ગુજરાતી નિબંધ-સંપદા/મણિલાલ હ. પટેલ/પાદર

પાદર

મણિલાલ હ. પટેલ




ગુજરાતી નિબંધસંપદા • પાદર - મણિલાલ હ. પટેલ • ઑડિયો પઠન: મણિલાલ હ. પટેલ

ગઈ કાલ સુધીના ગામની એક છબિ આંખેથી ઓઝલ થતી નથી. એ છબિ તે પાદરની. ચરોતરમાં પાદરને ભાગોળ કહે છે, પણ અમારા પંચમહાલમાં (તથા દક્ષિણે ભરૂચ, સુરત તરફ) ગામના મુખ્ય પ્રવેશને પાદર કહે છે. પાદરેથી જ ગામ પરખાઈ આવે. પાદર એટલે ગામનો ચહેરો-મહોરો. માટેરી, નાળિયેરી, બેઢાળિયાં ઘરોવાળાં ગામો… એનાં મોટાં ફળિયાં… પ્રત્યેક ઘર પછીતે મોટા વાડા, વાડામાં ખળું, ઘાસનાં કૂંધવાં. નાવાધોવાના પથરા ને પાણીનાં માટલાં તેય પછીતે. ઊતરતે ચોમાસે, શરદના દિવસોમાં સીમ ખળે ઠલવાય ને જોતજોતામાં વાડાઓમાં બધે ડાંગર-મકાઈ-બાજરીના ઘાસનાં કૂંધવાં મંડાઈ જાય. ગામ આવાં કૂંધવા વચ્ચે વસેલું લાગે… ગામને પાદરે પણ કોઈકના વાડા પડતા હોય ને ત્યાંય ઘાસની ગંજીઓ કે પરાળના મોટા આંગલા મંડાયેલા હોય. લુણાવાડિયા પાટીદારોનાં આવાં ગામડાં આજેય મોકળાશથી વસેલાં લાગે છે.

પંચમહાલમાં પાદર વગરનું ગામ તમને ભાગ્યે જ મળશે. આ પાદર ગામની શોભા… બધો વટ પડે કે પાડવાનો હોય તે આ પાદરમાં… ઘણા કહેતા સંભળાય કે ‘વટ પડ્યો વડોદરે ટેસ પડ્યો ટેશને, પણ પોતાનું પાદર તે પોતાનું.’ ઘણે દા’ડે ઘેર વળતો મનેખ પણ પાદરની ધૂળમાં પગલું પાડે કે એના જીવને ટાઢક થાય. મા અને માટી બેઉ અહીં પર્યાય હોય છે.

મોટા પાલ્લાનું પાદર મોકળાશવાળું…

ધોરીવાટ ગામ ચીરતી પાદરે આવીને અટકે… તળાવની પાળે થઈને વહી જાય. પાધરી નાના પાલ્લાની બગલમાં થઈને દૂરનાં ગામે જવા… બીજા બે ફાંટા અડખેપડખેની સીમમાં જાય… ઓતરાદો ગાડાં-ચીલો મહીસાગર તરફ વળી જાય… મારગ બધો ધૂળિયો… ધૂળ સાફ… આછી કરકરી ને વધારે સુંવાળી… ગાડાચીલા વધુ રળિયામણા લાગે… એની ટાઢીહેમ ધૂળમાં હુતુતુ ને ખોખો, લંગડી અને પકડદાવ રમવાનાં… એ બહાને વાતે વાતે બથોબથ પડવાનું… ખરા લંગોટિયા ‘દોસ્તારો’ તે આ ધૂળમાં જોડે રમીને મોટા થયા હોય તે… આખા પાદરમાં માફકસરની ધૂળ… વચ્ચે રમવાના મેદાન કરતાં એટલી બધી જગા… જૂની રમતો તો ગામને જાણીતી… પણ બાજુના ગામ મધવાસમાં હાઈસ્કૂલ આવી… એમાં ભણનારા નીકળ્યા… ને એ વૉલીબૉલ લઈ આવ્યા… અમે એ રમવા સાંજે પાદરમાં થાંભલા ખોડીને નેટ બાંધીએ… આખા ગામનાં છોકરાં જોવા ઊમટે… ખેતરે કામે જતાં-વળતાં લોક ઊભાં રહીને જુએ, અચંબિત થાય… બાજુમાં વર્ષો જૂનો કૂવો… કૂવે પાણી ભરવા આવતી સમવયસ્ક કન્યાઓ કે વહુવારુઓ દડો રમતા અમને જુએ એ ‘અવસર’ લાગે ને મનોમન જીવ પોરસાય… રમવા સારુ પડાપડી થાય… લાગવગ લગાડાય… નેટ-દડાના પૈસાની ઑફરો મુકાય… પછી તો એવાં બેત્રણ મેદાનો થઈ ગયાં… વડીલો જરા વીફર્યા… ‘મારાં ઠેહાં ભણવું મેલીને આ દડો કૂટવાનું ચ્યાંથી શીખી લાયાં…!’

પાદર અને ગામની એક ધારે પીપળ નીચે શિવાલય… રમણીક અરાલવાળાની કવિતામાં આવે છે એવું — ખરેખરું ‘શંભુનું જીર્ણ દેરું…’ એને પતરાંની પડાળી… એમાં શીકામાં મૂકેલો ઘડો તે શિવજીની જળાધારી… ટપક્યા કરે… ખાલી ઘડો અમેય ભરી દઈએ… એના જીર્ણતૂટ્યા ઓટલે ખમીસ કાઢી આડા પડીએ… ચોમાસે વરસાદ ખેંચાય ત્યારે શિવજીને પાણીમાં ડુબાડી અકળાવવા આખા ગામના મોટિયારો બપોરે હલ્લો કરીએ… શિવજી અકળાય અને એકબે દનમાં વાદળાં થાય, પછી વરસાદ પડે… અમને શિવજીમાં શ્રદ્ધા વધે. પીળી કરેણનાં ફૂલો સિવાય ત્યાં કદી બીજાં ફૂલો ભાળ્યાં નથી… ગામમાં શિયાળે હજારીગલ થાય કોકના વાડામાં… ક્યાંક મળે બારમાસી… બાકી ફૂલો તો લક્ઝરી ગણાય મારા ગામમાં, આજેય! એ શિવજીની પૂજા કરવા મધવાસથી એક વૃદ્ધ બ્રાહ્મણ સોમવારે આવતા… ઘી-આટો ઉઘરાવીને પાછા વળી જતા.

પાદરના કૂવા પાસ ચૉરો — એની પડખે બે પાળિયા. લડતાં લડતાં ખપી ગયેલા કોક રજપૂતની કથા એમાં જોડાયેલી. હોળી-દિવાળીએ આ પાળિયાની પગથારે દીવા મુકાય. બાકી ચૉરે નિશાળેથી નાસી આવેલાં ટાબરિયાં પત્તાં રમવાનું શીખ્યા કરતાં… ઓતરાદી પા નિશાળનું નોંધારું ને નવું મકાન થયેલું. રાવજીની નવલકથાની નાયિકા ‘લલિતા’ બદલી થઈને રાવજીના ગામની નિશાળમાં જાય છે. એ વાંચું ત્યારે લલિતા હંમેશાં મને આ મારા ગામની નિશાળમાં ભળાઈ છે. કેમ કે એમાં એક એવાં શિક્ષિકાબહેને ઘણાં વર્ષો નોકરી કરી છે. જાતે સંસાર મૂકીને શિક્ષણ સ્વીકારેલું. સદાય સફેદ વસ્ત્રોમાં એમને જોયેલાં… ને ‘મીરાં’ના નામોચ્ચાર ટાણેય મનમાં પાછાં એ જ મૂર્તિમંત થઈ રહે. મારી નિશાળ તો કોઠિયે ને પડસાળે બેઠેલી… આ તો નવી નિશાળ! પણ એમાં ઘણી વાર માસ્તરોનાં ચા-પાણી, ડોડા શેકવા, ભજિયાં-નાસ્તાની મહેફિલો વિશેની વાતો થાય… પાદરની શોભામાં ખસૂસ વધારો કરતી એ નિશાળ આજેય ઉજ્જડ પાદરે નતશિરે અદબથી ઊભી છે. એ દેખાય…! કૂવાની સામે મોટો વડલો. બાજુમાં આઘો ખખડધજ લીમડો વડ મૂકો ને નાનકડી તળાવડી. વડની બીજી તરફ મકતી જગા. એમાં ફાગણી પૂનમે હોળી પ્રગટે. તળાવડીની સામે પાર બે કોઠીનાં ઝાડ. એ ઝાડ નવા વર્ષે ઝાયણીએ દર્ભની વણેલી તોરણ બંધાય. ગાયો ભડકાવવા લોક ભેગું થાય. હોળી પ્રગટે એ જગાની બાજુમાં બે મોટાં આંબલીનાં ઝાડ, એ ભૂતઆંબલી કહેવાય. રાતે બાર વાગ્યા પછી પાદરમાં ચૉરા પાસે જોગણીઓ રમવા ઊતરે. ગરબાની ઘૂમર મંડાય. જોનારું છળી જાય તો તાવ ચડે ને મરણ થાય એવી વાયકા. પાદરમાં ત્રિભેટે બેડિયાં મુકાય ને ઉતાયણાં (રોગદોગ વાળેલાં મંત્રતંત્રનાં પાણી કંટાળાં-ઘડા વગેરે…) નીકળે. દિવસે કૂવાકાંઠો ખાલી જ ન પડે, રમનારાં છોકરાં, વડ નીચે વાગોળતાં ઢોર, વટેમાર્ગુઓ; પણ રાતે પાદર ભેંકાર. વાતો એવી વહેતી થયેલી કે નબળોપાતળો જીવ એ તરફ સાંજના નવ પછી ડાફેર પણ ન મારે…

પાદર પ્રસંગે ટાણે ઘરઆંગણું. પરણવા ઊઘલીને આવતી જાનનો મુકામ પાદરના વડ નીચે. કન્યાવિદાયની ભીની ક્ષણો તળાવની પાળેથી વિખૂટી પડે. સીમંતવાળી વહુવારુ શિવજીને પગે લાગવા આવે ને પાળિયાઓનાં દર્શન કરે. વરને ગાનારીઓ અહીં પાછી ધારો રમે. ગામના પરણવા ચઢેલા યુવાનોનાં ફુલેકાં પાદર ચંપાઈને પાછાં વળે. એમાં પ્રેમીઓનાં આંખ-મન મળ્યાંના લહાવા ભળે. હોળીના ઢોલ પણ અહીં ઢબૂકે. સાઠ વર્ષના કણબી એવે ટાણે તાનમાં આવી દાંડિયા રમે. પગી-બારિયા ઢોલ સાથે વેશ કાઢી રમવા આવે. ચાર ચાર ગામના ઢોલ ભેગાં થાય. ગામો ઊમટે, યૌવન રમણે ચઢે. જોનારાંથી ઝાલ્યાં ન રહેવાય એવા થનકારા થાય. હોળીએ શ્રીફળ ચારવા નવા પરણેલા મોટિયાર આવે ને પહેલી વાર દીકરાના બાપ બનેલા ફરજિયાત આવે. નારિયેળની બાધા થાય. દીકરાને પગે લગાડાય. વહુદીકરીઓ ઘૂમર માંડીને ગાય :

‘ઊંડો કૂવો તે માદળ સાંકડો રે… અલ્યા સરખી સાહેલીની જોડ્ય મારા વાલા…’

ફાગણી પૂનમની ચાંદનીમાં પાદર પલળી જાય. સૌ નિરાંતે બેસે, વાતે ચઢે. ક્યાંક નવી આવેલી વહુવારુઓ ધૂળ ઉરાડી ધુળેટીનો આરંભ કરે. કોક દિયરિયો ભાભીના ઓરતા પુરાય કરે. ધીમે ધીમે હોળી ઠરે. ટાઢ લઈને શિયાળો નદીકાંઠે ચાલ્યો જાય. ઉનાળાના બાકળા ભૂતઆંબલીએ વેરીને લોક ઘેર જાય, હોળીનો ચોકીદાર રહે — એ જ જાણે ઉનાળો!

બેસતા વર્ષનો દા’ડો તે ઝાયણી. દેશદેશાવર — અમદાવાદ, વડોદરે કે સુરત કમાવા ગયેલા મોટિયારો, કારખાનેદારો, માસ્તરો ને મહેતીઓ દિવાળી ઉપર અચૂક ઘેર આવે. ઝાયણીની સાંજે બધાં ભેગાં થાય પાદરમાં. ગોવાળ દર્ભઘાસના ભારા લાવ્યા હોય, એમાંથી જાણતલ વડીલો સાત પૂતળીઓવાળી ઝાડી તોરણ વણે. નોકરિયાતોનાં ઊજળાં ને નવાં કપડાં ઘેર રહેનારાં કુતૂહલથી જોઈ રહે, કોક ભાવ પૂછે. અચંબાથી આંખો પહોળી કરે. સૂતળી-બૉમ્બ ફૂટે, પરદેશી હવાઈ ને બલૂન લાવ્યા હોય તે ચઢે. ગાયો તોરણ ચઢાવવા માટે ભડકાવીને લાવે. લક્ષ્મી છાપ જાડા ફટાકડા ફૂટે. ગાયો ભડકે ને દોડે, જેની ગાય તોરણ નીચેથી પહેલી પસાર થાય તેને ઘેર ગોળધાણા ખવાય. તારામંડળ સળગે ને સૌ લોક બબ્બેની લાઈનમાં થઈને ખભેખભો મિલાવી, ‘રામ રામ’ બોલતાં બોલતાં ભેટે-મળે. આખા વર્ષનાં વેરઝેર ભૂલીને મળે ને થોડી વારમાં પાછું પાદર અંધારું ઓઢીને એકલું થઈ જાય. નવું વર્ષ ઘેર ઘેર દાળભાત-કંસારમાં પડે. એ જ મીઠાઈ ને એ જ મેવા. વાત પાછી વર્ષને ઓથે પડે. ગંભીર વડ બધી વાતનો સાક્ષી બની રહે.

આ પાદરે જતીવળતી જાનના વિસામા થાય. હાથીવાળા બાવાઓ પડાવ નાખે. દોરડે ચાલનારા નટના ખેલ થાય. ભવાઈના વેશ અને અમે કરેલાં એવાં નવા જમાનાનાં નાટકો થાય તેય આ પાદરમાં. લવારિયા ગાડાંના પૈડે વાટો ચઢાવવા આવે, જિપ્સીઓના ડેરા પડે. માગનારા રાવળિયા પણ પાદરે ઊતરે. ગામમાં મરણ ટાણે કાણે-મોંકાણે આવનારાં બૈરાં પાદરે પહેલું મ્હોંવાળે! આદમી ત્યાં એકઠા થઈને પછી આગળ વધે. વળતાં બધાં પાદરેથી વીખરાય. છાનાંછપનાં મળનારાં કાઠી છાતી રાખીને રાતે પાદરમાં ખૂણેખાંચરે મળે, ભૂતપ્રેત એમને કાંઈ ન કરે. સીમના રખોપિયા અધમધરાતેય પાદર પાર કરી જાય-આવે. મરણ પામનારની નનામી પાદર થઈને પહોંચે મહીકાંઠાના મસાણે. સૌભાગ્યવતીના ચૂડા ફૂટે પાદર તળાવની પાળે. રોન ફરનારા પાદરેથી દિશા વહેંચીને નીકળી પડે. પાદરેથી ગાડાં જોડાય પરગામ જવા ને પરગામીનાં ગાડાં છૂટે આ પાદરે.

મધવાસ ને મુવાડાનાં મનેખ પાદરને ‘ગુંદરો’ કહે, એટલે કે ગોંદરો. એવાં ગામોમાં પાદરે મંદિર હોય, ડેરી કે પંચાયતઘર હોય, નાની હોટેલ-હાટડી કે એકાદ પાનનો ગલ્લો મળી આવે. નવો જમાનો બેઠો છે — હવે પાદરે ચહેરો બદલાવી લીધો છે. બસસ્ટૅન્ડોએ પાદરને વરવાં કે વિકૃત કરી નાખ્યાં છે. નબળાં લોકના અડ્ડા બની ગયાં છે પાદર તો. મારા ગામનું પાદર ઊજડી ગયું છે. ’૭૩નાં પૂર ગામમાં ફરી વળેલાં. નીચી ફળી ને લુહારવાડો જમીનદોસ્ત થઈ જતાં ગામ અડધું નવી વસાહતે વહી ગયું. હવે શિવાલય નથી રહ્યું. શિવજીને નાની દેરીમાં જેલવાસ અપાયો છે. ચોતરો પડી ગયો છે, પાળિયા પથરાને ટેકે ઊભા છે. કૂવાની વંડીઓ તૂટી ગઈ છે. લીમડો કપાઈ ગયો છે. વડ પાંખો પડી ગયો છે. તળાવડી દબાણોમાં ચાલી ગઈ છે. ભૂતઆમલીને ભૂતાં ખાઈ ગયાં છે. એકલીઅટૂલી નિશાળ નિરાશામાં ગરક છે. ઊબડખાબડ પાદરે હવે હોળી-ઝાયણી ઝાંખાં પડીને ભૂંસાવા માંડ્યાં છે. પાકી સડકના સ્ટૅન્ડે ગામ વળી જતાં પાદર ‘પાધર’ થઈ ગયું છે, પણ મારા મનમાં પાદર હજી અકબંધ છે. ૧૯૯૬