ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/કિરાતકન્યા હાથમતી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૧૭
રામપ્રસાદ શુક્લ

કિરાતકન્યા હાથમતી

હાથમતી[1] એ તો સાબરમતી જેવી સાધારણ નદીની એક શાખા. એને વળી શબરસુંદરી કે કિરાત કન્યાનાં કાવ્યોચિત ઉપનામો શાનાં? ઉત્તર ગુજરાતને આંગણે સાબરમતીનું માહાત્મ્ય મોટું હોય એટલે કાંઈ વિપુલજલભર ભારતીય નદીઓની હરોળમાં બેસવાની એની યોગ્યતા થોડી જ ગણાય? સિંધુ, ગંગા કે બ્રહ્મપુત્રાના વારિરાશિને પૃથ્વીના માનદંડ જેવા હિમાલયનું પીઠબળ, દક્ષિણ હિંદની નદીઓના જળઝરણપ્રદેશો પણ વિસ્તારયુક્ત, એટલે આજના ગુજરાતમાં રુદ્રકન્યા નર્મદા કે પ્રાચીન પયોષ્ણી તાપીને બાદ કરતાં નદી નામે ગણાવાને યોગ્ય સરિતાઓ જ ક્યાં છે? આવી આવી પ્રશ્નપરંપરાનું સમાધાન એટલું જ કે વ્યોમદીપોના અભાવે ઘર-દીવડાંને સત્કારવાનો શિરસ્તો સનાતન છે, અને વળી વિકલ્પ વિચારો. ઋગ્વેદે જેને નદીઓમાં સૌથી મોટી નદીતમા તરીકે નવાજીને પર્વતથી સમુદ્ર સુધી અસ્ખલિત રૂપે વહેતી તેમજ એની સર્વ સરિત્ સખીઓમાં શ્રેષ્ઠ તથા વિપુલ જલબળવાળી વર્ણવી છે એ ખોવાયેલી મહાન નદી સરસ્વતીના એક અવશેષરૂપે જો સાબરમતી હોય તો, એને તેમજ એની શાખા-પ્રશાખાઓને સાધારણ કહેતાં બે વાર વિચાર કરવો પડે. આ મુગ્ધ માન્યતા કવિકલ્પના ઠરે તોપણ એટલું તો વિવાદાતીત લાગે છે કે સિંધુ-ગંગાના કિનારા પર જ્યારે સંસ્કૃતિની સ્ફુરણા પણ થઈ ન હતી તે અતિપ્રાચીન–પ્રાગૈતિહાસિક પ્રાચીનતમ–સમયમાં નર્મદા, મહી કે સાબરમતીની ખીણોમાં આદિમાનવે મનુષ્ય તરીકે જીવવાની કદાચ શરૂઆત કરી. કૃષિજીવન ને સસ્કૃતિનાં પ્રથમ બીજ અહીં જ અંકુરિત થયાં.[2] અહીં જ માનવજૂથો અને ગ્રામોની પણ રચના થઈ. નદીઓ ઓળંગવા તરાપાઓ ભલે કદાચ માનવજીવનની શરૂઆતથી હશે; તથાપિ જળમાર્ગોની અવરજવરના શ્રીગણેશ તો આ જ નદીઓના મુખપ્રદેશમાં થયા, ને સમુદ્રક્ષમ જોનવિદ્યા પણ ઘણુંખરું અહીં જ વિકસી. જો આ ગૌરવ એમને ન આપવું હોય તોપણ આટલું તો નિઃસંશય ઇતિહાસસિદ્ધ છે કે આર્યસંસ્કૃતિની સમાન સંસ્કૃતિઓ આ નદીપ્રદેશેમાં પ્રથમથી હતી. એની સાથે આર્યસંસ્કૃતિના કેટલાક પ્રવાહો અફળાયા–અથડાયા, તો કેટલાક વળી હળીમળીને એકરૂપ થઈ ગયા. ઉપરાંત, સમુદ્રવાટે પ્રલંબાતી સંસ્કૃતિઓને પણ પોતાનાં મુખો મારફત અવરજવરની અનુકૂળતા એમણે આપી છે અને તે રીતે યુગેયુગે સંસ્કૃતિના નવા સમન્વયો થયા છે.[3]

હાથમતીને શબરસુંદરી પણ કહી શકાય, કારણ એના બંને તટ પર હિંદની પ્રાચીનતમ જાતિઓમાંની એક ભીલ જાતિના વિસ્તૃત વસવાટો છે. આ કોમનાં દુઃખસુખ તેમજ દૂષણ-ભૂષણોની એ છેક પ્રાગૈતિહાસિક કાળથી સાક્ષી છે, એની ચડતીપડતીના પલટાતા રંગો એણે જોયા છે અને એ તડકીછાંયડીઓમાં પણ એને ટકાવી રાખી છે. સુંદરી કહેવા જેટલાં સૌન્દર્ય સ્થાનો પણ હાથમતીના કિનારાઓ ઉપર છે; છતાં એને કિરાત-કન્યાનું અભિધાન આપવાનું મને એટલા માટે યોગ્ય લાગે છે કે કેવળ વનકન્યા જ જે સ્વતંત્રતા માણી શકે છે એ હાથમતીનું ખાસ લક્ષણ છે. મૂળ પાસેનો દોઢ હાથનો એનો પ્રવાહ પાંચસાત ગાઉમાં તો વિશાળ પટ થઈને વહે છે અને પાછો આખો પટ શુષ્ક દેખાય છે. ભીલોડાથી ઉપરવાસ હાથમતીનો પટ સૂકો છે, જેને કારણે પદ્મપુરાણે એને ‘શુષ્કરૂપા’ કહી છે. પણ ભીલોડા છોડી ચાર માઈલ પર ચીલોડા પાસે આવતાં તો આખી નદી ભરપૂર થઈને વહે છે. આ પછી ક્યાંક વહેણ તૂટે છે તોપણ એનો પ્રવાહ એકંદરે જલભર રહે છે. અને આગળ ઉપર તો મોટા મગર રહી શકે એવા ધરાઓ પણ એમાં પડે છે. આમ, લગ્નજીવન ગાળતી સુંદરી જેવું એકધારું નહિ, પણ કન્યા-જીવનની ચમકીલી દશાઓ દર્શાવતું હાથમતીનું જીવન છે...

ચિત્રોડીથી આગળ ચાલીને બંને બાજુ પહોળા થતા ડુંગરાઓની હાર વચ્ચેથી પસાર થતી હાથમતી ‘ઉમરિયાના મેળા’ તરીકે ઓળખાતા, ભીલ લોકોનો જ્યાં મેળો ભરાય છે એ સ્થાન પર આવી પહોંચે છે. ત્યાં બંને બાજુ ડુંગરાની હારો થોડે છેટે રહે છે, એથી નદીતલમાં ઊભા રહીને સર્વત્ર દૂર સુધી દૃષ્ટિ ફેંકી શકાય છે અને કશેય બંધિયાર જેવું લાગતું નથી. ચોમેર પથરાયેલી ટેકરીઓ ચિત્રમય રેખાઓની પાર્શ્વભૂમિકા જેવી લાગે છે. મેળો ભરાય છે એ સ્થળે નદીતટ ઉપર મહાદેવનું મંદિર છે. અને નીચે જ પાણીનો એક મોટો ધરો ભરેલો છે. આ સ્થળે પ્રતિવર્ષ ભાદરવાના શુકલપક્ષમાં મેળો ભરાય છે અને વીસવીસ ગાઉથી આજુઆજુના ભીલો અહીં એકઠા થાય છે. ઈ.સ. ૧૯૩૩માં આ મેળા જોવા માટે ઈડરથી મલાસા થઈ પગે ચાલતો હું ગયો હતો. ભીલોના મોટા સમૂહને એકસાથે જોવાની તેમજ એમનો સમૂહરાસ નિહાળવાની તક મને એ દિવસે સાંપડી હતી. સ્ત્રી-પુરુષો સાથે જ રાસ લેતાં હતાં. બસો-અઢીસો સ્ત્રીપુરુષોનું બહારનું મોટું કૂંડાળું હતું અને અને સમાન્તર દોઢસો જેટલાં સ્ત્રી-પુરુષોનું અંદરનું કૂંડાળુ હતું. સૌના ખભા વર્તુલના મધ્યબિંદુ તરફ સ્હેજ ઢળકતા રહેતા, અને એના પર પાછળ ચાલનારના જમણો હાથ રહેતો. મધ્યમાં બેત્રણ ઢોલી નાચીકૂદીને ઢોલ બજાવતા હતા. એના તાલ પ્રમાણે સૌની ગતિ થતી હતી. ગતિમાં જોમ અને તરવરાટ હતાં. સમુદ્રનાં મોજાં પડે અને ઊપડે એવી દશા સૌના જમણા હાથના રચાયેલા ત્રિકોણની દેખાતી હતી. એક વીર-ગીત ગવાતું હતું અને એની ધ્રુવ પંક્તિ—‘રે પૂરવિયા’ – વારંવાર સંભળાતી હતી. એ સિવાય આખું ગીત છેક અસ્પષ્ટ હતું. પરંતુ આ ધ્રુવપંક્તિ ઊંડે નાભિમાંથી અવાજ ઊઠતો હોય એ રીતે ઘૂંટપૂર્વક ગવાતી હતી, એથી સમુદ્રનાં મેજાંની ઘેરી તાકાત એમાં જણાતી હતી. ઢોલીઓ અવારનવાર બદલાતા.[4] એક બીજું પણ સ્મરણીય દૃશ્ય જોવા મળ્યું. ભીલોનાં નવાં નવાં ટોળાં આવતાં જાય અને જે જે ઓળખીતા મળે તેને ખભેખભા મિલાવીને સાંયાંમાયાં કરે (ભેટે). સ્ત્રીપુરુષનો આમાં કશો ભેદ નહિ. સ્ત્રીઓ પણ એકસરખી રીતે જ સ્ત્રી ને પુરુષ બંનેને ભેટે અને કુશળ-અંતર પૂછે. પણ આ મેળાનું મોટું દૂષણ એ હતું કે એમાં દારૂની છાકમછોળ ઊડતી હતી. આ મેળાનું સામાજિક મહત્ત્વ પણ ભારે છે. ભીલ કુમારિકાઓ મોટી ઉંમરે અને ઘણુંખરું પસંદગીનાં લગ્ન કરે છે. આવા મેળાઓમાં જ સાથીઓની અરસપરસ પસંદગી થાય છે. મનોમેળ થયે ભીલકન્યા માબાપની મરજી મેળવી લે છે અને જો એમ ન થઈ શકે તો છેવટ તેઓની કમરજીએ પણ મનમાનેલા માણસ સાથે પરણે છે. જૂનો રિવાજ તો એવો હતો કે આવા લગ્નના પ્રસંગે પિશાચવિવાહનો આભાસ ઊભો કરવામાં આવતો. વરપક્ષ આવીને કન્યાનું બલાત્કારે હરણ કરી જતો અને કન્યાને બચાવવા પિયરપક્ષ વ્હારે ધાતો હોય એ જાતનો હોકીકિયારો કરવામાં આવતો. પણ સુધારાનો ચેપ હવે તો ભીલ કોમોને પણ સંપૂર્ણ લાગ્યો છે અને ઘણુંખરું શાંત લગ્ન થાય છે. ભીલકોમોની ચોરીની રીત પણ જાણવા જેવી છે. લૂંટી લીધેલાં માણસોને એ થોડુંઘણું માર્યા વિના તો ન જ રહે; કેમકે તો જ લૂંટનો માલ શૌર્ય દર્શાવીને હક્ક તરીકે મેળવેલો ગણાય! પરંતુ આ રસમો હવે નષ્ટપ્રાય થઈ છે અને ભીલ કોમ સુધરી ગઈ છે.

પણ આ ગાળાને ઓળંગતાં પહેલાં હાથમતીની ખીણનું ઐતિહાસિક દૃષ્ટિએ સૌથી પ્રાચીનતમ એવું તીર્થસ્થાન અવલોકવું જોઈએ. નદીના પશ્ચિમ કિનારે લગભગ પોણો માઈલ દૂર દેસણ ગામ છે, એને ગોંદરે ઇન્દ્રાશી નદીના તટ પર ભવનાથ નામનું સુપ્રસિદ્ધ તીર્થસ્થાન છે. અહીં મધ્યમાં મહાદેવનું મદિર, પ્રાંતભાગમાં બીજાં મંદિરો અને છેડા પર એક તળાવડું છે જેને ભૃગુકુંડ તરીકે ઓળખવામાં આવે છે. આ કુંડની પ્રાચીનતા તથા ચમત્કારિકતા વિષે અનેક વાતો પ્રચલિત છે. એમાંથી આટલી સિદ્ધ હકીકત છે કે આ કુંડની માટી ચોપડીને ત્યાંના પાણીમાં નિત્ય સ્નાન કરવાથી લાંબે ગાળે પત જેવા ભયંકર રોગની શાંતિ થાય છે, અને કેટલાકનો કોઢ પણ મટે છે. બૉમ્બે ગૅઝેટીઅર (વૉલ્યમ પાંચમું, પૃ. ૪૩૩) પર એને વિષે નોંધ છે.

ઋગ્વેદ-પ્રસિદ્ધ સુકન્યા શાર્યાતિના વૃદ્ધ પતિ ચ્યવન ભાર્ગવને આ કુંડમાં સ્નાન કરવાથી યૌવન પ્રાપ્ત થયેલું એવી દંતકથા આજ દિવસ સુધી પ્રચલિત છે. ભૃગુઋષિઓએ અહીં ઘણા યજ્ઞો કર્યા હોવાનું કહેવાય છે, અને આ જ કુંડની વેદી બનાવીને એમાં અનેક વખત આહુતિઓ આપવામાં આવેલી એવી ક્વિંદંતિ પણ છે. આ સ્થળ ચ્યવન ઋષિનું નિવાસસ્થાન હતું કે નહિ અને કુંડજળમાં સ્નાન કરવાથી એમને યૌવન પ્રાપ્ત થયું કે નહિ ઇત્યાદિ પ્રશ્નોને અલગ રાખીએ, તોપણ તીર્થસ્થાન તરીકે આ સ્થળનું માહાત્મ્ય પ્રાચીન સમયથી છે એ વિષે અનેક ઐતિહાસિક પુરાવાઓ ઉપલબ્ધ છે.

રોડાનાં મંદિરોની વિદાય લેતાં કુંડ ઉપરનાં શીમળાનાં વિશાળ વૃક્ષોને પણ પળવાર યાદ કરી લઈએ. બરાબર કુંડ ઉપર પડછાયો ઢળે એ રીતે શીમળાનાં બે ખખડધજ ઝાડ વનપ્રદેશના દ્વારપાલ જેવાં અહીં ઊભાં છે. દૂર દૂર સુધીનું પ્રકૃતિસૌંદર્ય જોવાને માટે મથતાં હોય એમ એ આકાશ ભણી ઊંચે વધી ગયાં છે અને છેક જાંબુડી ગામના પાદરથી વરતી શકાય એ રીતે પોતાની અનોખી છટાથી સર્વમાં ભાત પાડતાં ગર્વભેર ઊભાં છે. મહાકવિ બાણે કાદંબરીમાં શાલ્મલી વૃક્ષનું જે છટાદાર વર્ણન કર્યું છે તે આને જોયા પછી જ કર્યું હશે એમ ક્ષણભર માનવાનું મન થઈ જાય એવો એમનો દબદબો છે; અને આ સ્થળનું પ્રાચીન ગૌરવ પોકારવાને માટે આકાશને છાપરે ચડી જવા જાણે ઇતિહાસને આમંત્રણ આપતાં હોય એવો ઘડીભર મુગ્ધ કલ્પનાને ભાસ આપે છે.

જાંબુડી છેાડ્યા પછી બે મોટા વળાંક લઈને હાથમતી ઘઉંવાવ નદીનું પાણી ઝીલવા આગળ વધે છે. સંગમ પર આવતાં પહેલાં એ ઉત્તર-વાહિની બને છે અને દોઢેક માઈલ સુધી દક્ષિણથી ઉત્તર તરફ વહે છે, ત્યાં ઉત્તર-દક્ષિણ દોડી આવતી ઘઉંવાવ પશ્ચિમ દિશાનો એક વળાંક લઈને એને મળી જાય છે. અને નદીનાં જળ એક થયા પછી આ સંયુક્ત પ્રવાહ પશ્ચિમ તરફ ત્રણેક માઈલ વહી ફરીથી રાજપુર પાસે નૈર્ઋત્યગામી બને છે. હાથમતી-ઘઉંવાવના સંગમ પર એક ઊંચી ભેખડની તેડ ઉપર કુંડલેશ્વર મહાદેવનું મંદિર છે અને તેના પ્રાંતભાગમાં સતીના હાથ તથા પાળિયા છે. હાથમતીતટના આ પાંચેક માઈલના ગાળામાં ઘણા પાળિયા મળે છે. એમાં સંગમ ઉપરના પાળિયા તો છેક ૧૬-૧૭મી સદીના હોય એમ લાગે છે, કેમકે તેમાંના એકની નીચે જે નાનો લેખ છે એમાં જૂની ગુજરાતી તથા પશ્ચિમ રાજસ્થાની ભાષાનો ઉપયોગ થયેલો છે. કમભાગ્યે લેખ સારી રીતે ઉકેલી શકાય તેવો રહ્યો નથી.

રાજપુર પછીના ચારેક માઈલના વહેણ બાદ હિંમતનગર પર બાંધેલા બંધને કારણે હાથમતીનાં પાણી ભરપૂર રહે છે અને આખો ગાળો અતિશય રમણીય દેખાય છે. એ બંધને મથાળે અથવા ગાડીના પુલ ઉપર ઊભા રહી જોતાં આખું દૃશ્ય હૃદયંગમ બને છે. પાણીનો વિસ્તૃત પથરાટ, ક્ષિતિજ ઉપર ઝઝૂમી રહેલી ડુંગરાની હારો અને અને તટ પરની લીલી વનસ્પતિથી જળમાં ઊપડી આવતી મરકતમણિ સરખી ઝાંય આપણને આનંદ આપે છે. આ સ્થળે ‘કાંસ’ના વધુ પ્રચલિત નામે ઓળખાતી હાથમતીની નહેર કાઢવામાં આવી છે. નહેર ખાસ્સી એટલી ઊંડી અને મોટી છે કે નદી ગણી શકાય એવો વિપુલ વારિપ્રવાહ એમાં વહે છે. એને બંને કાંઠે ઝાડોની હાર છે અને છેક સોનાસણ તથા પ્રાંતીજના પાદર સુધી તો આંબાનાં અનેક વૃક્ષો છે. નદીમાત્ર લોકમાતા છે પણ જ્યારે એ નહેર રૂપે વહે છે ત્યારે હજાર હાથે ફળે છે. તુષ્યમાન થયેલી માતાની મહેરનો પાર હોય નહિ. હાથમતીની આ લોકોપકારકતાની ખાતરી કરવી હોય તેણે પ્રાંતીજના પાદરથી સોનાસણ સુધી નહેરને કાંઠે ફરવા જવું અને બંને તટ પરનાં ક્ષેત્રોની ફલદ્રુપતા તેમજ અહીંતહીં ઊપસી આવતી આમ્રકુંજો જોવી. અરધી સદીથીયે ઝાઝેરા સમયથી એકલે હાથે હાથમતીએ ઉત્તર ગુજરાતને લીલો રાખવાની પહેલ કરી છે. વનકન્યાની ઋજુતાથી એણે પેાતાનું સર્વસ્વ જનસેવાર્થે ધરી દીધું છે. નિખાલસતા અને સરળતા એ ભીલ કોમનો ભારે મોટો ગુણ છે. પોતાનું સર્વસ્વ અર્પતાં કેવળ એક કિરાતકન્યાને છાજે એવી સરળતા હાથમતીએ દર્શાવી છે. લેનારને ઓછામાં ઓછી તકલીફ પડે એ રીતે પોતાનું દિલ એણે વહાવ્યું છે. કિરાતકન્યાને વળી હૃદયચોરી શી? ગુજરાતની મહાનદીઓમાંથી ભારે ખર્ચે જ્યારે નહેર નીકળશે ત્યારે પણ હાથમતીની આ સરળ ઋજુતાનું ઋણ શેં વિસરાશે?

હિંમતનગરથી દોઢેક માઈલ દૂર હાપ્પા (હસ્તિ+પ્રપાત) ગામની નજીકમાં આખી નદી ધોધ બનીને ભેખડ પરથી નીચે પડે છે. ધોધની ઊંચાઈ આશરે પંદરેક ફૂટ છે અને ઉપરનું નદીતલ પણ દર્શનીય છે. ધોધની નીચે મોટા ધરાઓ ભરાઈ જાય છે, જેમાં મોટી માછલીઓ અને ક્વચિત મગર પણ ભરાઈ રહે છે. હિંમતનગરના બંધ ઉપર અને અહીં પણ પાંચ- સાત શેરની મોટી માછલીઓ હોય છે. ઉત્તર ગુજરાતની નદીઓની નામીચી માછલીઓમાં હાથમતીની માછલીનું પણ સ્થાન છે. ધોધનો કર્ણપ્રિય નિનાદ, ભેખડ પર ચઢીને ધસતાં પાણી અને ધોધમાંથી રચાતાં ઇન્દ્રધનુઓની મજા માણતાં અહીં અનેક રમ્ય પ્રદોષો વિતાવ્યાની યાદ આજે પણ મનમાં તાજી છે. ઊગતા સૂર્યનાં કિરણોને ધોધ પર પડતાં જોવાની લેહમાં વહેલી પરોઢે હિંમતનગરથી નીકળીને અર્ધું દોડતાં ત્યાં પહોંચી જવાનાં સ્મરણો પણ ઓછાં નથી. પણ એક માઘ માસ પૂર્ણિમાની રાતે સાડા દસ વાગતાં સુધી અહીં રહીને જે હર્ષપ્રકર્ષ અનુભવેલો એ તો વર્ણનાતીત જ રહેશે. ધોધ પર આવતાં પહેલાં પથરાયેલી પાણીની રૂપેરી બિછાત, મુખ્ય પ્રવાહ ભેખડ પર ચઢે એ પહેલાં જ બાજુમાંથી નીચે સરી પડતા નાના પ્રવાહના ચમકારા, ચાંદની રાતે શ્વેતાભિસારિકા બનીને નીકળેલી કોઈ રમણીય નાગકન્યા જીભના લબકારા કરીને ફુત્કાર કરતી હોય એવો જલપ્રપાત,–એમ આખું દૃશ્ય રસરૂપ હતું. જાણે કોઈ વિશાળકાય શ્વેત મયૂર ભેખડ ઉપર ચઢીને, ધોધરૂપી ડોક હલાવી ગહેકતો હોય અને એનાં પીછાંને સ્થાને પાછળનો જલપટ પથરાયો હોય એવો દેખાવ હતો.

હાથમતીએ માત્ર ચ્યવનભાર્ગવની યૌવનકથા જ જાણી છે એમ નથી. સંસ્કૃતિના અનેક થરો એણે દર્શાવ્યા છે. સંશોધકની આંખને આમંત્રણ આપતા અહીં એ સર્વ અવશેષો પડેલા છે. એણે ચીની મુસાફર બૌદ્ધ સાધુ હ્યુ-એન-સ્તાંગનાં પગલાં અહીં જોયાં છે, ખેડ જેવી મહાન મંદિરોની નગરીઓ એણે સર્જી અને સંકેલી પણ લીધી છે; અને ખેટકાહારના આ મધ્યસ્થ કેન્દ્રમાં આવતા જતા અનેક મહાપુરુષોના મનસૂબાઓની એ સાક્ષી છે. કેટકેટલી સુંદરીઓ, કેટકેટલા શૂરાઓ અને સતીજતીઓની એણે સેવા કરી છે. એ સર્વ હકીકત તો કદાચ કાળના ગર્ભમાં જ રહેશે. ઇતિહાસના અંધકાર પરથી માત્ર આટલો પડદો ઊંચકી શકાયો છે એ પણ મહેકમહેક થતી સંસ્કૃતિની સુગંધને ચોમેર પમરાવી રહે છે. હાથમતીની આ કથામાં સૌન્દર્ય, સંસ્કૃતિ અને સેવાના ઉત્તરોત્તર ચડિયાતા અંશો એકીસાથે ભળી જઈ રસાયનરૂપ બની ગયા છે. આ પ્રાચીન ૐશ્ન્ઠ્ઠક્રદ્બજ્દ્બદરૂદ્બ એ જાણે કે પોતાનાં હાડ ગાળીને ગુજરાતને ગૌરવ આપ્યું છે પુરાણોએ વર્ણવેલી મહર્ષિ દધીચિની જીવનકથા સૈકાઓ સુધી જીવી બતાવી છે. ઇતિહાસને નવું અજવાળું આપવાનું કામ પણ શું હાથમતી જ આજે કરી જશે કે?

[સરિતાઓના સાન્નિધ્યમાં (મારી પદયાત્રાઓ), ૧૯૯૩]

સંદર્ભો

  1. ૧ હાથમતીને પદ્મપુરાણે हस्तीमती કહી છે; પરંતુ પુરાણોની વ્યુત્પત્તિ ભાગ્યે જ શ્રદ્ધેય હોય છે. સાબરમતીને साम्रमती ગણાવી છે એને મળતી જ આ વ્યુત્પત્તિ છે. હાથમતીની સાચી વ્યુત્પત્તિ अस्थि+मति એમ લાગે છે. अस्थि =હાડકાં. આલંકારિક રીતે લઈએ તો નદીનાં હાડકાં એટલે નદીમાંના પથ્થર, ખડક, શિલાઓ ઇત્યાદિ. હાથમતી પથરાળ નદી છે એ એનું વિશિષ્ટ લક્ષણ છે. એની વેકૂર પણ મોટી હોય છે. ખડકો ઉપરાંત ઘણે સ્થળે નદી- તળમાં માઈલો સુધી લાડવા ઘાટના મોટા ગોળ પથરાઓ છે. श्रप्र=વાંઘાં એ જેમ સાબરમતીનું વિશિષ્ટ લક્ષણ છે, એમ अस्थि એ હાથમતીનું એવું જ વ્યાવર્તક લક્ષણ છે; કારણ કે સાબરમતીની બીજી કોઈ પણ શાખા કરતાં હાથમતીમાં વધુ પથ્થર છે. (હાથમતીને તીરે વેદપુરાણપ્રસિદ્ધ ભૃગુકુળના મુખ્ય પુરુષ ચ્યવન ભાર્ગવનો વાસ હતો. એના પૌત્ર દધીચિએ વૃત્રને મારવા માટે પોતાનાં હાડ (अस्थि) આપ્યાં હતાં એ હકીકત સાથે આ अस्थि શબ્દને જોડવાનું મન થાય એને કવિકલ્પના ગણી લેવી, જેની પુરાણોમાં પ્રચુરતા છે.
  2. ૨ જુઓ : શ્રી વિષ્ણુ કરંદીકરના લેખ : ‘Narmada Valley Civilization’ (૧૯૩૩માં વડોદરામાં ભરાયેલી ‘અખિલ હિંદ પ્રાચ્યવિદ્યા પરિષદ’ની ૭મી બેઠકનો અહેવાલ). શ્રી કરંદીકરની નર્મદાની સંસ્કૃતિની પ્રાચીનતા વિષેની માન્યતાને ભૂસ્તરશાસ્ત્રનો પણ ટેકો છે. કોઈ કોઈ પુરાતત્ત્વવિદો માને છે કે આદિમાનવના અવશેષો ગુજરાત–પશ્ચિમ હિંદ ને મદ્રાસ બાજુ મળી આવવાનો વધુ સંભવ છે.
  3. ૩. ગુજરાતની ભૂમિ સંસ્કારવિનિમય ને સમન્વયની ખાસ ભૂમિ છે. કેટકેટલી પરદેશી જાતિઓ અહીં આવીને આ ભૂભાગોમાં ભળી ગઈ! પાશુપત સંપ્રદાયનાં મોટાં મથકો અહીં હતાં; જૈન દર્શનોને છેવટનું સ્વરૂપ વલભીમાં મળ્યું; બૌદ્ધ ધર્મનાં અનુપમ વિદ્યાધામો પણ અહીં હતાં : અને ભારતવર્ષમાં જેના નામે યુગેયુગે ભક્તિના જુવાળો ચડ્યા છે એ શ્રી કૃષ્ણની જીવનલીલા પણ અહીં વિકસી ને સંકેલાઈ.
  4. ૪. ભીલ લોકોમાં એવો રિવાજ છે કે એક માણસ ઢોલ વગાડતો હોય ત્યારે બીજો આવીને એ ઢોલને હાથ અડકાડે એટલે તરત વગાડનારો આગંતુકના ગળામાં ઢોલની દોરી નાખી દે. આ ત્વરિત ફેરબદલીમાં પણ ઢોલ વાગવાનું અવિરત ચાલુ રહે; અનુગામી પુરોગામીના તાલનું અનુસંધાન અસ્ખલિત રીતે જાળવે, વગાડનાર જો હાથ અડકારનારને ઢોલ ન આપે તો એનું પરિણામ મારામારીમાં આવે.