પ્રપાત પણ છે. સૌથી મોટા પ્રપાતનું પાણી મધ્યમાં હલકા લીલા રંગનું છે. હરિતકંઠ પ્રપાત! ધાવડીકુંડ એટલે પ્રપાતોનો ડિપાર્ટમેન્ટલ સ્ટોર! પોતાની પસંદનો પ્રપાત ચૂંટો, એના પ્રચંડ પ્રવાહને નિહાળો, એની ગર્જનાને સાંભળો, એની છોળોમાં ભીંજાઓ અને એને પોતાનો કરી લો!

નીચે કુંડમાં જે ઘમસાણ ચાલી રહ્યું છે એ તો ઓર લોમહર્ષક છે. સમજમાં નથી આવતું કે અહીં સર્જન થઈ રહ્યું છે કે વિધ્વંસ! ધસમસતા પાણીનું અથડાવું, પછડાવું, ઊછળવું, ઝપટવું, પાછા વળીને ચટ્ટાનોથી ટકરાવું અને પછી ઘૂમરીઓ ખાતાં ખાતાં તેજીથી આગળ વધવું! જાણે હજારો નવલખા હાર વહી રહ્યા ન હોય!

ચટ્ટાનો જોડે ધીંગાણાં કરવામાં નર્મદાને ખૂબ આનંદ આવે છે અને ચટ્ટાન અને નદીની લડાઈમાં વિજય સદા નદીનો જ થાય છે.

આ જ કુંડમાંથી નીકળેલાં શિવલિંગ આખાયે દેશમાં પૂજાય છે. દૂર દૂરથી લોકો શંકરજીની પિંડી લેવા અહીં આવે છે. પણ હમણાં એટલું બધું પાણી છે કે એ કાઢવા સંભવ નથી.

મારું ધ્યાન પ્રપાતો પર ચકરાવા લેતાં પક્ષીઓ પર ગયું. જાણે મને કહી રહ્યાં હોય — જરા અમારી ઉપસ્થિતિ પણ દર્જ કરી લો!

એક ગભરુ પ્રપાત નીચે બેસીને મેં સ્નાન કર્યું અને નર્મદાના ધાવડીકુંડ વિશ્વવિદ્યાલયનો ‘સ્નાતક’ બન્યો.

કાલે પૂર્ણિમા છે — શરદપૂર્ણિમા. અમે અનાયાસે ઠીક સમય પર આવ્યા છીએ. પણ રાત થતાં જ આકાશ વાદળાંઓથી ઘેરાઈ ગયું. અડધી રાતે જોરથી વરસાદ ત્રાટક્યો. વાદળો ઉપર આવડો ગુસ્સો મને ક્યારેય નહોતો ચડ્યો. મારું ચાલત તો એ રાતે હું વાદળોનું પૂતળું બાળત!

ભાગ્યથી સવાર થતાં વાદળો વિખેરાઈ ગયાં. આસમાન સાફ થઈ ગયું.

અમારી ધર્મશાળામાં એક ખૂણે એક નાની ઓરડી પણ હતી. એમાં એક બાબો રહેતો હતો. બહાર જતો ત્યારે તાળું મારીને જતો. અમારો સામાન ખુલ્લા વરંડામાં પડ્યો રહેતો. મેં પૂછ્યું, ‘શું અમે અમારો સામાન તારી ઓરડીમાં રાખી શકીએ?’

‘હું ગાય ચરાવવા નીકળી જઈશ. પછી સાંજે આવીશ.’

‘તો શું તું ગાય ચરાવે છે?’

‘તમે મને કદાચ અહીંનો ચોકીદાર સમજતા હશો. ન તો હું અહીંનો રખેવાળ છું, કે ન ગોવાળ છું. હું તો પરકમ્માવાસી છું. અહીં ચાતુર્માસ કર્યો છે. હવે દેવઊઠી અગિયારસ પછી પાછું ચાલવું શરૂ કરીશ.’

‘તો ગાય કેવી રીતે ચરાવી રહ્યો છે?’

‘ગાય મારી છે. એ પણ પરિક્રમા કરી રહી છે. સાચી વાત તો એ છે પરકમ્માવાસી તો ગાય છે, હું તો એની જોડે જોડે ચાલી રહ્યો છું. માલિક એ છે, હું તો એનો નોકર છું. હા, એના વતીથી પરિક્રમાનો સંકલ્પ મેં કર્યો હતો.’

‘પરકમ્મા ક્યાંથી શરૂ કરી હતી?’

‘અમરકંટકથી. ત્યાંથી જ વાછડીને સાથે લઈને ચાલ્યો. ધીમે ધીમે એ મોટી થતી ગઈ અને ગાય બની ગઈ. રેવા-સાગરસંગમ ઉપર મારી ગાયે એક વાછડીને જન્મ આપ્યો. પરકમ્માવાસીઓએ એનું નામ રેવા પાડ્યું. ગાયનું નામ નર્મદા, વાછડીનું નામ રેવા.

બહાર એક ઝાડમાં એનાં ગાય-વાછડી બન્ને બાંધેલાં હતાં.

‘શું શૂલપાણની ઝાડીમાંથી ગયો હતો? ભીલોએ લૂંટ્યો તો હશે.’

‘મને તો લૂંટ્યો જ, ગાયને પણ લૂંટી. એનો બધો શણગાર લઈ લીધો.’

‘ક્યાંક ગાય લઈ લેત તો?’

‘તો જાન દઈ દેત, પણ ગાય ન આપત.’

એ આમ કરી શકતો હતો.

અંગ્રેજીના સુપ્રસિદ્ધ લેખક આર. એલ. સ્ટીવેન્સને ફ્રાંસમાં ખચ્ચર જોડે એક નાની-શી પદયાત્રા કરી હતી. આનું વર્ણન એમણે એમના પુસ્તક ‘ટ્રાવેલ્સ વિથ એ ડૉન્કી’માં આપ્યું છે. આ માણસ જો ‘ગાય જોડે નર્મદા પરિક્રમા’ પુસ્તક લખે તો એ કેટલું રોચક થાય! એ પુસ્તકનાં થોડાં પ્રકરણ આવાં હોઈ શકે — ‘ગાય શું વિચારે છે’, ‘જ્યારે ભીલોએ ગાયને લૂંટી’, ‘પરકમ્માવાસી ગાય નાવમાં’ વગેરે.

ત્યાં જ ગાયનો ભાંભરવાનો અવાજ આવ્યો. ‘હવે મારે જવું જોઈએ. મારી ગાય મને બોલાવી રહી છે. એને ચરાવવા લઈ જવાનો સમય થઈ ગયો.’

હું પ્રપાતોની સામે ફરી હાજર થઈ ગયો.

દૂરથી નિહાળવાથી પ્રપાતોની રચના સમજમાં આવી. સામે કાંઠેથી આવતી ને આંતરડાંની જેમ ફેલાયેલી ચટ્ટાનો છેક અહીં સુધી આવી ગઈ છે. ચટ્ટાની અવરોધના લીધે નર્મદાનો પ્રવાહ પણ આ બાજુ આવ્યો છે. એથી વધુ પડતા પ્રપાતો આ કાંઠે છે. બધા જ પ્રપાતોનું મિલનસ્થળ છે આ કુંડ. આ કુંડમાંથી નર્મદા નાટકીય ઢબે પાછી સામે કાંઠે વળે છે. જોતજોતામાં એની ધારા સાંકડી થઈ જાય છે અને એક ઊંડી ચટ્ટાની ખીણમાં પ્રવેશ કરે છે. કોઈક કિલ્લાની ઊભી દીવાલો જેવા બન્ને કાંઠા અને વચ્ચેથી પહેલાં તેજ અને પછી ધીમી ગતિથી વહેતી નહેર જેવી સાંકડી નર્મદા. નર્મદાની પ્રતિષ્ઠા એના જળના જથ્થામાં નહીં પણ એના ચટ્ટાની સ્વભાવમાં છે. એના ઉન્મત્ત પ્રપાતોમાં છે. એની ઊંડી ખીણોમાં છે. એનાં વનોમાં છે. એના કાંઠે નિવાસ કરતી જનજાતિઓમાં છે અને વિશેષ તો એના પહાડી પરિવેશમાં છે.

આ જ પહાડો ને ચટ્ટાનોના લીધે અમારે સામેનો કાંઠો એક દિવસ માટે છોડવો પડેલો. મનમાં થયું કે આ કિનારે ચાલીને એ કિનારાને જેટલો બની શકે એટલો જોઈ લઉં અને એને ન જોઈ શકાયાનું દુઃખ કંઈક ઓછું કરી લઉં. એથી ઊંડી ખીણની જોડે હેઠવાસ ભણી ચાલ્યો.

આગળ એક કુટીમાં એક યુવાન સંન્યાસી મળ્યો. ‘તમારું નામ?’

‘શ્રી શ્રી ૧૦૦૮ શ્રીમાન હુજૂરઉદિત કાશી વારાણસી લહરતરા કાશીશ નિર્મલપારખ સંતસાહેબ કબીર.’

‘આવડું લાંબું નામ?’

‘હુજૂરઉદિત મારા ગુરુનું નામ છે. મારું નામ નિર્મલપારખ છે. અહીં ધૂણો ધખાવીને ખુલ્લામાં પડ્યો છું. આકાશવૃત્તિથી રહું છું.’

‘હું હેઠવાસ કાંઠે કાંઠે ફરવા જઈ રહ્યો છું.’

‘ચાલો, હું પણ ચાલું છું.’

એણે પોતાનો દંડો લીધો અને અમે બન્ને ચાલી નીકળ્યા. એક ભેંકાર સ્થળે આવી પહોંચ્યા. એણે કહ્યું, ‘આને ભુંઈટોંગા કહે છે.’

‘મતલબ?’

‘ભુંઈટોંગા એટલે ભીમનો ગૂડો.’

ઊભા ખડક ને ગાઢ જંગલના લીધે હવે આગળ જવું સંભવ નહોતું એટલે પાછા વળ્યા. સંન્યાસી પોતાની ધૂણી પર રહી ગયો. હું પાછો પ્રપાતો પાસે આવી ગયો. પ્રપાતોમાંથી નીકળતાં જલબિંદુઓમાં ઇન્દ્રધનુષ દેખાતું હતું, એ જોતો રહ્યો. એમાં આખું ઇન્દ્રધનુષ નહોતું. એક મોટા ઇન્દ્રધનુષનો આરંભનો ભાગ હતો. જાણે કોઈક તલવારની મૂઠ હોય.

ત્યાં જ હવાની એક ઝાપટ આવી ને તુષારનાં જલબિંદુ મને ભીંજવી ગયાં. એમનાં ઓચિંતા સ્પર્શથી મારા મોંમાંથી આછી ચીસ નીકળી ગઈ.

પ્રપાતોની બિલકુલ પાસે ઊભીને એક માછીમાર જાળ નાખીને માછલી પકડી રહ્યો હતો. આ જ કામ ઉપર ઊડતાં પક્ષીઓ કરી રહ્યાં હતાં. નીચે સાંકડી નર્મદાને ગ્રામીણો નાવથી પાર કરી રહ્યા હતા. તેઓ સિંગાજીના મેળામાં જઈ રહ્યા હતા. મોડી સાંજ સુધી હું આ બધું જોતો રહ્યો.

આજે શરદપૂર્ણિમા છે. રાત આજે પોતાનો મહાનતમ ઉત્સવ ઊજવશે. ભાગ્યથી આકાશ સ્વચ્છ છે. આ પ્રપાતો તો બળબળતા તડકામાંય સારા લાગ્યા હતા. દૂધ જેવી ઊજળી ચાંદનીમાં તો એમની શોભાનું કહેવું જ શું!

પણ મધરાતે પ્રપાતો સુધી એકલા જવાનું સાહસ ન કરી શક્યો. ભયાનક સન્નાટો હતો. આ સન્નાટામાં પ્રપાતોની ગર્જના કાળજાં ફફડાવી મૂકે એવી જણાતી હતી. દિવસે અત્યંત મોહક જણાતાં પ્રપાત રાત્રે કોઈક સાવજની પેઠે હુમલો કરતા જણાતા હતા. કોણ જાણે કેમ, પણ દિવસે જે સ્થાન જેટલું સોહામણું લાગે, રાત્રે એટલું જ બિહામણું લાગે. કેવી દ્વિધા હતી : પ્રપાત મને ગમતા પણ હતા અને મને એની બીક પણ લાગતી હતી. વળી ત્યાં સુધી જવું સહેલું ન હતું. એથી ભેખડ ઉપર ઊભીને જ જોતો રહ્યો.

આમ તો સર્વવ્યાપી ચાંદનીમાં બધું જ દેખાતું હતું — નદીનો પ્રવાહ, સામેનો કાંઠો, કુંડમાં ખાબકતા પ્રપાત — પણ દુગ્ધધવલ કુંડની તો વાત જ ઓર હતી. એ પ્રકાશ-પુંજ શો ઝળાંહળાં થઈ રહ્યો હતો. જાણે વિશાળ ચંદ્ર હોય.

પૂનમની રાતે ચાંદો અહીં જાણે ડોલીમાંથી ઊતરે છે ને પરોઢ થતાં પાછો ખેપે પળે છે.

કહ્યું છે કે રાજાએ રાત્રે સૂવાનું સ્થાન બદલતા રહેવું જોઈએ. રાજા ન હોવા છતાં અમે આ નિયમનું પાલન કરી રહ્યા છીએ. પણ જે સ્થળ જોડે અમે સૌંદર્યસૂત્રથી બંધાઈ જઈએ, ત્યાં બે રાત પણ રહી જઈએ. અહીં અમે બે રાત રહ્યા હતા તેમ છતાં અહીંથી જવાનું, આ પ્રપાતોથી છૂટા પડવાનું, જાણે મન જ નથી થતું. સુદૂર વનપ્રદેશમાં આવેલા આ સુરમ્ય પ્રપાતોને જોવા શું ફરી આવી શકીશ? કદાચ નહીં.

પણ પછી થયું કે કમ સે કમ મારે તો દુઃખી થવું ન જોઈએ. જ્યારે પણ આ પ્રપાતોને જોવા મન ઝંખશે ત્યારે ભેડાઘાટ જઈને ધુઆંધારને જોઈ લઈશ. આમ તો નર્મદા પ્રપાત-બાહુલ્યા નદી છે, પણ એના શ્રેષ્ઠ પ્રપાત બે છે — અમારા જબલપુર પાસેનો ધુઆંધાર અને ઓમકારેશ્વર નજીક ધાવડીકુંડનો આ પ્રપાત. એકને જોઈને બીજાની કલ્પના સહેજે થઈ શકે. કોઈ પણ કહી દેશે કે આ બન્ને માડીજાયા ભાઈ છે, સહોદર છે.

થોડોઘણો તફાવત તો રહેવાનો. ધુઆંધારમાં એક મોટો પ્રપાત છે. અહીં અનેક પ્રપાત છે. ધુઆંધારથી નર્મદા સંગેમરમરની સાંકડી ખીણમાં થઈને વહે છે. ધાવડીકુંડથી પણ નર્મદા એવી જ સાંકડી ખીણમાંથી વહે છે, પણ અહીંની પડવાળી ચટ્ટાનો કાળી અથવા સ્લેટી રંગની છે. બાકી પરિવેશ એવો જ છે જેવો ભેડાઘાટમાં છે. કહે છે કે ઇતિહાસ પોતાને દોહરાવે છે. આ ચમત્કાર અહીં ભૂગોળે કરી બતાવ્યો છે. જ્યારે આ પ્રપાતોની યાદ આવશે અને જોવા મન કરશે તો ધુઆંધાર ચાલ્યો જઈશ. આ વિચારથી આ પ્રપાતોથી નોખા પડવાનો દંશ કંઈક ઓછો થયો.

તેમ છતાં, અહીંથી નીકળતી વેળા, પાછળ વળી વળીને હું આ પ્રપાતોને જોઈ રહ્યો હતો અને કહી રહ્યો હતો — એક વાર હજી તમને જોઈ લઉં, એક વાર હજી…