ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/શ્રવણબેલગોડા

૧૮
સુન્દરમ્ [ત્રિભુવનદાસ લુહાર]

શ્રવણબેલગોડા






ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા • શ્રવણબેલગોડા - સુન્દરમ્ • ઑડિયો પઠન: મનાલી જોશી


સૂર્યોદય થયા પૂર્વે જ અમે ટેકરીના મૂળ પાસે જઈને ઊભા રહી ગયા. જ્યાંથી ઉપર ચડવાનું હતું તે ભાગ જરા ઊપસેલો હોઈ રસ્તાનો વચલો વિસામો જ અમને દેખાતો હતો અને શિખર અદૃશ્ય હતું. ગામની ભાગોળેથી આખી ટેકરી સળંગ દેખી શકાય છે. પગના જોડા તળેટીના પગમાં મૂકીને અમે આરોહણ શરૂ કર્યું.

ટેકરીની અંદરથી જ પગથિયાં કોરી કાઢ્યાં હતાં. સફેદ રતૂમડા રંગની ટેકરીમાં કોતરેલાં પગથિયાં વધારે ઊજળાં સફેદ રંગનાં હતાં. ટેકરીની વિશાળ ગૌરવર્ણી કાયા ઉપર જાણે શુભ ઉપવીત ન પડ્યું હોય તેમ પગથિયાંની હાર વાંકીચૂંકી થતી ઉપર ચાલી જતી હતી.

આખા મૈસૂર રાજ્યમાં, બલ્કે હિંદભરમાં આવી ટેકરી મળવી મુશ્કેલ છે. લગભગ હજાર ફૂટ ઊંચી એ ટેકરી એક આખો જ પથ્થર છે. કોઈ વિરાટ વાડકો ઊંધો વાળ્યો હોય જાણે! એના શિખર ઉપરથી નીચે નજરને નાખો તો તે એક જ ધસારે ઠેઠ તળેટી સુધી પહોંચી જાય. ટેકરીની દક્ષિણ અને પૂર્વમાં ઘર ઘર જેવડા ઊંચા થોડા છૂટા પથ્થરો છે; પણ તે તો નાની ભેંસો ચરવા આવી હોય તેવા લાગે છે. એ ટેકરીને મથાળે શિખા જેવાં થોડાં ઝાડ છે. બાકી એનું આખું શરીર ચોખ્ખું ચટ!

આવી અનન્ય રમણીયતાને જોઈને જ આ ટેકરીને તીર્થધામ કરવાની જૈનાચાર્યને પ્રેરણા થઈ હશે. અને તેને અનુરૂપ જ તેમણે તેના ઉપર મંદિર આરંભ્યું હશે. ગુજરાતમાં જૈનોની સ્થાપત્યરુચિ સામાન્ય રીતે નાજુકતામાં જ વિકસી છે; પણ અહીં દક્ષિણમાં તેમણે એ નાજુકાઈને પ્રવેશવા દીધી નથી. આ ભવ્ય સળંગ ટેકરીને માથે તેમણે ટેકરી કરતાંયે ભવ્ય એક પ૮ ફૂટ ઊંચી દિગમ્બર પ્રતિમા સ્થાપી દીધી છે. એ જ ગોમટેશ્વર અથવા બાહુબલિ. આવી મહાકાય જૈન પ્રતિમા દક્ષિણમાં બીજે પણ છે; પણ સૌમાં સુંદર તો આ જ છે.

ટેકરીનો તસુએ તસુ ઇતિહાસથી ભરેલો છે. ઈ.સ. પૂર્વે ત્રીજી સદીમાં સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યે અહીં આવીને દીક્ષા લીધી હતી અને અહીં જ જીવનસમાપ્તિ કરી હતી. જોકે બીજા ધર્મોએ પણ ચંદ્રગુપ્ત ઉપર પોતાનો હક્ક નોંધાવ્યો છે. મહાવીરની ધર્મસ્થાપના પછી થોડા જ વખતમાં એટલે કે આજથી લગભગ ૨૫૦૦ વર્ષ પૂર્વે આ તીર્થની સ્થાપના થઈ હોવી જોઈએ. હિંદુસ્થાનના સ્થાપત્યનો એ ઉજ્જ્વળ કાળ હતો. શિલ્પની પ્રતિભા અવનવી કલ્પનાઓ કરતી હતી. તેણે આ એક ભાવ્યાતિભવ્ય સર્જન કર્યું. મહાવીરની તપશ્ચર્યાને વિરાટ રૂપે મૂર્તિમંત કરી.

વચ્ચે વચ્ચે આરામ લેતા અમે ઉપર ચડતા હતા. પગથિયાંની એકસરખી હાર છેવટે કંટાળારૂપ બની જાય છે; ચડવામાં પણ તે બહુ મદદગાર નથી બનતાં. અને તે કેટલાં બધાં અગવડરૂપ તથા શ્રમોત્પાદક હોય છે તે આવાં હજારેક પગથિયાં ઊતરવાનાં હોય ત્યારે તરત ધ્યાનમાં આવી જાય છે.

અહીં તો મજાના સરળ ઢોળાવવાળી ટેકરી હતી. છતાં ડુંગર ચડવાને ટેવાયેલા નહિ હોવાને લીધે અમને જરા જરામાં થાક લાગી જતો હતો. ટેકરીનું શિખર તે અદૃશ્ય જ હતું. બાહુબલિની આટલી ઊંચી મૂર્તિ કેમ નથી દેખાતી એ વિચારમાં હું મૂંઝાતો હતો. અમે બીજો વિસામો વટાવ્યો, અને મંદિરનો ભાગ દેખાવા લાગ્યો.

મંદિરની દીવાલોમાં ગેરવા અને સફેદ રંગના સરખે અંતરે ઊભા પટા હતા. મેં પ્રથમ તો એમને પથ્થરનો જ સ્વાભાવિક રંગ માની લીધો; પણ નજીકમાં જતાં જણાયું કે એ તો રંગ જ લગાવ્યો હતો. આ પણ એક વિલક્ષણ રંગવિધાન; પરંતુ દક્ષિણમાં બધે જ–ઠેઠ કન્યાકુમારી સુધીનાં મંદિરમાં દીવાલો આ રીતે રંગેલી જોવામાં આવી. પથ્થરોને પોતાના રતુમડા ધોળા સ્વાભાવિક રંગ તો હોય છે જ; એના પર આ સસ્તો ને સહેલો ગેરવો રંગ લગાવી દઈ, દીવાલના રંગની અનેકવિધતાનો કોયડો બહુ સહેલાઈથી આ લોકોએ ઉકેલ્યો લાગે છે.

મંદિરમાં આડાંઅવળાં પગથિયાં ચડતાં અમે ઉપર એક અગાસી જેવા ભાગમાં આવ્યા. પૂર્વમાં સૂર્યોદયની તૈયારી જોવા મેં નજર માંડી. ત્યાં શ્રીકાન્ત બોલી ઊઠ્યા, ‘જુઓ જુઓ, આમ અહીં!’

મેં જમણી બાજુ નજર નાખી, અને બાહુબલિની વિરાટ મુખાકૃતિ, ઉત્તર દિશામાં મીટ માંડીને ઊભેલી દેખાઈ. એનો આ તરફનો પ્રલબિંત કર્ણ, ગૂંચળિયા વાળ, અને આગળ પડતો અધરોષ્ઠ ઘનાંધકારમાં ઝબકતી વીજળીની ચપળતા અને સુરેખતાથી મારી આંખોમાં પ્રવેશી ગયા.

થોડુંક ચડીને અમે બાહુબલિની સન્મુખ આવી પહોંચ્યા. દોઢસો-બસો ફૂટ ઊંચાં ઝાડ કે હજારો ફૂટ ઊંચા પર્વતો આપણને વિરાટ નથી લાગતા. પૃથ્વીના પૃષ્ઠની સરખામણીમાં તેઓ પોતાની લઘુતા છુપાવી શકતાં નથી; પણ પૃથ્વીના પૃષ્ઠ પર કદી ન જોવામાં આવતા એવા માણસથી દસગણો માનવ આકાર જોયા પછી આંખને વિરાટપણાની કલ્પના કરવા બીજે કશે જવા દેવાની જરૂર નથી લાગતી.

મૂર્તિનાં ચરણથી થોડે દૂર ઊભેલા અમે તેની હડપચી જ જોઈ શકતા હતા. તેનું શીશ આકાશમાં મળી ગયું હતું. સુકોમળ થડ જેવા બે સુદીર્ઘ પગ ઉપર ટટાર છાતીએ પોતાના આજાનુબાહુને ઝૂલતા રાખીને સ્થિર નેત્રે બાહુબલિ ઊભા છે. એમની પાછળ એમના માત્ર ઢીંચણ સુધી પહોંચતા એક હાથી જેવડો ખડક છે. એ ખડકમાંથી બાહુબલિની બેય બાજુ ઝાડની ડાળીઓ કોતરીને તેમને બે ઢીંચણ વચ્ચેથી લઈ જાંઘ ફરતી વીંટાળીને હાથ ઉપર ચડાવી ઠેઠ બાહુમૂલ સુધી પહોંચાડી શિલ્પીએ બાહુબલિને મહા વનમાં તપ કરતા ઊભેલા બતાવવાનું કાર્ય બહુ મધુર વ્યંજનાથી સાધી લીધું છે. એ ડાળીઓ પરનાં પીપળનાં પાંદડાં ખૂબ સુંદર સુશોભન બની ગયાં છે. મહારણ્યમાં તપ કરતા બાહુબલિના અંગ પર એક વસ્ત્ર નથી. જે તપસ્યા હજારો વર્ષની હોય ત્યાં કયાં વસ્ત્રો પંચભૂતોના આઘાતને વેઠી શકે? એ તો માત્ર તપના આંતરિક અગ્નિથી પ્રદીપ્ત એવું શરીર જ ત્યાં ટકી રહે. મૂર્તિ તદ્દન દિગંબર છતાં તેનો એકે અવયવ જુગુપ્સા કે અન્ય પ્રકારની ભાવના જન્માવતો નથી. એક નરી દિવ્ય પવિત્રતા તેમાંથી ઝર્યા કરે છે. કમરનો ભાગ એક પાતળી રેખાથી જુદો પાડ્યો છે. વિશાળ વક્ષઃસ્થળ, સુપુષ્ટ બાહુ, તે પર દૃઢ ગરદન અને તે પર પ્રલંબ કર્ણવાળું, નાની જટાથી મંડિત સુડોળ વદન અને તેના અધરોષ્ઠ ઉપર કોક દિવ્યતાનું દ્યોતક બની વિલસતું શાંત સૌમ્ય અલૌકિક સ્મિત!

મૂર્તિની વિરાટતા હૃદયને ક્ષણ વાર ધબકતું અટકાવી દે છે. પણ મૂર્તિકારે આટલાં મોટા અંગોમાં – દોઢ ફૂટ જેટલી લાંબી આંગળીઓ, ચાર ફૂટ જેટલી પગની પાનીઓ, એક ફૂટ જેટલા લાંબા હોઠ વગેરેમાં આકારની રે સુષ્ઠુતા જાળવી છે, ત્વચાની કોમળતા ઉતારી છે તેથી મૂર્તિ તદ્દન સૌમ્ય જ લાગે છે. આમ પ્રથમ નજરે રાક્ષસી લાગતી મૂર્તિમાં ક્યાંય રાક્ષસીપણું નથી. કેવળ ભદ્રતા જ એમાંથી નીતરે છે. થોડી જ ક્ષણોમાં આપણે મૂર્તિથી પરિચિત થઈ જઈએ છીએ. એનામાં આત્મીય ભાવ જગવવાની કોક અજબ શક્તિ લાગે છે. બાળપણમાં જે કુતૂહલમિશ્રિત આશ્ચર્ય ભાવથી આપણાં મોટેરાંઓનાં આપણા કરતાં કેટલાય ગણાં આંગળાં–હાથ-પગ જોતા હતા તે જ કુતૂહલમિશ્રિત આશ્ચર્ય ભાવ આ મૂર્તિ સંમુખ આપણામાં વ્યાપી રહે છે. જગત સમસ્તને આ બાહુબલિ પોતાના આગળ બાળક જેવા કરી દે છે.

આ વિરાટરૂપ મૂર્તિનો સરજનહાર માણસ જ છે એ ખ્યાલ આપણને રહેતો છતાં આ મૂર્તિવિધાનની કળાશક્તિથી અતિરિક્ત એવી માણસની વિરાટતા કલ્પવી મુશ્કેલ લાગે છે. વિરાટ તો આ જ છે. માણસ જો વિરાટ હોય તો તે પોતાનાં આવાં વિરાટ સર્જનો રૂપે જ છે.

અમે બાહુબલિનાં ચરણ નજીક ગયા. બારે માસ કેવળ આ ચરણની જ પૂજા થાય છે, આવી મૂર્તિને સર્વાંગ અભિષેક પંદર વર્ષે એક વાર આપવામાં આવે છે. તે વખતે આખા ભારતવર્ષના જૈનો અહીં ઊમટે છે. શેત્રુંજય પર્વત ઉપર પણ આવી એક જિનેન્દ્રની પદ્માસનસ્થ મૂર્તિ છે. તેની પણ રોજ તો માત્ર ચરણપૂજા જ નિસરણી મૂકીને કરવામાં આવે છે.

આ મૂર્તિને મકાનમાં બદ્ધ નથી કરી એ સારું જ થયું છે. આટલી મોટી મૂર્તિને રચનાર શિલ્પી ધારત તો તેને સમાવી શકે તેવું એક ભવ્ય મંદિર રચી શકત; પણ અનન્ય રમણીય ટેકરાની ટોચ ઉપર તે શિલ્પસર્જનની ટોચ જેવી અન્ય રમણીય પ્રતિમા સ્થાપીને જ ખૂબીથી અટકી ગયો છે. અથવા એમ કહો કે જે જગતને આશ્રય આપી રહ્યો છે તેને આશ્રય આપવાની ધૃષ્ટતા ન બતાવવામાં માણસે ડહાપણપૂર્વક પોતાની નમ્રતા સ્વીકારી લીધી છે.

આ અખંડ તપસ્વીને આશ્રયની શી જરૂર હોય? એને ટાઢ તડકો લાગતાં નથી. ઝાડ-ઝાંખરાંનો એને ભય નથી, કારણ એના શરીર ઉપર જ આખું અરણ્ય આશ્રય પામી રહ્યું છે. પ્રકૃતિનાં પાંચે તત્ત્વો એને આશ્રયે રહી તેની પૂજા કરે છે. આકાશના છત્ર હેઠળ, સૂર્યચંદ્રાદિકથી આરતી પામનાર, ઉપવનોની સુગંધ વહી લાવતા પવનથી ધૂપ પામનાર, અને મેઘના વારિથી અભિષિક્ત થનાર આ બાહુબલિના ચરણની જ માત્ર માણસ પૂજા કરે, તથા પંદર વર્ષે તેને સર્વાંગ અભિષેક આપવાનો પ્રયત્ન કરે તો તે પણ દેવ અને માનવની શક્તિના પ્રમાણનંત બરાબર જ સૂચક છે ને?

મૂર્તિની આજુબાજુ ખુલ્લો ચોક છે અને ચોકને ફરતી થાંભલાઓ ઉપર એક અગાસી છે. અગાસી પર ચઢીને અમે મૂર્તિની પીઠ તરફ ગયા. પીઠની રેખા પણ અત્યંત સરળ સુંદર હતી. અગાસી મૂર્તિના નિતંબ ભાગ સુધી પણ પહોંચી નથી. ત્યાં આગળ નાનો કઠેડો રચી લેવામાં આવ્યો છે તેને બતાવી શ્રીકાન્ત બોલ્યા : ‘અમે નાના હતા ત્યારે એ નહોતો. અમે અહીં રમવા આવતા અને વરસાદ આવે ત્યારે ત્યાં બે પગ વચ્ચે ભરાઈ જતા!’

પ્રદક્ષિણા ફરતાં અમે મૂર્તિની સન્મુખ આવ્યા. આખું મુખારવિંદ સ્પષ્ટ દેખાયું. નીચલા હોઠ ઉપરના સૌમ્ય સ્મિતનું દર્શન હવે જ બરાબર થયું. અમે એનું સર્વાંગદર્શન અંતરમાં ઉતાર્યું.

અમે નીચે ઊતર્યા. મૂર્તિની સામે એક લાંબા બાજોેઠ પર ચોખામાંથી મનોરમ આકૃતિઓ રચી, તે પર પુષ્પ મૂકી, અને છોલેલી નારંગીમાં અગરબત્તી ખોસી – નારંગીમાં અગરબત્તી ખોસવાની કલ્પના જ કેટલી મનોરમ છે! – ત્રણ સ્ત્રીઓ મધુર કંઠે સ્તવન કરતી હતી. હાથ જોડીને તેઓ ઊર્ધ્વનેત્રે દેવ તરફ જોઈને ગાતી હતી.

ત્રણે સંતાનપ્રાર્થિની હતી. શ્રીકાન્ત પોતાના ગામની એ સ્ત્રીઓની કથા જાણતા હતા. બાહુબલિનો એ વિષયમાં વિશેષ મહિમા છે. કહેવાય છે કે સંતાન વિનાની સ્ત્રીએ જઈને મૂર્તિના પગને ભેટે છે, અને તેમને સંતાન મળે છે.

મંદિરની સન્મુખ એક મંડપ છે અને મંડપની પાસે દરેક જૈન મદિરમાં હોય છે તેવા એક બ્રહ્માસ્તંભ છે, મ્યુનિસિપાલિટીનાં ગઈ પેઢીનાં ફાનસોના આકારનો જ, પણ તેથી ઘણો મોટો. એ થાંભલાની ઉપરના ફાનસ જેવા ભાગમાં બ્રહ્માની મૂર્તિ દેવનાં દર્શન કરતી બેઠેલી હોય છે. જૈનોએ ઘણા બ્રાહ્મણદેવોને પોતાના કર્યા છે; પણ અહીં એક વિશેષ મહત્ત્વની વસ્તુ છે તે છે આ બ્રહ્માની નીચે ઊભી રહેલી એક સ્ત્રીપ્રતિમા.

બાહુબલિની એ પરમ ભક્ત એક ભરવાડણ હતી. શ્રવણ રાજાને આ મૂર્તિની સ્થાપના કરતી વખતે અભિમાન થયું કે ‘અહોહો, ગોમટેશ્વરની આવી અજોડ પ્રતિમા કોઈએ પણ સ્થાપી નથી! મેં કેટલું દ્રવ્ય ખર્ચ્યું છે! હું કેવો પરમ ભક્ત!’ અને સંગ્રહેલા હજારો મણ દૂધથી મૂર્તિને અભિષેક કરવાનો તેણે પ્રારંભ કર્યોર્. પણ દેવના શરીરને દૂધનો સ્પર્શ જ થયો નહિ. દેવે એ દૂધ સ્વીકારવાની જ ના પાડી દીધી.

બધા ભક્તો વિસ્મય પામ્યા. ધર્માચાર્યો દેવની સ્તુતિ કરવા લાગ્યા. રાજા મૂઢ બની ગયો. પુરોહિતો વિચારવા લાગ્યા કે ક્રિયાવિધિમાં કંઈ ચૂક તો નથી થઈ ને? ત્યાં ગુડિકાયા નામની ગોમટેશ્વરની પેલી પરમ ભક્ત ભરવાડણ પાસે થઈને નીકળી. દેવની પ્રતિષ્ઠાના આ સમારંભમાં તેને ખાસ રસ ન હતો. લોકોને ચિંતાતુર જોઈ તેણે પૂછ્યું, ‘શું છે?’

‘દેવ દૂધનો અભિષેક સ્વીકારતા નથી.’

‘થોભા જરા.’ કહી તેણે આજુબાજુ વેરાયેલાં નાળિયેરનાં કાચલાંમાંથી એક કાચલું ઉપાડી લીધું અને પોતાના સ્તનમાંથી દૂધ કાઢી તે ભરી દીધું. ‘લો, દેવને આટલું મારું ચડાવજો.’

કુતૂહલી લોકો એ દૂધ લઈને ગયા. તે દેવને ચડાવાયું. અને પછી મૂર્તિ બીજા દૂધનો સ્વીકાર કરવા લાગી. શ્રવણ રાજાનું અભિમાન ઊતરી ગયું. અને પોતાના કરતાં મહત્તર ભક્ત એવી ગુડિકાયાની મૂર્તિની તેણે સ્થાપના કરી. અહીં શ્યામ પથ્થરમાંથી આકારાયેલી નમણી કાયાવાળી ગોમટેશ્વરનાં દર્શન કરતી તે હાથમાં કાચલી લઈને ઊભી છે.

અહીં બીજી નવાઈની વસ્તુ એક લટકતો થાંભલો છે. ચાર થાંભલાના મંડપની વચ્ચે લાગે છે તો જાણે નીચેની વેદી ઉપર જ ટેકાયેલો; પણ એનો ખરો ટેકો તો મંડપના મથાળાના પથ્થરોમાં છે. નીચા બેસીને જોઈએ તો થાંભલા અને વેદી વચ્ચે ચોખ્ખું અર્ધા ઈંચનું અંતર દેખાય છે.

મંદિરની આજુબાજુ કેટલાંક પાતળા થડનાં કશાય આકર્ષણ વિનાનાં ઝાડ હતાં. શ્રીકાન્તે અમને તે ઓળખાવ્યાં. ‘આ ચંદનનાં ઝાડ!’ ‘એમ?’ જરા આશ્ચર્ય પામી મેં થોડાંક પાંદડાં તો સૂંઘી જોયાં. કશી સુગંધ વિનાનાં એ પાંદડાં સામાન્ય પાંદડાં જેવાં જ હતાં. ‘સુવાસ કેમ નથી આવતી?’ મને પ્રશ્ન થયો. પણ એનો જવાબ તો પેલા સંસ્કૃત કવિએ આપી રાખેલો જ છે. ઘૃષ્ટં ઘૃષ્ટં પુનરપિ પુનશ્ચન્દનં ચારુ ગન્ધમ્!

સૂર્ય ઊગી ચૂક્યો હતો. અને ટેકરી ક્યારનીયે સુવર્ણ દુકૂલથી અલંકૃત થઈ ચૂકી હતી. આજુબાજુની સપાટ ભૂમિ આંખને આકર્ષી રહી હતી. એની ક્ષુદ્ર વિગતો બધી લોપાઈ જઈ જમીનના પૃષ્ઠ પરના આછા રાતાશ્યામળ અને લીલા રંગની છાયાઓ દૃષ્ટિએ પડતી હતી. ઉત્તર બાજુ ટેકરીના પગ પાસે આખું ગામ હતું. ગામના દક્ષિણ ભાગમાં હારબંધ જૈનમંદિરો હતાં. પશ્ચિમ ભાગમાં એક સુંદર તળાવ ચોરસ હીરા જેવું પડ્યું હતું. એની પેલે પાર બીજી એક નાની ટેકરી હતી. પશ્ચિમ દિશામાં એક લાંબું તળાવ હતું. અમે નીકળ્યા ત્યારે અમારી મોટરના રસ્તાની સાથે વળાંક લેતું તે દોઢ માઈલ લગી ચાલ્યું હતું. વાયવ્ય ખૂણામાં અને ઉત્તર દિશામાં એવાં બીજાં તળાવ દેખાતાં હતાં. અહીં આવાં ચારપાંચ ઘણાં વિશાળ તળાવ છે. ટેકરીઓનાં પાણી તેમાં ભેગાં થાય છે અને ખેતીના ઉપયોગમાં લેવાય છે.

અમે ઊતરવા લાગ્યા. ઊતરવામાં વધારે મજા પડવા લાગી. મને થયું, જો શરીરે ગોદડું. વીંટીને અહીં સૂઈ જઈએ તો બે જ મિનિટમાં ગબડતી ગતિએ નીચે પહોંચી જવાય. અરે શ્રીકાન્તે કહ્યું પણ ખરું કે અહીંનાં બાળકો એવી રીતે ગબડતાં તો નથી પણ આ ટેકરી પરથી લપસે છે તો ખરાં જ! શ્રીકાન્તને ઘેર ગયા. તાજી વાટેલી ડાંગરના પૂડાનો નાસ્તો કર્યો. તેમના વાડાની નાળિયેરીનું પાણી પીધું તથા તેમાંનું સુકોમળ કોપરું ખાધું. અમારી વચ્ચે ભાષાના વ્યવહાર શક્ય નહોતો છતાં શ્રીકાન્તનાં માતાએ જે સ્નેહ બતાવ્યો એ અવર્ણ્ય હતો. માણસનું અંતર સમૃદ્ધ હોય છે તો એ સમૃદ્ધિ ગમે તે રીતે વ્યક્ત થયા વગર રહેતી નથી.

અમે ગામની ભાગોળે મોટરની વાટ જોતાં બેઠા. નાની કન્યાઓ, મોટી યુવતીઓ માણસના ઘાટ જેવી ચકચકતી પિત્તળની ગાગરો કમર પર ટેકવીને પાણી ભરીને જતી હતી. ગામની ઉત્તરમાં બીજી નાની ટેકરી છે. તે ઉપર પણ એક જૈનમંદિર છે, અને ચડવાને કોરેલાં પગથિયાં છે. થોડાં પગથિયાં ચડ્યા પછી સામે ગોમટેશ્વરના મસ્તકનાં દર્શન થાય છે.

અમે આડીઅવળી વાર્તા કરતા હતા ત્યાં કસૂંબલ સાડીમાં સજ્જ થયેલી એક યુવતી, હાથમાં પૂજાનો થાળ લઈ, છૂટી ગૂંથેલી વેણીને ઝુલાવતી પાસે થઈને નીકળી. આ નાનકડી ટેકરી પર તે ચડતી હતી. થોડાં પગથિયાં ચડ્યા પછી તે પાછું વળીને જોતી અને પાછું ચડતી હતી. એમ અધિકાધિક ક્રમે ગોમટેશ્વરનાં દર્શન કરતી તે ટેકરીના ઊર્ધ્વ ભાગમાં લોપ થઈ ગઈ. તામ્રવર્ણી ટેકરી ઉપર કસૂબંલ સાડીવાળી એ ગતિશીલ આકૃતિ ભક્તના હૃદયમાં ઊર્ધ્વગતિ પામતી ભક્તિની રક્તજ્યોતિનું સ્મરણ કરાવતી હતી.

મોટરે આવીને અમને ઝડપી લીધા અને અમે બેંગલોરને માર્ગે ઊપડ્યા. ગોમટેશ્વરની ટેકરી ક્ષિતિજમાં એકલી અટૂલી ઊભી હતી. તેને અમે ધીરે ધીરે પાછળ મૂકતા ગયા; પણ ગોમટેશ્વરનું દિવ્ય મુદામય સ્મિતભર્યું વદન રસ્તાના વળાંકે વળાંકે જાણે અમારી તરફ ફર્યા જ કરતું હતું. ધીરે ધીરે ટેકરી અદૃશ્ય થઈ ગઈ; પણ એ સ્મિત, પ્રરક્ષક દેવતાની પાંખો પેઠે હજી જાણે પાછળ ઊડ્યા જ કરે છે.

[દક્ષિણાયન, ૧૯૪૨]